શિંગભૂપાલ (ઈ. સ.ની 14મી સદીમાં હયાત) : સંસ્કૃત ભાષાના કવિ, વિવેચક અને શાસ્ત્ર લેખક. આ લેખકને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. ‘શિંગમ્ નાયક’, ‘શિંગરાજા’, ‘શિંગધરણીશ’, ‘શિંગમહીપતિ’ અને ‘સિંહભૂપાલ’ વગેરે નામો તેમના માટે પ્રચલિત છે. તેઓ રેચર્લ વંશના રાજા હતા. તેમની રાજધાની રાજાચલ કે રાચકોંડા હતી. વિંધ્ય પર્વત અને શ્રીશૈલ પર્વત વચ્ચેના પ્રદેશના તેઓ રાજા હતા. તેમની માતાનું નામ અન્નમામ્બા, પિતાનું નામ અનન્ત અથવા અનપોત નાયક, દાદાનું નામ શિંગપ્રભુ કે શિંગમ્ નાયક અને દાદીનું નામ યાચમા નાયક હતું.
તેમને ‘સર્વજ્ઞ’ એવી ઉપાધિ લોકોએ આપી હતી; કારણ કે તેઓ જાતે વિદ્વાન રાજા હતા અને વિદ્વાનોના આશ્રયદાતા હતા. ‘ચમત્કાર-ચંદ્રિકા’ના લેખક વિશ્વેશ્વર તેમના આશ્રિત હતા અને રાજા શિંગભૂપાલને વર્ણવતા ઘણા શ્લોકો તેમણે લખ્યા છે. શિંગભૂપાલે ‘કંદર્પસર્વસ્વ’ નામનું નાટક અને નાટ્યશાસ્ત્ર વિશે ‘નાટકપરિભાષા’ નામનો ગ્રંથ લખ્યો છે. અલંકારશાસ્ત્ર વિશે તેમણે ‘રસાર્ણવસુધાકર’ નામનો ગ્રંથ રચ્યો છે. સંગીતશાસ્ત્ર વિશે શાઙર્ગદેવના પ્રસિદ્ધ ગ્રંથ ‘સંગીતરત્નાકર’ પર ‘સંગીતસુધાકર’ નામની ટીકા સંસ્કૃતમાં લખી છે. શિંગભૂપાલનો સમય 1330ની આસપાસનો છે, કારણ કે જાણીતા ટીકાકાર મલ્લિનાથે અને કુમારસ્વામીએ પોતપોતાની ટીકાઓમાં ‘રસાર્ણવસુધાકર’માંથી ઉદ્ધરણો આપ્યાં છે.
‘રસાર્ણવસુધાકર’ શિંગભૂપાલનો જાણીતો ગ્રંથ છે. તે ત્રણ ઉલ્લાસોમાં વહેંચાયેલો છે. પ્રસ્તુત ગ્રંથમાં રસ અને નાટ્યશાસ્ત્રના તમામ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના પ્રથમ વિલાસમાં નાટ્યલક્ષણ, રસલક્ષણ, નાયક-નાયિકા-ભેદ, બંનેના ગુણો, અલંકારો અને સહાયકો, રીતિઓ, નાટ્યવૃત્તિઓ, પ્રવૃત્તિઓ, સાત્વિક ભાવો વગેરેનું નિરૂપણ છે. બીજા વિલાસમાં 33 વ્યભિચારી ભાવો, સ્થાયી ભાવો, રસો, રસાભાસ, રસવિરોધ, રસસંકર વગેરેની ચર્ચા છે. તૃતીય વિલાસમાં રૂપક અને તેના પ્રકારો, અર્થપ્રકૃતિઓ, અવસ્થાઓ, પંચ સંધિઓ અને 64 સંધ્યંગો, અર્થોપક્ષેપકો, પતાકાસ્થાનકો, નાટ્યભૂષણો, પાત્રના સંદર્ભમાં ભાષાનિયમ અને સંબોધન-નિયમ વગેરે બાબતો રજૂ થઈ છે. વિપુલ સંખ્યામાં ઉદાહરણો એ આ ગ્રંથની વિશેષતા છે.
પ્રસ્તુત ગ્રંથ 1895માં વેંકટગિરિમાંથી સરસ્વતીશેષ શાસ્ત્રીએ સર્વપ્રથમ સંપાદિત કરેલો. એ પછી ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત સીરિઝમાં 1916માં ટી. ગણપતિશાસ્ત્રીએ તેનું બીજું સંપાદન કરેલું. ચેન્નાઈ પાસેના અડ્યાર રિસર્ચ સેન્ટરમાંથી 1979માં ટી. વેંકટાચાર્યે તેનું ત્રીજું સંપાદન કર્યું છે.
પ્ર. ઉ. શાસ્ત્રી