શિંગનો સુકારો : શિંગો અગર અન્ય વનસ્પતિના ફળ કે બીજ ઉપરનો ફૂગ કે વિષાણુજન્ય રોગ. કઠોળ વર્ગની કેટલીક વનસ્પતિ ઉપર ફલિનીકરણ થયા બાદ વ્યાધિજનક જીવાણુઓ, ફૂગ કે વિષાણુના આક્રમણથી શિંગોનો વિકાસ અટકી જાય છે. પાકના આ રોગને શિંગનો સુકારો કહે છે. શિંગની શરૂઆતની કુમળી અવસ્થામાં આ આક્રમણ થવાથી બીજાશય અપરિપક્વ દશામાં સુકાઈ જાય છે. તેમાં બીજ તૈયાર થતાં નથી, પરિણામે પાક-ઉત્પાદન મળતું નથી. આ આક્રમણ પાછલી અવસ્થામાં થાય તો બીજ ચીમળાયેલાં, નાનાં મળે છે. અને પછીની ઋતુમાં રોપવામાં આવે તો તેમાંથી અંકુરણ થતું નથી. આવા ખામીભરેલા શિંગના બીજમાં પૌદૃષ્ટિક તત્વોની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. અન્ય વનસ્પતિનાં ફૂલોમાં પણ વ્યાધિજનક ઘટકોના આક્રમણથી ફળ કે બીજાશયના સ્થાને વિવિધ આકાર, કદ કે રંગવાળી શિંગો તૈયાર થાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ