શાહ, હેમેન્દ્ર અનુપમલાલ (જ. 5 માર્ચ 1936, અમદાવાદ, ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના ફોટોગ્રાફર. પુણેમાં મૅટ્રિક, અમદાવાદની એચ. એલ. કૉમર્સ કૉલેજમાંથી બી.કૉમ. (1957) થયા. અમદાવાદમાં તથા મુંબઈમાં વીમા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામગીરી કરી.
તેમણે 1962માં પથિક આર્ટ સ્ટુડિયો શરૂ કર્યો, પણ તેમાં જોઈતી સફળતા ન મળી. 1965થી 1984 સુધી વલ્લભ વિદ્યાનગરની જાણીતી એન્જિનિયરિંગ કંપનીમાં ઇન્ડસ્ટ્રિયલ ફોટોગ્રાફર તરીકે જોડાયા. ટૂંક સમયમાં જ ફોટોગ્રાફી, મુવી પબ્લિસિટી, રેપૉગ્રાફિક્સ, ઇન્ડસ્ટ્રિયલ એક્સ-રે, માઇક્રો ફિલ્મિંગ વગેરે વિભાગના વડા તરીકે પ્રશંસનીય કામગીરી કરી. 1984માં રાજીનામું આપી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા.
ફોટોગ્રાફીને કલા તરીકે વિકસાવવામાં તેઓ સતત 45 વર્ષ સુધી પ્રયત્નશીલ રહ્યા. અનેક વૈયક્તિક ફોટોપ્રદર્શન, સ્લાઇડ-પ્રદર્શનો, વાર્તાલાપો યોજ્યાં. લેખોના પ્રકાશન સાથે છાપાં અને સામયિકોમાં સ્વતંત્ર પત્રકારત્વ નિમિત્તે – એમ વિવિધ રીતે અને શૈલીએ 1 લાખથી વધુ સુંદર તસવીરોનું સર્જન તેમણે કર્યું.
1962માં ભારતીય ગ્રામીણ જીવનને ઉપસાવતા 101 ફોટાઓનું પ્રદર્શન રશિયા મોકલ્યું. તેને અત્યંત સફળતા મળી. 1964માં રશિયાના નિમંત્રણથી ખેડેલા પ્રવાસ દરમિયાન મૉસ્કો, લેનિનગ્રાડ, તાશ્કંદ, સમરકંદમાં તેમનાં નવાં સ્લાઇડ-પ્રદર્શનો તથા ફોટો-પત્રકારત્વની નવી કૃતિઓ વાર્તાલાપ સાથે રજૂ કરી.
છેલ્લાં 18 વર્ષથી તેમણે વન્ય પ્રાણી, પ્રકૃતિ અને પર્યાવરણના વિષય પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જુદા જુદા 18 વિષયોમાં 100 ઉપરાંત સ્લાઇડ-પ્રદર્શનો કર્યાં. વળી શ્વેત, અશ્વેત અને રંગીન છબીઓનાં 12 ઉપરાંત વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં. તેમણે ઇન્ડસ્ટ્રિયલ ફોટોગ્રાફી કરવા માટે ભારતના અનેક પ્લાન્ટોની તથા 25 ઉપરાંત વન્ય પ્રાણી અભયારણ્યોની મુલાકાત લઈને અનેક તસવીરો ખેંચી છે. તદુપરાંત ખજૂરાહો, દેલવાડા અને અન્ય મંદિરોનાં શિલ્પોની ફોટોગ્રાફી માટે ઇનામો પણ પ્રાપ્ત કર્યાં છે.
તેમણે રાજ્ય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પારિતોષિકો અને ઇનામો મેળવ્યાં છે. ભારતની સૌથી મોટી તસવીર સ્પર્ધા ‘મેઇડ ફૉર ઇચ અધર’(કોલકાતા આઇટીસી)માં રૂ. 15,000નો પ્રથમ ઍવૉર્ડ; ‘પોલ્યૂશન ઇન ઇન્ડિયા’ (મુંબઈ) તરફથી રૂ. 5,000નું પ્રથમ ઇનામ; વિજયવાડા કૅમેરા ક્લબ તેમજ વાઇલ્ડ લાઇફ બૉર્ડ તરફથી ઇનામો તથા ઑલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ સોસાયટી (નવી દિલ્હી) તરફથી રૂ. 10,000નું ઇનામ ઉપરાંત ન્યૂઝ ક્રૉનિકલ (1955, લંડન), ઑલમ્પસ કૅમેરા કંપની (1990-91, જાપાન), વર્લ્ડ પ્રેસ ફોટો (ઍમસ્ટરડૅમ), આગ્ફા-લિવર કુરોન(2003, જર્મની), ફોટોકિના વર્લ્ડફેર ઑવ્ ફોટોગ્રાફી (ઑબેલિસ્ક ઍવૉર્ડ, જર્મની, (1966), કૅનેડા સેન્ટેન્નિયલ એક્ઝિબિશન (1967); કૉડાક, યુ.એસ. (1963-64) તરફથી તથા મૉસ્કો ઇન્ટરનૅશનલ એક્ઝિબિશનમાં પણ ઍવૉર્ડ (1961) પ્રાપ્ત થયા છે.
વિશ્વની શ્રેષ્ઠ તસવીરોમાં તેમની કૃતિઓ પસંદગી પામી છે. તેમાં રશિયામાં ‘લિડિંગ ટુ પાથ’, ‘દિવાસ્વપ્ન’, ‘ચંપો મ્હોરી ઊઠ્યો’ ઉલ્લેખનીય છે. તેમની કૃતિ ‘હજીયે રોયો ન આવ્યો’ને આર્ટ કાઉન્સિલ ઑવ્ ગ્રેટબ્રિટન અને ઇલ્ફૉર્ડ લિમિટેડે વિશ્વનાં 120 ચિત્રોમાં સ્થાન આપ્યું છે. કૉડાક, ફ્રાન્સે પણ તેમની શ્રેષ્ઠ સ્લાઇડ પસંદ કરી છે. તેઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તથા ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સભ્ય તરીકે રહી ચૂક્યા છે. ફોટોગ્રાફી ક્ષેત્રે તેમના મહત્વના પ્રદાન બદલ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તરફથી 1998-99ના વર્ષનો લલિતકલા ‘ગૌરવ પુરસ્કાર’ તેમને પ્રાપ્ત થયો છે.
બળદેવભાઈ કનીજિયા