શાહ, હુસેન (જ. 1539, અ. 1593) : પંજાબી સૂફી કવિ. ‘તાઝ્કિરા-એ-ઓલિયા-ઇ-હિંદ’ના લેખક અનુસાર શાહ હુસેનના વડવાઓ કાયસ્થ હિંદુ હતા. બાવા બુદ્ધસિંગે તેમને રાજપૂત (ધત્તા) કુળના દર્શાવ્યા છે. જોકે બીજી બધી હકીકતો તેમના પિતા વણકર હોવાનું સૂચવે છે.
તે કાદરી સંપ્રદાયના હતા, પરંતુ તેમની રહેણીકરણી ‘માલામતી’ પ્રકારની હતી. તેમનો ઉછેર સામાન્ય સનાતની મુસ્લિમ પ્રણાલિકા પ્રમાણે થયો હતો. તેમણે 10 વર્ષની વયે ગોખણપટ્ટીથી કુરાન મોઢે કર્યું. પાછળથી તેઓ ચિનિયોટ, જિ. જંગના શેખ બહલોલના શિષ્ય બન્યા અને લાહોરમાં દાતાગંજ બક્ષની કબરમાં તેમણે પૂરાં 12 વર્ષ તપ કર્યું, અને તેઓ પોતે તે કબરના વ્યવસ્થાપક બન્યા. પાછળથી તેનો ત્યાગ કરી તેઓ કુરાનના ટૂંકા અને માર્મિક અર્થઘટન કરવા માટે જાણીતા પીર સાદ ઉલ્લાહના શિષ્ય બન્યા.
હુસેને અકબરના ‘દીન-એ-ઇલાહી’ના પ્રભાવ હેઠળ દાઢી-મૂછ દૂર કર્યાં અને રાતો ઝભ્ભો ચડાવ્યો. તેમણે દારૂ અને ગાંજો પીવા માંડ્યો. તેમના શિષ્યોને પણ દારૂ પી મસ્તીમાં રહેવા જણાવ્યું. તેઓ ગાવા અને નાચવા-કૂદવાના શોખીન હતા. તેથી તેમને કાદરી સંપ્રદાયના સૂફી તરીકે ઓળખવામાં આવતા. જોકે તે સંપ્રદાયના સિદ્ધાંતોનું તેઓ કદી પાલન કરતા ન હતા. એ રીતે તેઓ ઈરાની સૂફીની વધુ નજીક હતા. માધો નામના હિંદુ છોકરા પ્રત્યે તેમને ભાવનાપ્રધાન લાગણી હોવાને કારણે તેઓ ‘માધો લાલ હુસેન’ કહેવાતા. હુસેનનું અવસાન થતાં માધો પણ મૃત્યુ પામ્યો અને તે બંનેની કબરો લાહોર પાસેના બાઘબાનપુરા ગામ ખાતે આવેલી છે.
શાહ હુસેનનાં કાવ્યો ‘કાફી’-સ્વરૂપે જોવા મળે છે. મોહનસિંગના સંગ્રહમાં 162 કાફીઓનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે ભારતીય સંગીતપદ્ધતિના જાણીતા રાગો પર રચાયેલી છે. શાહ હુસેને મધ્ય પંજાબમાં તે સમયે બોલાતી ભાષામાં, મુસ્લિમ લોકગીતોમાંથી અરબી-ફારસી શૈલીને અનુસર્યા વિના લખ્યું છે.
ગુરુ ગ્રંથસાહેબમાં એક કે બે વખત કાફી-સ્વરૂપ જોવા મળે છે, જે શાહ હુસેન પછી લોકપ્રિય બની હતી. તેમનાં કાવ્યોમાં અતૃપ્ત પ્રેમની પીડા અથવા અલૌકિક તત્વ સાથેના ઐક્ય માટેની ઝંખના સ્પષ્ટ થાય છે; પરંતુ તેમાંના રૂઢિપ્રયોગો મોટેભાગે ગ્રામીણ અને નીચલા વર્ગને અનુલક્ષીને કરાયા છે. તેમાં સ્ત્રીઓ, ખાસ કરીને છોકરીઓની પરઠણ તૈયાર કરવા રૂપે કાંતણકામ અને વણાટકામને અનુલક્ષીને છે. તેમનાં કાવ્યો ઉત્કટ ભાવનાથી સભર છે, પરંતુ સાંપ્રદાયિક લાગણીઓથી પર છે. તેઓ કદી પ્રાર્થના (નમાજ) કે ઉપવાસ(રોજા)ના હિમાયતી ન હતા અને મહમદ કે બીજા કોઈ પયગંબરના નામનો અપરોક્ષ રીતે પણ ઉલ્લેખ કરતા નથી. આમ છતાં તેઓ પંજાબી ભાષાના મોટા કવિઓ પૈકીના એક લેખાય છે. મોહનસિંગે તેમનાં કાવ્યોનું સંપાદન ‘કાફિયત શાહ હુસેન’ શીર્ષક હેઠળ કર્યું છે અને પંજાબ યુનિવર્સિટી, લાહોર દ્વારા તે પ્રગટ કરાયું છે.
બળદેવભાઈ કનીજિયા