શાહ, સુમન્ત (જ. 8 ઑગસ્ટ 1933, ચામારા, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી 1958માં ચિત્રકલાની સ્નાતક પદવી તથા 1961માં ચિત્રકલાની અનુસ્નાતક પદવી હાંસલ કરી હતી. ભારત સરકારે 1959થી ’61 સુધી ચિત્રકલામાં સંશોધન માટે તેમને રિસર્ચ ફેલોશિપ આપેલી. કારકિર્દીનો પ્રારંભ તેમણે અમૂર્ત ચિત્રોથી કર્યો; પણ પછીથી જૈન તીર્થંકરો, સાધુઓ, સાધ્વીઓ, ‘કલ્પસૂત્ર’, ભક્તામર-કથા જેવાં જૈન સ્તોત્રો, કથાઓ અને મહાવીરસ્વામી તથા ઋષભદેવના જીવનપ્રસંગોનાં આલેખનો તેમની ચિત્રકલાના મુખ્ય વિષય બન્યા. તેમણે દિલ્હી, મુંબઈ, યુગાન્ડા, કપૂરથલા, લુધિયાણા અને વડોદરામાં તેમનાં ચિત્રોનાં અનેક વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. 1962થી 1996 સુધી તેમણે કપૂરથલાના કેન્દ્રીય વિદ્યાલયમાં કલાશિક્ષકની જવાબદારી નિભાવી. 1998થી 2000 સુધી તેઓ અમદાવાદની પ્રસિદ્ધ ગુજરાત મ્યુઝિયમ સોસાયટીના ક્યુરેટર હતા.
અમિતાભ મડિયા