શાહની, કુમાર (જ. 7 ડિસેમ્બર 1940, લરકાના, હાલ પાકિસ્તાનમાં) : ચલચિત્ર-નિર્માતા, દિગ્દર્શક, લેખક. અર્થપૂર્ણ ચિત્રો બનાવવા માટે જાણીતા કુમાર શાહની તેમના પરિવાર સાથે દેશના ભાગલા બાદ ભારતમાં આવીને સ્થાયી થયા હતા. મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ તેમણે પુણે ખાતેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયામાં દિગ્દર્શનનો અભ્યાસ કર્યો હતો. ત્યાં તેઓ ઋત્વિક ઘટક પાસે ફિલ્મનિર્માણના પાઠ શીખ્યા હતા. તેમણે 1958માં ‘માયાબજાર’ ચિત્રનું નિર્માણ કર્યું હતું, પણ એ પછી ચિત્રનિર્માણનો વધુ અભ્યાસ કરવા તેઓ ફ્રાન્સ ગયા હતા. ફ્રેન્ચ સરકારે તેમને ચલચિત્ર પર સંશોધન કરવા શિષ્યવૃત્તિ આપી હતી. ફ્રાન્સમાં તેમણે ખ્યાતનામ ચિત્રસર્જક રૉબર્ટ બ્રેસાંએ બનાવેલા ચિત્ર ‘ફેમ્મી ડૂસ’(Femme Douce)માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત ફ્રાન્સમાં 1968માં થયેલી ચળવળોમાં પણ ભાગ લીધો હતો. કુમાર શાહનીને હોમી ભાભા ફેલોશિપ પણ મળી હતી. ભારતમાં આવીને કુમાર શાહનીએ બનાવેલું ચિત્ર ‘માયાદર્પણ’ કથા અને સ્વરૂપની દૃષ્ટિએ પ્રથમ પ્રયોગલક્ષી ચિત્ર ગણાયું છે. નિર્મલ વર્માની વાર્તા પર આધારિત આ ચિત્રમાં તેમણે દમનખોર અને શોષણખોર વ્યવસ્થા સામે થતા બંડનું નિરૂપણ કર્યું હતું અને આ બંડ કરવામાં રાજસ્થાનના એક જમીનદારની દીકરી નેતૃત્વ લે છે. કુમાર શાહનીને ‘માયાદર્પણ’, ‘ખયાલગાથા’ તથા ‘કસબા’ ચિત્રો માટે શ્રેષ્ઠ ચિત્ર માટેના સમક્ષીકો દ્વારા અપાતા ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યા હતા. ‘માયાદર્પણ’ લોકાર્નો ફિલ્મોત્સવમાં પણ પુરસ્કૃત થઈ હતી. કુમાર શાહનીના ચિત્રનિર્માણ પર ઋત્વિક ઘટક અને રૉબર્ટ બ્રેસાંનો પ્રભાવ રહ્યો છે, પણ આ પ્રભાવ હેઠળ પણ તેમણે પોતાની મૌલિક શૈલી વિકસાવી છે.
નોંધપાત્ર ચિત્રો : ‘માયાદર્પણ’ (1972), ‘તરંગ’ (1984), ‘ખયાલગાથા’ (1988), ‘કસબા’ (1990), ‘ભવનતરાના’ (1991), ‘ચાર અધ્યાય’ (1997).
હરસુખ થાનકી