શાસ્ત્રી, લાલબહાદુર (જ. 2 ઑક્ટોબર 1904, મોગલસરાઈ, ઉત્તરપ્રદેશ; અ. 11 જાન્યુઆરી 1966, તાશ્કંદ, સોવિયેત સંઘ) : ભારતના બીજા વડાપ્રધાન. પિતા શારદાપ્રસાદનો મધ્યમવર્ગીય કાયસ્થ પરિવાર. માત્ર બે વર્ષની વયે પિતાનું અવસાન થયું. પ્રાથમિક શિક્ષણ માંડ માંડ મોગલસરાઈમાં પૂરું કર્યું. મા-દીકરો મામાને ત્યાં વારાણસીમાં આવીને રહ્યાં. શરીર નીચું પણ ઇરાદાઓ ઘણા ઊંચા. વામનમાં વિરાટ ગુણો સ્કૂલના દિવસોથી જ દેખાવા લાગ્યા. કઠોર મહેનતથી મળેલી તેજસ્વિતા અને પ્રામાણિકતા ઝળકી ઊઠી. બાળવયથી દેશભક્તિમાં ગળાબૂડ. દૃઢ સંકલ્પ અને આત્મબળ તો એમનાં જ. તે દિવસોમાં ભારતની રાજકીય ક્ષિતિજ પર ચળવળોનો સળવળાટ ચાલુ હતો. 1921માં ગાંધીજીએ અસહકારની લડતની હાકલ કરી હતી. ગાંધીજી જેને માનવતા ઉપરનું કલંક ગણતા તે અસ્પૃશ્યતાને હઠાવવા શાસ્ત્રીજીએ પ્રયત્ન ચાલુ કર્યો.
શાસ્ત્રીની આમ તો અટક શ્રીવાસ્તવ, પણ કાશી વિદ્યાપીઠમાં 1926માં દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરી ‘શાસ્ત્રી’ની ઉપાધિ મેળવી ત્યારથી લાલબહાદુર ‘શાસ્ત્રી’ તરીકે જ ઓળખાતા રહ્યા. 1927માં સર્વન્ટ ઑવ્ ઇન્ડિયા સોસાયટીમાં જોડાયા. ત્યારબાદ 16-5-1928ના રોજ લલિતાદેવી સાથે લગ્ન થયાં. લાલા લાજપતરાયના ભારત સેવક સમાજમાં જોડાઈને સેવાનો ભેખ લીધો. સને 1930માં આવી જ એક ચળવળમાં અલ્લાહાબાદના યુવાનોએ અંગ્રેજ સલ્તનતને પડકારીને ભારતના ત્રિરંગાને શહેરના ટાવર પરથી ફરકાવવાનું નક્કી કર્યું. અલ્લાહાબાદની પોલીસને થાપ આપી. 1930, 1933થી 1945 સુધી કુલ સાત જેલયાત્રાઓમાં જોડાયા. તા. 5-4-1930ના રોજ દાંડી કૂચ. 6-4-1930ના રોજ ગાંધીજી દ્વારા નમકના કાયદાનો ભંગ કરવામાં આવ્યો.
સત્યાગ્રહી શાસ્ત્રીજીને અંગ્રેજોએ જેલમાં પૂર્યા. શાસ્ત્રીજીએ ટુકડે ટુકડે આઠ વર્ષની સજા ભોગવી. જેલવાસ એટલે ફરજિયાત નવરાશ. કાળકોટડીમાં બસ બેસી જ રહેવાનું, પણ શાસ્ત્રીજીએ ત્યાં વાચનને વહાલું કર્યું. વિશ્વભરના મહાન લેખકોનાં પુસ્તકો તેમણે વાંચ્યાં. લૅનિન, રસેલ, માર્ક્સ, લાસ્કી, હેગલ, કૅન્ટની વિચારધારાથી પરિચિત થયા. લખવામાં પણ સમય ફાળવ્યો. મૅડમ ક્યૂરીની જીવનગાથાનો અનુવાદ કર્યો.
પરિશ્રમ અને સમર્પણના ગુણોએ તેમને ઘણી ઊંચી સફળતા અપાવી. એમના રાજકીય જીવનમાં પ્રારંભથી જ તેઓ કૉંગ્રેસની નીતિ-રીતિને વરેલા હતા. કૉંગ્રેસ પક્ષના મહામંત્રી તરીકેની જવાબદારીઓ વહન કરી કેન્દ્રના મંત્રી તરીકેનો દરજ્જો મેળવ્યો. 1947માં ઉત્તરપ્રદેશમાં ગોવિંદવલ્લભ પંતના પ્રધાનમંડળમાં ગૃહપ્રધાન તરીકે પદ શોભાવ્યું, 1951માં દિલ્હીમાં કૉંગ્રેસના મહામંત્રી તરીકે અને 1952માં ભારતીય ગણતંત્રની પ્રથમ ચૂંટણીઓ જીતી નહેરુ પ્રધાનમંડળમાં રેલવે-મંત્રી બન્યા, પણ રેલવેના અકસ્માતની જવાબદારી સ્વીકારી રેલવે-મંત્રીપદેથી રાજીનામું આપી તેમણે ઉચ્ચ સંસદીય પરંપરાનું દૃષ્ટાંત પૂરું પાડ્યું. 1957ની બીજી લોકસભાની ચૂંટણી યોજાઈ તેમાં અલ્લાહાબાદ મતવિસ્તારના સંસદસભ્ય બની નહેરુ પ્રધાનમંડળમાં તારટપાલખાતાના પ્રધાન રહ્યા. 1958માં વાણિજ્યપ્રધાન અને 1961માં ગૃહપ્રધાનપદ તેમણે શોભાવ્યું. નહેરુના અવસાન પછી 1964માં દેશના દ્વિતીય વડાપ્રધાન તરીકેની જવાબદારી તેમને સોંપાઈ.
શાસ્ત્રીજીની કેટલીક સંનિષ્ઠ કામગીરી જોઈએ તો કેન્દ્રમાં મંત્રી બનતાં પહેલાં તેઓ ઉત્તરપ્રદેશમાં ગૃહખાતાના પ્રધાન હતા ત્યારે સૂઝબૂઝથી પોલીસખાતામાં ફેરફારો કર્યા. પ્રજામાં પોલીસખાતાને પ્રતિષ્ઠા અપાવી અને લોકઆદરના અધિકારી બન્યા. નહેરુના અવસાન પછી પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ કમનસીબે ટૂંકો રહ્યો. જવાહરલાલના અવસાનથી આવી પડેલી જવાબદારીઓ અનેકવિધ હતી. નાનકડા ખભાઓ પર જાણે પહાડો જેવડી મુશ્કેલીઓ. દેશની જનતાનો વિશ્ર્વાસ તેમણે સંપાદન કર્યો. પાકિસ્તાને 1965માં ભારત સામે યુદ્ધની સ્થિતિ ઊભી કરી. દેશમાં અતિવૃદૃષ્ટિનો આતંક ચાલુ હતો. રાજ્યોમાં પરિસ્થિતિ દયાજનક હતી. લોકો કેન્દ્ર સરકાર તરફ આશા માંડી રહ્યા હતા. નવા વડાપ્રધાનની કપરી કસોટી હતી. તેમણે નિર્ણય કરી લીધો : યુદ્ધ તો લડી જ લેવું. તેમણે આપેલું ‘જય જવાન, જય કિસાન’નું સૂત્ર આખા દેશે ઉપાડી લીધું. તેમના સૂત્રથી લશ્કરમાં નવી ચેતના જાગી. દુશ્મનને મંત્રણાના મેજ પર બેસવા મજબૂર કર્યો. ભારત-પાક વચ્ચે મંત્રણાનો તખ્તો ગોઠવાયો.
ભારત રશિયાની સરકાર સાથેની મિત્રતાને કારણે બંને દેશોની મંત્રણાનો તખ્તો 10-1-1966ના રોજ તાશ્કંદમાં ગોઠવાયો. ભારત-પાક મંત્રણા શરૂ થઈ, જે તાશ્કંદ કરાર તરીકે ઓળખાય છે. તાશ્કંદ કરારની શાહી પણ સુકાઈ નહોતી ત્યાં હૃદયરોગના હુમલાએ તેમના પ્રાણ લઈ લીધા. ભારતની જનતાએ તેમના આકસ્મિક અવસાન બદલ ઊંડો શોક અનુભવ્યો. વિજયઘાટ પર વડાપ્રધાનની સ્મૃતિ સ્થાપી.
તેમનું શાંત છતાં મક્કમ મનોબળ ધરાવતું વ્યક્તિત્વ વડાપ્રધાન તરીકે નોંધપાત્ર બની રહ્યું હતું.
બલદેવ આગજા