શાસ્ત્રી, કેશવરામ કાશીરામ (જ. 28 જુલાઈ 1905, માંગરોળ, જિ. જૂનાગઢ) : ગુજરાતના જાણીતા વિદ્વાન. માંગરોળ(સોરઠ)ના વતની. તેઓ શાળાનું મૅટ્રિક્યુલેશન (માધ્યમિક શાળાંત પરીક્ષા) સુધીનું અને પિતાજી પં. કાશીરામ કરશનજી શાસ્ત્રી (બાંભણિયા) પાસે સંસ્કૃત વ્યાકરણ, કાવ્યો અને વેદાંતનું શિક્ષણ પામેલા.
1923માં માંગરોળ (સોરઠ) નજીકના ચંદવાણા ગામમાં અધ્યાપન માટે એક વર્ષ ગાળ્યા પછી માંગરોળની પિતાશ્રીની સંસ્કૃત પાઠશાળામાં ખંડસમયના શાસ્ત્રી તરીકે અને કૉરોનેશન હાઈસ્કૂલમાં સહાયક શિક્ષક તરીકે પૂરાં 11 વર્ષની ઉચ્ચ વર્ગમાં સંસ્કૃત અને ગુજરાતીના વિષયે અધ્યાપનની સેવા આપી. આ સમય સુધીમાં એમની તીક્ષ્ણ સંશોધક-વૃત્તિ એમને ગુજરાતી વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના ક્ષેત્રે ખેંચી ગઈ અને અનેક લેખો ઉપરાંત જૂની ગુજરાતીના ક્ષેત્રે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સંશોધન એમને હાથે શરૂ થઈ ગયું.
1936ના પહેલા મહિનામાં એ અમદાવાદ સ્થિર થવા આવ્યા. એક વર્ષ ‘પ્રજાબંધુ’ – સાપ્તાહિકના તંત્રી-ખાતામાં સેવા આપી અને 1937ના એપ્રિલથી ગુજરાત વિદ્યાસભા(એ વખતની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)માં સંશોધક તરીકે દાખલ થઈ એક પછી એક ઉત્તમ ગ્રંથ આપવા લાગ્યા. 1939થી અનુસ્નાતક વર્ગમાં ગુજરાતી ક્ષેત્રે અપભ્રંશ અને જૂની ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ શીખવવા લાગ્યા. 1944માં મુંબઈ યુનિવર્સિટીએ એમને એમ.એ.ના વર્ગ લેવાની માન્યતા આપી. 1951થી ગુજરાત યુનિવર્સિટીમાં એ માન્યતા ચાલુ રહી. 1955માં આ યુનિવર્સિટીએ પીએચ.ડી.ના માર્ગદર્શન માટે માન્યતા આપી. સતત 42 વર્ષના અધ્યાપનકાર્ય દરમિયાન હજારથીયે વધુ સંખ્યાના એમ.એ.ના વિદ્યાર્થીઓને એમણે ભણાવ્યા, જ્યારે 26 વર્ષમાં એમના પોતાના જ 15 શિષ્યો પીએચ.ડી. થયા; વચ્ચે 1961થી 1971 સુધી અમદાવાદની બાલાભાઈ દામોદરદાસ મહિલા કૉલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના સંલગ્ન અધ્યાપક; ભો. જે. વિદ્યાભવનમાં છેલ્લાં 46 વર્ષથી તો તેઓ માનાર્હ અધ્યાપક છે.
1952માં ગુજરાતી વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના સંશોધનક્ષેત્રે આપેલા પ્રદાન માટે ગુજરાત સાહિત્ય સભા-અમદાવાદ તરફથી ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અને ઇતિહાસક્ષેત્રે ‘દ્વારકા’ ઉપરના નિબંધને માટે 1971માં દ્વારકાના ગુજરાત ઇતિહાસ પરિષદ અધિવેશનમાં ગોકાણી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. આ ઉપરાંત પુદૃષ્ટિમાર્ગીય પુસ્તકાલય નડિયાદ, ગુજરાત રિસર્ચ સોસાયટી-મુંબઈ અને ગુજરાત ઇતિહાસ પરિષદ-દ્વારકા તરફથી પણ એમને સુવર્ણચંદ્રકો પ્રાપ્ત થયા છે. છેલ્લે લંડનની ગુજરાતી સંસ્થાએ એમને પ્લૅટિનમ ઍવૉર્ડથી પણ સન્માનિત કર્યા (2004). 1952માં મુંબઈ યુનિવર્સિટીનું ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો માટે નિમંત્રણ. એ પછી વડોદરા યુનિવર્સિટીના સંગીત મહાવિદ્યાલય તરફથી ‘ભરત-નાટ્યશાસ્ત્ર અને આચાર્ય અભિનવગુપ્ત’ ઉપર 7 અને ‘ભાણ : એક નાટ્યપ્રકાર’ ઉપર 3 વ્યાખ્યાનો. 1966માં અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી સ્વ. રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્ને હસ્તે ‘વિદ્યાવાચસ્પતિ’ની પદવી. 1976માં વ્યાકરણ અને ભાષાશાસ્ત્રક્ષેત્રે મળેલી સિદ્ધિ માટે રાષ્ટ્રપતિ ડૉ. ફકરુદ્દીન અલી અહમદને હસ્તે ‘પદ્મશ્રી’નું માન. આ ઉપરાંત બીજાં 39 માનપત્રો શાસ્ત્રીજીને મળ્યાં છે. એમાં કેટલાંક કાગળ ઉપર, કેટલાંક તામ્રપત્રો, પિત્તળપત્રો, કાંસ્યપત્રો અને લાકડા ઉપર છે. 1977માં પ્રયાગની ભારતી પરિષદ તરફથી ‘મહામહિમોપાધ્યાય’ની પદવીથી વિભૂષિત. આ ઉપરાંત પણ શાસ્ત્રીજીને ‘ભાષાભાસ્કર’, ‘વેદવેદાંત-ચક્રવર્તી’, ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’, ‘શુદ્ધાદ્વૈતાલંકાર’, ‘ધર્મભાસ્કર’, ‘બ્રહ્મર્ષિ’, ‘ભારત-ભારતી રત્ન’, ‘પ્રભાસરત્ન’, ‘વાચસ્પતિ’, ‘ભારતમાર્તંડ’ અને ‘જ્ઞાતિરત્ન’ વગેરે પદવીઓ પ્રાપ્ત થઈ છે.
ગુજરાતી વ્યાકરણોમાં ‘ગુજરાતી ક્રમિક વ્યાકરણ’, ‘ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર’, ‘ગુજરાતી પારંપરિક વ્યાકરણ’, ‘ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ’; ભાષાશાસ્ત્રના ખેડાણમાં ‘સંસ્કૃત ભાષા’; ‘વાગ્વિકાસ’, ‘ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ’, ‘ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા’, ‘ભાષા અને ગુજરાતી ભાષા’, કોશક્ષેત્રે ‘ગુજરાતી અનુપ્રાસકોશ’, ‘પાયાનો ગુજરાતી કોશ’, ‘લઘુ જોડણીકોશ’, ‘ગુજરાતી લઘુકોશ’, ‘અમરકોશ’ (ગુજરાતી અનુવાદ), ‘બૃહદ ગુજરાતી કોશ (ભાગ : 1, 2)’, ‘દસ ભાષાનો વનૌષધિકોશ’ વગેરે.
મહાભારતના મૂળરૂપ ‘ભારતસંહિતા’ 24,000 શ્ર્લોકોની (પ્રકાશન : 1998) અલગ કાઢી એમાંથી 8,800 શ્ર્લોકોની ‘જયસંહિતા’ તારવી છપાવી (ગુજરાત રિસર્ચ સોસાયટી-મુંબઈ-અમદાવાદનું 1977નું પ્રકાશન). ઉચ્ચ કોટિનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિનું કાર્ય. એ પદ્ધતિએ બીજરૂપ ‘ગીતા શતશ્ર્લોકી’ (પ્રકાશન : 1971) અને ‘હરિવંશ’નો સંક્ષેપ (પ્રકાશન : 1979) પણ આપ્યાં છે.
ભો. જે. વિદ્યાભવન દ્વારા 1997-98માં પ્રકાશિત થયેલ શ્રીમદ્ ભાગવત પુરાણની સમીક્ષિત આવૃત્તિના ગ્રંથ 4 : ભાગ-1 અને 2 (સ્કંધ 10થી 12) અને ગ્રંથ 3ના 9મા સ્કંધનું સંપાદન પૂજ્ય શાસ્ત્રીજીએ કર્યું છે. એમાં દેશના વિવિધ ગ્રંથભંડારોમાંથી મેળવેલ હસ્તપ્રતો અને ભાગવત પુરાણની 4 જેટલી ટીકાઓમાંથી નોંધેલાં પાઠાંતરોને આધારે સંપાદનકાર્ય કરવામાં આવ્યું છે. આ ઉપરાંત Bhagavata : Epilogue જે છે તેમાં ભાગવત પુરાણના વિષયો, તેનું કર્તૃત્વ, પુરાણ-મહાપુરાણનાં લક્ષણો ઇત્યાદિની વિગતે ચર્ચા થઈ છે તે પ્રદાન શાસ્ત્રીજીનું છે. વિશેષમાં શાસ્ત્રીજીએ ‘ભાગવત-મહાપુરાણ’નું સંપાદન શ્રીમદ્વલ્લભ વિશ્વધર્મ સંસ્થા માટે પણ કર્યું છે. તેમાં પંદરમી સદી પૂર્વે થયેલા ચાર ટીકાકારોનાં પાઠાંતરો અને પ્રક્ષેપો આપવામાં આવ્યાં છે અને સૌથી જૂનો પાઠ બનારસની 12મી સદીની પ્રાચીન વાચનાનો છે, જેને કેન્દ્રમાં રાખી આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે.
1969ના ગુજરાતી સાહિત્ય પરિષદના જૂનાગઢમાં ભરાયેલ 25મા અધિવેશનમાં ભાષા-સાહિત્ય-ઇતિહાસ-પુરાતત્વ વિભાગના અધ્યક્ષ અને 1975ના ગુજરાત ઇતિહાસ પરિષદના પાટણ અધિવેશનના પ્રમુખ. વળી 1983માં પુણેમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 33મા અધિવેશનમાં પ્રમુખ.
1938માં મુંબઈ ‘આકાશવાણી’ ઉપર ‘હવેલીનું સંગીત’ એ વિષય ઉપર વાર્તાલાપ આપ્યા પછી અમદાવાદ કેન્દ્રમાં એમના દોઢસોથીયે વધુ વાર્તાલાપ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ‘બહાઉદ્દીન કૉલેજ અમૃત મહોત્સવ સમિતિ-જૂનાગઢ’ તરફથી અર્પિત ફંડની ‘ભક્તકવિ નરસિંહ મહેતા સ્મારક વ્યાખ્યાનમાળા’ના 1979ના પ્રથમ વર્ષના ઉદ્ઘાટક વ્યાખ્યાતા, જેમનું 1980ના નવેમ્બરમાં એ જ યુનિવર્સિટીએ સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કર્યું હતું.
શાસ્ત્રીજીના અનેક વિષયે અત્યાર સુધીમાં 240 ગ્રંથ છપાયા છે અને નવા લખાયે જાય છે. હજારથીયે વધુ લેખ છપાઈ ગયા છે, જેમાં સંશોધનમૂલક લેખોની સંખ્યા 300થી વધુ છે. આજે 100 વર્ષની ઉંમરે પણ પ્રતિદિન 10થી ઓછા નહિ એટલા કલાક ઢતાથી સતત કાર્ય કરનાર શાસ્ત્રીજી વિરલ સારસ્વત છે.
કૃષ્ણકાન્ત કડકિયા