શાસ્ત્રી, અમીરચંદ્ર [જ. 15 જુલાઈ 1918, અહમદપુર સ્યાલ, જિ. જંગ (હાલ પાકિસ્તાનમાં)] : સંસ્કૃત પંડિત અને લેખક. તેમણે સરકારી સંસ્કૃત કૉલેજ, વારાણસીમાંથી 1933માં શાસ્ત્રી અને 1936માં આચાર્યની પદવી મેળવી. ઋષિકુળ વિદ્યાપીઠ, હરદ્વારમાંથી 1933માં વિદ્યાકલાનિધિ, 1936માં વિદ્યાભાસ્કર, 1964માં વિદ્યાવાચસ્પતિની પદવીઓ મેળવી.
તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : મહાવીર સંસ્કૃત મહાવિદ્યાલય, જંગ(હાલ પાકિસ્તાન)માં આચાર્ય, રામાનુજ વેદાંત વિદ્યાલય, વૃંદાવનમાં આચાર્ય; મહર્ષિ વેદાનુસંધાન પ્રતિષ્ઠાનમના નિયામક; શ્રી લાલબહાદુર શાસ્ત્રી કેન્દ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, નવી દિલ્હીના ઉપાચાર્ય.
તેમની માતૃભાષા પંજાબી હોવા છતાં તેમણે સંસ્કૃત અને હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે. સંસ્કૃતમાં ‘ગીતિકાદંબરી’ (1968) કાવ્યસંગ્રહ; ‘શ્રી જવાહરલાલ નહેરુ ચરિતમ્ મહાકાવ્ય’ (1994) નહેરુની આત્મકથાનો કાવ્યમય અનુવાદ; ‘ભારતીય સૌન્દર્યશાસ્ત્રવતરા:’ સૌન્દર્યશાસ્ત્રનો ગ્રંથ ઉલ્લેખનીય છે. હિંદીમાં ‘ભક્તિ કાદંબરી’ (1993), ‘શ્રી હરિવંશ અષ્ટક’, ‘શ્રી રાધાસુધાનિધિ સ્તવ’ (1995) અનૂદિત કાવ્યસંગ્રહો છે. તેમણે અનેક સાહિત્યિક અને સંશોધનાત્મક પત્રો રજૂ કર્યાં છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1975માં રાષ્ટ્રપતિ ઍવૉર્ડ, 1987માં દિલ્હી સંસ્કૃત સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1993માં સંસ્કૃતમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમી ટ્રાન્સલેશન પ્રાઇઝ પ્રાપ્ત થયેલાં. વળી તેમને ‘કવિરત્ન’, ‘વિદ્યારત્ન’, ‘આશુ કવિ’ અને ‘કવિશિરોમણિ’ના ખિતાબોથી સન્માનિત કરવામાં આવેલા.
બળદેવભાઈ કનીજિયા