શાલભંજિકા : સ્તંભના ટેકા તરીકે વપરાતી નારીદેહ-પ્રતિમા. ‘શાલભંજિકા’ શબ્દ રમત અને પ્રતીક એમ બે રીતે પ્રયોજાયો છે. પાણિનિએ આ શબ્દ પ્રયોજ્યો છે. તેના મૂળ અર્થમાં જોઈએ તો તે સ્ત્રી સાથે સંકળાયેલ એક ક્રીડા (રમત) છે. કન્યા શાલ કે અશોક વૃક્ષની ડાળીઓ પરનાં પુષ્પો એકત્ર કરવા જતી તે શાલભંજિકા. ભારતનાં પ્રાચીન શિલ્પો આ મહાન વ્યાકરણશાસ્ત્રીના ખ્યાલને સમર્થન આપે છે. સમય જતાં રમતનો આ ખ્યાલ તેના મૂળ અર્થથી બદલાઈ ગયો; પરંતુ શિલ્પમાં તે એક પ્રતીક તરીકે પ્રયોજાતો રહ્યો. પાછળથી આ શિલ્પમય આકૃતિ શાલભંજિકા તરીકે ઓળખાઈ. અશ્વઘોષના સમયમાં (ઈ. પૂ. બીજી સદી) શિલ્પમાં તેની આ પ્રકારની આકૃતિઓ પ્રવેશના તોરણદ્વારની બંને બાજુએ મૂકવામાં આવતી અને તે તોરણ-શાલભંજિકા તરીકે ઓળખાતી. આ સંજોગોમાં શાલભંજિકા તરીકે સ્ત્રી જ હતી અને તેને શાલ વૃક્ષને અઢેલીને ઊભી હોય તે રીતે રજૂ કરવામાં આવતી. પાછળથી વૃક્ષનું આ સુશોભન (motife)
ભારતીય શિલ્પકલામાં ચાલુ જ રહ્યું અને છેવટે તે સ્થાપત્યકીય અંગ (component) તરીકે વિકસ્યું. વાસ્તવમાં સ્તંભ અને તેની પરની પીઢ(architrave)ના ટેકા(support)ને ભારતીય શિલ્પીઓએ આ શાલભંજિકાના સુશોભન વડે કલાપૂર્ણ બનાવ્યા છે. સ્તંભ અને પીઢનો ટેકો સાથે મૂક્યો હોત તોપણ સ્થાપત્યકીય હેતુ જળવાઈ રહેત; પણ ભારતીય સંસ્કૃતિનું એક લક્ષણ કલાપ્રધાનતા હોવાથી આ સીધા-સાદા ટેકાને શાલભંજિકાના આલેખનથી કલાપૂર્ણ બનાવ્યો. ત્રિભંગી અવસ્થામાં ઊભેલી આ શાલભંજિકાના આલેખનમાં ખૂબ જ કાળજી લેવાતી. ‘બુદ્ધચરિત’(52)માં તે ઉપમાના સ્વરૂપે નિર્દિષ્ટ છે. (वीरराजविषम्बि – चारुहाररचितातोरणशालभंजिकेव). શાલભંજિકાનો અર્થ બદલાઈ ગયો. તેની ઉત્તમ શિલ્પમય રજૂઆત સાંચીના સ્તૂપના પ્રવેશદ્વાર (તોરણ) આગળ દૃદૃષ્ટિગોચર થાય છે. સાંચીના મહાસ્તૂપના ઉત્તર દિશાના તોરણદ્વારના સ્તંભોની ઉપર હાથીઓ અને હાથીઓની બંને બાજુએ કમાન પર આમ્રવૃક્ષને અઢેલીને ઊભેલી શાલભંજિકાઓનાં મનોહર શિલ્પો છે. સ્તંભની નજીક ઊભેલી આ શાલભંજિકાએ તેનો ડાબો હાથ ઉપર લીધો છે અને આમ્રવૃક્ષની ડાળીને ધારણ કરે છે, જ્યારે બીજો હાથ નિતંબ પર ટેકવેલો છે. આ આકૃતિઓ નિર્વસ્ત્ર લાગે છે; પરંતુ તેમણે કંકણ, હાર, કટિમેખલા, ઝાંઝર વગેરે આભૂષણો અને કમર તથા ઢીંચણના ભાગમાં બારીક પારદર્શક વસ્ત્ર પહેરાવેલું છે. તેની કેશભૂષા આકર્ષક છે. માથાની પાછળના વાળ ગરદન સુધી લટકતા છે અને વાળની લટોના છેડા કોણાકાર કાંગરી આકારે છે.
થૉમસ પરમાર