શારીર-વિજ્ઞાન : શારીર-પરિચય
January, 2006
શારીર–વિજ્ઞાન : શારીર–પરિચય : આયુર્વેદમાં શરીરને લગતા શાસ્ત્રને ‘શારીર’ કહે છે. શરીરની ઉત્પત્તિથી માંડી મૃત્યુપર્યંતના બધા જ ભાવોનું ‘શારીર’માં વર્ણન કરવામાં આવે છે. તેમાં શરીરની રચના અને ક્રિયા એમ બંને વિષયોનું વર્ણન કરાતું હોવાથી શારીરવિષયના ‘રચનાશારીર’ (anatomy) અને ‘શારીરક્રિયા’ (physiology) એવા મુખ્ય બે વિભાગો પડે છે. આયુર્વેદના ચરક, સુશ્રુતાદિ બધા આર્ષ સંહિતાગ્રંથોમાં શરીરને અનુલક્ષીને અલગ ‘શારીરસ્થાન’ નામનો વિભાગ આપવામાં આવ્યો છે, જેમાં ‘શરીર’ તથા ‘શરીરી’(આત્મા)નું ઊંડાણપૂર્વક જ્ઞાન આપેલું છે. શારીરસ્થાનમાં શરીરની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ, શરીરોત્પાદક ઉપાદાન-તત્વો, શરીરની રચના તથા ક્રિયાઓનું વર્ણન જોવા મળે છે. આયુર્વેદમાં શરીરના જ્ઞાન-શારીરની મહત્તા બતાવતાં ચરકસંહિતા શારીરસ્થાન અધ્યાય 6માં કહ્યું છે કે ‘શરીરનું વિભાગશ: જ્ઞાન શરીરને સંપૂર્ણતયા જાણવા માટે અત્યંત ઉપયોગી છે. પ્રાકૃત શારીરજ્ઞાનને જાણી લેવાથી શરીરોપકારક ભાવોનું જ્ઞાન થઈ જાય છે, તેથી વિદ્વાનો શારીરજ્ઞાનની પ્રશંસા કરે છે.’ પ્રત્યક્ષશારીરમાં ગણનાથસેને કહ્યું છે કે ‘બધા જ મનુષ્યોના શરીરના બાહ્યાભ્યંતર વિષયોના વિવરણ માટેનું શારીરજ્ઞાન એ ચિકિત્સાવિદ્યાના દ્વાર સમાન છે. શરીરના જ્ઞાન પછી જ ચિકિત્સા થઈ શકે છે. રચનાશારીરના શરીરના બાહ્યાભ્યંતર અવયવોનું રચનાની દૃષ્ટિએ, જ્યારે ક્રિયાશરીરમાં શરીરમાં થતી બધી જ ક્રિયાઓનું વર્ણન આપેલું છે.’ આમ શરીરને માધ્યમ તરીકે રાખીને રચેલા શાસ્ત્રને આયુર્વેદમાં ‘શારીર’ કહે છે.
રચનાશારીર(ઍનૅટૉમી)ના વિભાગશ: જ્ઞાન માટે શબચ્છેદનનું જ્ઞાન જરૂરી છે. શબચ્છેદનથી શરીરાભ્યંતર અવયવોની જાણકારી મળે છે. શારીરવિષયના વિશેષજ્ઞ મહર્ષિ સુશ્રુતે પોતાની સંહિતામાં શબચ્છેદન દ્વારા શરીરાભ્યંતર અવયવો જોવાની વાત બતાવી છે, જે તે સમયે પણ સ્વીકારાયેલી અને તે શારીરના પ્રત્યક્ષજ્ઞાનની મહત્તા દર્શાવે છે. શલ્યશાલાક્ય(surgery)નો મૂળ આધાર રચનાશારીર છે, જે શબચ્છેદન દ્વારા શરીરના પ્રત્યક્ષ જ્ઞાનથી જાણી શકાય છે. શબચ્છેદન માટે શબની પ્રાપ્તિથી માંડી આભ્યંતર નિરીક્ષણ કરવા સુધીનું જ્ઞાન સુશ્રુતે આ પ્રમાણે આપેલું છે : ‘‘પૂરા અંગ-પ્રત્યંગવાળી જેનું મૃત્યુ વિષથી તથા લાંબી માંદગીથી થયેલ ન હોય તેવી પ્રૌઢ ઉંમરની વ્યક્તિના શબમાંથી આંત્રગત મલ દૂર કરી તે શબને પૂરતા પાણીવાળી છતાં મંદપ્રવાહવાળી નદીમાં મુંજ, ઝાડની છાલ, દર્ભ કે કાસના ઘાસથી લપેટી પીંજરામાં મૂકી પ્રકાશ ન આવતો હોય તેવી જગ્યાએ સડાવવું. સારી રીતે સડી ગયેલા શબને વાળથી, વાંસથી કે છાલથી ઘસી ત્વચાથી માંડી શરીરાભ્યંતર બધા અવયવો પૂરેપૂરા જોવા. આ પ્રક્રિયા એક સપ્તાહમાં પૂરી કરવી.’’
સુશ્રુતસંહિતાનું ઉપર્યુક્ત વર્ણન પ્રાચીન ભારતીય ચિકિત્સાવિજ્ઞાનમાં શબચ્છેદન સાથે શરીરરચનાવિજ્ઞાનના જ્ઞાનની ઉપયોગિતા તથા મહત્તા જણાવે છે. સુશ્રુતના સમયગાળામાં તો શલ્યશાલાક્ય-ચિકિત્સા-સર્જરી વિશ્વમાં અદ્વિતીય હતી અને હાલની સર્જરીનાં મૂળ સુશ્રુતસંહિતામાં પડેલાં છે. તેથી જ સુશ્રુતને શલ્યશાસ્ત્રના પિતા (પ્રણેતા) (Father of Surgery) કહેવામાં આવે છે.
ચરકસંહિતા જેવા કાયચિકિત્સા(medicine)-પ્રધાન ગ્રંથોમાં પણ શરીરક્રિયાવિજ્ઞાનનું પ્રસંગોપાત્ત, વર્ણન યત્ર-તત્ર મળે છે; જેમાં પ્રાકૃત શારીર અને રોગાવસ્થા, સ્વસ્થાવસ્થા, સ્વસ્થવૃત્ત, દિનચર્યા, ઋતુચર્યા, ત્રિદોષ, આહારપાચન, રોગોત્પત્તિની પ્રક્રિયા, સ્રોતોવિજ્ઞાન, દોષ-ધાતુ-મલોનાં કાર્યો, ચિકિત્સા વગેરે વિષયોમાં શરીરક્રિયાવિજ્ઞાનના વિષયોને વણી લેવામાં આવ્યા છે. શરીરની ઉત્પત્તિ, આત્મા-મનનું કર્તૃત્વ, શરીરનાં તત્વો અને શરીરોત્પાદક ભાવો, દોષનાં પ્રાકૃત-વિકૃત કર્મો વગેરેમાં ક્રિયાશારીરનું જ્ઞાન અપાયેલું છે.
શરીરલક્ષણ : વિનાશના અર્થમાં વપરાતા ‘શૃ’ ધાતુમાંથી ‘શરીર’ શબ્દ બન્યો છે. રોગાદિથી તથા કાલસ્વભાવવશાત્ જેનો સતત નાશ થયે જાય છે, તે ‘શરીર’ છે – ‘शोर्यते रोगादिना यत् तत् शरीरम् ।’ ગર્ભોપનિષદ પ્રમાણે ‘‘જે જ્ઞાનાગ્નિ, દર્શનાગ્નિ તથા કોષ્ઠાગ્નિનું આશ્રયસ્થાન છે, તે શરીર છે.’’ ‘કાય’ (કાયા) અને ‘દેહ’ એ શરીરના પ્રસિદ્ધ પર્યાયો છે.
પંચમહાભૂતવાદી આયુર્વેદમાં શરીરનું ટૂંકું લક્ષણ આપતાં ચરકે કહ્યું છે : ‘‘ચેતનારૂપ આત્માના અધિષ્ઠાન સમા પંચમહાભૂતના વિકારોના ઉચિત પ્રમાણના સમુદાયને શરીર કહે છે, જેમાં એકબીજાં તંત્રોની શરીરોપકારક ક્રિયાઓ સહકારથી ચાલ્યે જાય છે. – [तत्र शरीरं नाम चेतनाधिष्ठानभूतं पज्चमहाभूतविकारमुदायात्मकं समयोगवाहि । (ચ. શા. અ. 6/4)]’’ શરીર એ મનુષ્યની સઘળી ક્રિયાઓનું માધ્યમ તથા ચિકિત્સાનું અધિષ્ઠાન છે. સુશ્રુતે પાંચ મહાભૂત તથા છઠ્ઠી ચેતનાધાતુ આત્મા – એમ છ ધાતુઓના સમુદાય – ષડ્ધાત્વાત્મક સમુદાયને શરીર નામ આપ્યું છે. શારીરજ્ઞ સુશ્રુત આચાર્ય વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે ‘‘ગર્ભાશયમાં યથોચિત કાલે થયેલા શુક્ર-શોણિતના સંયોગમાં આત્મા, આઠ પ્રકૃતિ અને સોળ વિકારો(એમ 25 તત્વો)ના સંમૂર્ચ્છનથી ‘ગર્ભ’ ઉત્પન્ન થાય છે. આ ગર્ભ ઉપર પાંચ મહાભૂતોની પ્રક્રિયા થવાથી જ્યારે તે હાથ, પગ, શિર જેવાં અંગોપાંગોથી યુક્ત બને છે, ત્યારે તેને ‘શરીર’ નામથી ઓળખવામાં આવે છે.’’ (સુ. શા. અ. 5/૩). અવ્યક્ત, બુદ્ધિ, અહંકાર, શબ્દ-તન્માત્ર, સ્પર્શ-તન્માત્ર, રૂપ-તન્માત્ર, રસ-તન્માત્ર અને ગંધ-તન્માત્ર આ આઠ તત્વો પોતાનામાંથી બીજાને ઉત્પન્ન કરતા હોવાથી ‘પ્રકૃતિ’ કહેવાય છે; જ્યારે પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, ઉભયેન્દ્રિયાત્મક મન તથા પાંચ મહાભૂતો આ સોળ તત્વો ઉપયુક્ત પ્રકૃતિમાંથી ઉત્પન્ન થતાં હોવાથી ‘વિકાર’ કહેવાય છે. આત્મા એ પ્રકૃતિ પણ નથી અને વિકૃતિ પણ નથી. – ‘न प्रकृति, न विकृति पुरुषः ।’ – (સાંખ્યકારિકા.)
શરીરની ઉત્પત્તિ : શરીરની ઉત્પત્તિ શુક્ર (પુંબીજ) તથા શોણિત(સ્ત્રીબીજ)માંથી થાય છે. દાર્શનિક મત મુજબ, ગર્ભાશયમાં યથાકાલે શુક્ર (વીર્ય) અને શોણિત(રજ)નો સંયોગ થયા બાદ; તેમાં આત્મા, આઠ ભૂતપ્રકૃતિ અને સોળ વિકારનો પ્રવેશ થતાં (પચ્ચીસ તત્વોના સંમૂર્ચ્છનથી) ‘ગર્ભ’ બંધાય છે. આ ગર્ભ ઉપર પાંચેય મહાભૂતો શરીરનિર્માપક કાર્યો કરે છે અને પરિણામે શરીરની ઉત્પત્તિ થાય છે; જેમ કે, વાયુ મહાભૂત શરીરમાં દોષ, ધાતુ, મલ, અંગ, પ્રત્યંગ બનાવવારૂપી વિભાજન કરે છે. તે જ મહાભૂત એક રૂપમાંથી બીજા રૂપની ઉત્પત્તિની અવસ્થાઓ પ્રાપ્ત કરાવી પાચનકાર્યો કરે છે. વાયુના વિભાગકારી તથા તેજનાં પરિણામકારી કર્મોથી થતા શોષણ સામે જલ મહાભૂત આર્દ્રતા-સ્નેહ (સ્નિગ્ધાંશ) પૂરો પાડી શરીરને ‘ક્લેદ’ આપે છે. પૃથ્વી મહાભૂત ક્લિન્ન શરીરને મૂર્તિમંત બનાવી સંહનન પૂરું પાડે છે; જ્યારે આકાશ મહાભૂત વાયુ અને તેજ મહાભૂતથી વિદારિત થયેલા સ્રોતોમાં આધ્માપન કરી શરીરની ઊર્ધ્વ, અધ: અને તિર્યગ્ એમ વિવિધ દિશામાં ગતિ કરાવી તેની વૃદ્ધિ કરે છે. આ પ્રમાણે પાંચેય મહાભૂતની સામૂહિક ક્રિયાથી વધેલા ગર્ભમાં જ્યારે હાથ, પગ, જિહ્વા, ઘ્રાણ, કર્ણ, નિતંબ વગેરે અંગોપાંગોનો આવિર્ભાવ થાય છે ત્યારે તેને ‘શરીર’ કહે છે. આમ શરીરની ઉત્પત્તિનું મૂળ કારણ શુક્ર-શોણિતનો સંયોગ તથા પંચમહાભૂતોનાં સ્વાભાવિક કર્મો છે. (સુ. શા. અ. 5/૩).
જેમ ઋતુ (અનુકૂળ કાળ), ક્ષેત્ર (સારું ખેતર), અંબુ (પાણી) અને બીજ(સારું બિયારણ)ના મળવાથી ચોક્કસપણે અંકુરોત્પત્તિ થાય છે; તેમ ઋતુ (ગર્ભધારણાયોગ્ય કાળ), ક્ષેત્ર (સ્ત્રીનું સ્વસ્થ ગર્ભાશય), અંબુ-જળ (ગર્ભપોષક ભાવો) અને બીજ(સ્વસ્થ પુંબીજ અને સ્ત્રીબીજ)ના મળવાથી નિશ્ચિત રૂપે ગર્ભોત્પત્તિ થાય છે. ગર્ભોત્પત્તિ થયા પછી પાંચ મહાભૂતો શરીરવર્ધક કાર્યોથી શરીરોત્પત્તિ કરે છે. ગર્ભ એ શરીરનું આદ્ય સ્વરૂપ જ છે. (સુશ્રુત:. શા. અ. 2/૩4).
પુનર્જન્મના સિદ્ધાંત મુજબ સદોષ મન અને બળવાન પ્રાક્તન-કર્મના બંધનને લીધે આતિવાહિક સૂક્ષ્મ શરીરવાળો આત્મા નવા આવિર્ભાવ પામતા ગર્ભમાં અધિષ્ઠિત થઈ, પોતાના સહકાર્યકારી તત્વો સાથે નવા સ્થૂલ શરીરની ઉત્પત્તિ કરે છે. તેથી શરીરોત્પત્તિમાં શુક્ર-શોણિતના સંયોગની સાથે આત્મા અને તેનાં પ્રકૃતિ-વિકૃતિ-તત્વો પણ કારણભૂત છે.
જેનું વીર્ય કોઈ પણ દોષથી દુષ્ટ ન હોય તેવા પુરુષનો તથા જેની યોનિ, આર્તવ તથા ગર્ભાશય કોઈ પણ દોષથી દુષ્ટ ન હોય તેવી સ્ત્રીનો ઋતુકાળે જ્યારે મૈથુનરૂપ સમાગમ થાય છે, ત્યારે સ્ત્રીના ગર્ભાશયમાં સંયુક્ત રૂપે મળેલા શુક્ર-શોણિતમાં મનની ગતિથી પ્રેરાઈને આવેલો જીવ પ્રવેશે છે ત્યારે ગર્ભોત્પત્તિ થાય છે. તે ગર્ભ માતાના સાત્મ્યરસના ઉપયોગથી તથા માતાએ સેવેલા ઉત્તમ (વિહારરૂપ) ઉપચારોથી વધીને નીરોગી રૂપે પરિપૂર્ણ વૃદ્ધિ પામે છે તથા પ્રસવકાળે બળ, વર્ણ, સત્વ (મન) અને શરીરના સમગ્ર સઢ અવયવોરૂપ સંપત્તિથી યુક્ત થઈને (બાળક રૂપે) જન્મે છે. (ચરક:. શા. અ. ૩/૩)
આધુનિક વિજ્ઞાનની સમજ પ્રમાણે ગર્ભાશયમાં સ્ત્રીબીજ (ovum) સાથે પુંબીજ(sperm)નો યથાકાલે સ્વસ્થપ્રક્રિયાજન્ય સંયોગ થતાં સ્ત્રીબીજનું ફલિનીકરણ (fertilization) થાય છે. ફલિત સ્ત્રીબીજની દ્વિગુણોત્તર યથાક્રમ વૃદ્ધિ સાથે શરીરનિર્માપક બધા ઉપયુક્ત ભાવો આવી મળતાં નવમા માસે સંપૂર્ણ અંગાવયવયુક્ત શરીર બને છે. આયુર્વેદમાં આ જ વાત સૂક્ષ્મતાથી, દાર્શનિક મત મુજબ કહી છે.
શરીરનાં નિર્માણકારી ઉપાદાનો – ભાવો : માતા, પિતા, આત્મા, સાત્મ્ય, રસ અને સત્વ (મન) આ છ શરીરના નિર્માણકારી ઉપાદાન ભાવો છે. આ બધા ભાવો ભેગા મળેલા હોય ત્યારે તેઓનાં સંયુક્ત કાર્યોથી ગર્ભોત્પત્તિ કે શરીરોત્પત્તિ થાય છે. આ છ ઉપાદાન ભાવોનાં કાર્યો નીચે મુજબ છે : (1) માતા : જરાયુજ પ્રાણીઓની ઉત્પત્તિ માતા વિના થતી જ નથી. માતા તરફથી (ગર્ભ) શરીરમાં ત્વચા, રક્ત, માંસ, મેદ, નાભિ, હૃદય, ક્લોમ, યકૃત, પ્લીહા, વૃક્ક (કિડની); મૂત્રાશય, આમાશય (હોજરી); પક્વાશય, મળાશય, ઉત્તરગુદ, અધરગુદ, નાનું આંતરડું, મોટું આંતરડું અને વપા (ચરબી) આટલાં કોમળ અંગો ઉત્પન્ન થાય છે. (2) પિતા : પિતા વગર ગર્ભની ઉત્પત્તિ થઈ શકતી નથી. શરીરમાં કેશ, દાઢી, મૂછ, નખો, રૂંવાડાં, દાંત, હાડકાં, શિરાઓ, સ્નાયુઓ, ધમનીઓ અને શુક્ર (વીર્ય) એ પિતૃજ (પિતાથી ઉત્પન્ન થતા) ભાવો છે. (૩) આત્મા : ગર્ભમાં ‘જીવ’ આત્મા-અન્તરાત્માના પ્રવેશથી જ સંભવી શકે છે. વિશિષ્ટ લક્ષણોવાળો અન્તરાત્મા – જીવ ગર્ભાશયમાં પ્રવેશ કરી શુક્ર-શોણિતની સાથે સંયોગ પામી સંમૂર્ચ્છનપૂર્વક પોતાના વડે પોતાને જ ગર્ભ તરીકે ઉત્પન્ન કરે છે. આયુષ્ય, આત્મજ્ઞાન, મન, ઇન્દ્રિયો, પ્રાણ, અપાન, પ્રેરણા, ધારણા, આકૃતિ, સ્વર, વર્ણભેદ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, ચેતના, ધૃતિધૈર્ય, બુદ્ધિ, સ્મૃતિ, અહંકાર અને પ્રયત્ન આ બધા શરીરાન્તર્ગત આત્મજ ભાવો છે. (4) સાત્મ્ય : ગર્ભ સાત્મ્યથી પણ ઉત્પન્ન થાય છે. સાત્મ્યસેવી સ્ત્રી-પુરુષનાં શુક્ર, આર્તવ અને ગર્ભાશય દુષ્ટ હોતાં નથી. સાત્મ્ય સેવનપૂર્વક જ સ્વસ્થ ગર્ભોત્પત્તિ થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન સાત્મ્યસેવન કરવામાં ન આવે તો ગર્ભ ઉપર પ્રતિકૂળ અસરો થાય છે. આરોગ્ય, અનાલસ્ય, અલોલુપતા, ઇન્દ્રિયોની પ્રસન્નતા, સ્વરની ઉત્તમતા, વર્ણની શ્રેષ્ઠતા, શુક્રાર્તવની શ્રેષ્ઠતા અને અતિહર્ષ એ સાત્મ્યજ ભાવો છે. (5) રસ : ગર્ભ રસજ પણ છે. આહારજન્ય રસ વિના માતાના પ્રાણો પણ ટકી શકતા નથી, તો ગર્ભનો જન્મ તો ક્યાંથી થાય ? શરીરની ઉત્પત્તિ, અભિવૃદ્ધિ, પ્રાણોની અને બળની ઉત્પત્તિ, પુષ્ટિ અને ઉત્સાહ એ આહારજન્ય રસોથી ઉત્પન્ન થતા ભાવો છે. (6) સત્વ (મન) : આત્માની દેહાન્તરગતિ મનથી જ થાય છે, તેથી ગર્ભ સત્વજ પણ છે. મન જીવ સાથે કાયમ રહી શરીર સાથે સંબંધ ધરાવે છે. મનથી રહિત માણસ મૃત્યુ પામે છે. ભક્તિ (ઇચ્છા), શીલ, શૌચ, દ્વેષ, સ્મૃતિ, મોહ, ત્યાગ, માત્સર્ય, શૌર્ય, ભય, ક્રોધ, તન્દ્રા, ઉત્સાહ, તીક્ષ્ણતા, મૃદુતા, ગાંભીર્ય અને ચંચળતા – આ સત્વજ ભાવો છે. જેમ કોઈ ઘર કે રથ અનેક પ્રકારના અવયવોથી ઉત્પન્ન થાય છે, તેમ ગર્ભ કે શરીર પણ માતા, પિતા, આત્મા, સાત્મ્ય, રસ અને સત્વ (મન) – આ છ ગર્ભકર ભાવોના સહયોગ-સમુચ્ચયથી ઉત્પન્ન થાય છે. (ચ. શા. અ. ૩)
ગર્ભશારીર (ગર્ભવિકાસક્રમ) : ગર્ભશારીર એટલે ગર્ભનું શરીરવિષયક જ્ઞાન. ગર્ભને પોષણ મળતાં તેની માસાનુમાસિક વૃદ્ધિ થઈ નવમા માસે સંપૂર્ણ અંગાવયવવાળું શરીર તૈયાર થાય છે. આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી અને ચેતના – આ છ ગર્ભની મૂળ ધાતુઓ છે. પ્રથમ મનરૂપ સાધન દ્વારા ચેતનાધાતુ (આત્મા) ગુણોને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરે છે. આત્મા ક્રમાનુસાર આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી – એ પાંચ ધાતુઓનું સૂક્ષ્મ સ્વરૂપે સૂક્ષ્મ કાલે ગ્રહણ કરે છે. ભૂતગ્રહણ પછી ગર્ભ પ્રથમ માસના અંતે કલલ(લોચા)-અવસ્થા(Monula)નું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. પુંબીજ અને સ્ત્રીબીજના સંયોજન પછી એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ એમ દ્વિગુણવિભાજન શરૂ થાય છે. કલલાવસ્થામાં ગર્ભ બુદબુદ(Blastula)ના સ્વરૂપમાં તરલથી પૂર્ણ હોય છે. દ્વિતીય માસમાં વાત, પિત્ત અને કફ – આ ત્રિદોષથી મહાભૂતો પરિપક્વ થતાં ગર્ભ સઘન બને છે. આ ઘનાકાર પિંડ-સ્વરૂપમાં હોય તો પુરુષ, પેશી(રૂપ) હોય તો સ્ત્રી અને અર્બુદ હોય તો નપુંસક બાળક જન્મે છે. તૃતીય માસમાં બે હાથ, બે પગ અને શિર – આ પાંચ અંગોના નિર્માણ માટે પાંચ પિંડકાઓ બને છે તથા અંગ-પ્રત્યંગ વિભાગ સૂક્ષ્મ બને છે – સૂક્ષ્મપણે તૈયાર થાય છે (સુશ્રુત). ચરકાચાર્યના મતે ત્રીજા માસમાં બધી ઇન્દ્રિયો, બધા અંગાવયવો એકીસાથે તૈયાર થાય છે. ચતુર્થ માસમાં ગર્ભના બધા જ અંગપ્રત્યંગ વિભાગ પ્રવ્યક્તતર થઈ સ્થિરતા પામે છે. ગર્ભનું હૃદય પ્રવ્યક્ત થવાથી ચેતનાધાતુ અભિવ્યક્ત થાય છે. ગર્ભિણીમાં ગુરુગાત્રતા (અંગોનું ભારેપણું) તથા દૌહૃદભાવો ઉત્પન્ન થાય છે. પાંચમા માસે મન પ્રતિબુદ્ધતર થાય છે તથા અન્ય માસોની અપેક્ષાએ ગર્ભના માંસ અને લોહીમાં વધારો થાય છે. છઠ્ઠા માસમાં બલ, વર્ણનો ઉપચય (પુષ્ટિ) થઈ બુદ્ધિ પ્રવ્યક્ત થાય છે. સાતમા માસે ગર્ભ બધા જ ભાવોથી પુષ્ટ બને છે તથા સર્વાંગપ્રત્યંગ વિભાગ પ્રવ્યક્તતર થાય છે. આઠમા માસમાં ગર્ભમાં ઓજ આવે છે. આ ઓજની માતા અને બાળક વચ્ચે આપ-લે (આવન-જાવન) થતી રહેતી હોય છે. તેથી આઠમા માસે બાળકનો જન્મ થાય તો ઓજરહિત સ્થિતિને લીધે તેનું મૃત્યુ પણ થઈ શકે છે. નવમા માસે ગર્ભશરીર સંપૂર્ણ બની સ્વસ્થ બાળકનો જન્મ થાય છે. નવથી બાર માસ સુધીની સગર્ભાવસ્થા પ્રાકૃત ગણાય છે.
પંચમહાભૂત : આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી – આ પાંચ મહાભૂતો છે. સૃષ્ટિ-ઉત્પત્તિ-ક્રમ મુજબ રાજસિક અને તામસિક અહંકારમાંથી પંચતન્માત્રાઓની ઉત્પત્તિ થાય છે. પંચતન્માત્રાઓ અવ્યક્ત, સૂક્ષ્મ તથા અણુપરિમાણવાળી હોય છે. પંચતન્માત્રાઓમાંથી મહત્-પરિમાણવાળા ઉપર્યુક્ત પાંચ મહાભૂતોની ઉત્પત્તિ થાય છે. સચરાચર સમસ્ત સૃષ્ટિ પંચભૂતાત્મક છે. પંચમહાભૂતો એ ભૌતિક સૃષ્ટિનાં મૂળભૂત તત્વો છે. મનુષ્યની ભૌતિક શરીરની ઉત્પત્તિ પણ પંચમહાભૂતમાંથી જ થાય છે, કારણ કે શુક્ર અને શોણિત પણ પંચભૌતિક જ હોય છે. આયુર્વેદમાં ચિકિત્સાની દૃષ્ટિએ પંચમહાભૂતોને સૌથી વધુ મહત્વ આપ્યું છે – भूर्तभ्यो हि परं यस्मात् नास्ति चिन्ता चिकित्सिते । – સુશ્રુત.
પંચમહાભૂતોનો શરીરનિર્માણમાં ઉપયોગ : શરીર એ પંચમહાભૂતના વિકારસમુદાયરૂપ છે. શરીરની ઉત્પત્તિમાં આત્મા ઉપરાંત પાંચ મહાભૂતોનો પ્રાથમિક અને અનિવાર્ય ઉપયોગ છે. ગર્ભ પંચમહાભૂત અને આત્માના આશ્રય રૂપે રહ્યો હોય છે. ગર્ભનું મૂળ કારણ શુક્ર-શોણિત પણ પંચભૂતાત્મક જ હોય છે. આત્મા સત્વગુણ દ્વારા ગુણગ્રહણપ્રવૃત્તિ કરે છે. આત્મા સત્વગુણરૂપ ઉપાદાનકારણનો સ્વીકાર કરી સૌપ્રથમ આકાશ મહાભૂતને સરજે છે. તે પછી અતિશય પ્રગટ ગુણવાળા વાયુ આદિ ચાર મહાભૂતોને ઉત્પન્ન કરે છે. ગર્ભમાં માતૃજ, પિતૃજ આદિ ભાવો મહાભૂતોના વિકાર રૂપે જ ઉત્પન્ન થાય છે; જેમ કે ગર્ભમાં શબ્દ વિષય, શ્રોત્રેન્દ્રિય (કાન); લઘુતા, સૂક્ષ્મતા, વિવેકપણું, શિરા-સ્નાયુ-અસ્થિ વગેરેનું જાતિથી તથા વ્યક્તિથી અલગપણું વગેરે આકાશમાંથી ઉત્પન્ન થાય છે. ગર્ભમાં સ્પર્શ, સ્પર્શનેન્દ્રિય (ત્વચા); રૂક્ષતા, પ્રેરણા, ધાતુઓની રચના તથા વિવિધ ચેષ્ટાઓ વાયુથી ઉત્પન્ન થાય છે. રૂપ, ચક્ષુરિન્દ્રિય (આંખ); દર્શન, પ્રકાશ, આહારપચન, ઉષ્ણતા વગેરે તેજ મહાભૂતથી આવે છે. રસ, રસનેન્દ્રિય, શીતળતા, કોમળતા, સ્નેહ અને ક્લેદ જળને લીધે થાય છે તથા ગર્ભમાં પૃથ્વીથી ગંધ, ઘ્રાણેન્દ્રિય (નાક); ગૌરવ, સ્થિરતા અને કઠિનતા આવે છે. ટૂંકમાં, વર્ધમાન શરીર-ગર્ભમાં વાયુ દ્વારા વિભાજન, તેજ દ્વારા પચન, જલથી ક્લેદન, પૃથ્વીથી સંહનન તથા આકાશથી વિવર્ધનરૂપ કાર્યો થાય છે.
માનસભાવ : શરીરોત્પત્તિમાં મનની સહકારિતા છે. ઇચ્છા, શીલ, શૌચ, દ્વૈષ, સ્મૃતિ, મોહ, ત્યાગ, માત્સર્ય, શૌર્ય, ભય, ક્રોધ, તન્દ્રા, ઉત્સાહ, તીક્ષ્ણતા, માર્દવ, ગામ્ભીર્ય અને ચંચળતા – આ બધા શારીરિક ભાવો કે માનસભાવો મનથી ઉત્પન્ન થાય છે. (સત્વ, રજસ અને તમસ ૩ મનના ગુણો છે.)
પ્રકૃતિ : પ્રકૃતિ એટલે અપરિવર્તનશીલ સ્વભાવ. શુક્ર-શોણિતના સંયોગ વખતે દોષોની ઉલ્બણતા (પ્રબળતા) અનુસાર મનુષ્યની પ્રકૃતિ બને છે (સુ. શા. અ. 4/6૩). સગર્ભાવસ્થા દરમિયાન શુક્ર-શોણિત, કાલગર્ભાશય (ગર્ભાશયસ્થિતિ તથા કાલવિશેષ), માતાનો આહાર-વિહાર તથા મહાભૂતવિકાર – આ ચાર પરિબળો ગર્ભસ્થ શિશુની પ્રકૃતિના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. તેમાં પણ શુક્ર-શોણિત મુખ્ય છે (અ.હૃ.સૂ. અ. 1/10). પ્રકૃતિના આરંભ-નિર્માણ માટે જાતિ, કુલ, દેશ, કાલ, વય અને વ્યક્તિવિશેષ પણ મહત્વનો ભાગ ભજવે છે.
દેહપ્રકૃતિ : ગર્ભોત્પત્તિ સમયે દોષોની હીન ઉત્કટતા બાળકમાં દોષપ્રકૃતિ કે દેહપ્રકૃતિ(તાસીર)નું નિર્માણ કરે છે. (દોષોની પ્રબળ ઉત્કટતા ગર્ભનો નાશ કરે છે.) દેહપ્રકૃતિના વાત, પિત્ત, કફ, વાતપિત્ત, પિત્તકફ, કફવાત અને વાતપિત્તકફ (ત્રિદોષ) – એવા સાત પ્રકારો છે. વાતાદિ પ્રકૃતિઓ હકીકતમાં પ્રકૃતિઓ નથી, પણ વિકૃતિઓ છે – वातलाद्याः सदातुराः । – ચ.વિ. અ. 6/24. (વાતાદિ પ્રકૃતિનાં લક્ષણો માટે આયુર્વેદીય ગ્રંથો જોવા.)
માનસપ્રકૃતિ : સત્વ, રજ અને તમસ એ મનના ગુણો-દોષો છે. ગર્ભાધાન સમયે આમાંના જે ગુણનું આધિક્ય હોય તે મુજબ વ્યક્તિની માનસપ્રકૃતિ બને છે. સત્વગુણ ઉત્તમ, રજોગુણ મધ્યમ તથા તમોગુણ હીન હોવાથી તે તે દોષોથી બનતી પ્રકૃતિઓ પણ ક્રમાનુસાર ઉત્તમ, મધ્યમ અને હીન પ્રકારની બને છે. મુખ્ય માનસપ્રકૃતિઓ ત્રણ જ છે સાત્ત્વિક, રાજસિક અને તામસિક. તેમાં સાત્ત્વિક પ્રકૃતિના સાત, રાજસિકના છ તથા તામસિકના ત્રણ અવાન્તર-ભેદો થઈ માનસપ્રકૃતિ સોળ પ્રકારની થાય છે.
ભૂતપ્રકૃતિ : સુશ્રુતાચાર્યે પંચમહાભૂત અનુસાર પાંચ ભૌતિક પ્રકૃતિઓ પણ બતાવી છે. આ ભૂતપ્રકૃતિઓનો સમાવેશ દેહપ્રકૃતિમાં થઈ જાય છે. એક એક મહાભૂતના આધિક્યથી નાભસ, વાયવ્ય, આગ્નેય, જલીય અને પાર્થિવ – એમ પાંચ ભૂતપ્રકૃતિઓ બને છે. વાયવ્ય, આગ્નેય અને જલીય પ્રકૃતિનાં લક્ષણો અનુક્રમે વાત, પિત્ત અને કફ-પ્રકૃતિ સમાન હોય છે. પાર્થિવ પ્રકૃતિવાળા મનુષ્ય મજબૂત, મોટા શરીરવાળા અને ક્ષમાવાન તથા નાભસ પ્રકૃતિવાળા પવિત્ર આચરણવાળા, દીર્ઘાયુ અને (નાસા, કર્ણ આદિ) મોટાં છિદ્રોવાળા હોય છે (સુ.શા. અ. 4/79).
વૈદ્ય કૃષ્ણમોહન શર્મા