શારદાદેવી શ્રી (જ. 22 ડિસેમ્બર 1853; અ. 20 જુલાઈ 1920) : મા શારદાદેવી એટલે મહાન સંત. શ્રી રામકૃષ્ણ પરમહંસનાં પરમ પત્ની જેમના જીવન અને દર્શનમાં સાક્ષાત્ શક્તિનાં દર્શન થાય છે.
શારદાદેવીનો જન્મ પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાના જયરામબાતી ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતા રામચંદ્ર મુખોપાધ્યાય અને માતા શ્યામ સુંદરીદેવીની આર્થિક પરિસ્થિતિ ગરીબ હતી. પિતા રામચંદ્ર પોતે ખેડૂત હતા તથા પુરોહિત તરીકે કાર્ય કરીને ગુજરાન ચલાવતા હતા. પરંપરાગત કથાઓ અનુસાર મા શારદાના જન્મ પૂર્વે તેમનાં માતાપિતાએ પોતાને ત્યાં એક દેવી અસ્તિત્વના જન્મની આગાહી કરતી અલૌકિક ઘટનાનાં દર્શન કર્યાં હતાં.

શ્રી શારદાદેવી
તેમનું નામ શારદામણિ હતું. તેમને ઔપચારિક શિક્ષણ મળ્યું ન હતું. નાનપણથી જ તેમને હિંદુ દેવીઓની પૂજામાં અને ધ્યાન કરવામાં રસ હતો. ઘણી વાર ધ્યાન દરમિયાન થયેલા રહસ્યમય અનુભવોનું વર્ણન પણ તેઓ કરતાં. 1859માં નાની વયે તેમની સગાઈ રામકૃષ્ણ સાથે થઈ. 19મી સદીમાં ગ્રામીણ બંગાળમાં બાળલગ્ન અસ્વાભાવિક ન હતા. 14 વર્ષની ઉંમરે શારદામણિ શ્રી રામકૃષ્ણને પ્રથમ વાર મળ્યાં હતાં. આધ્યાત્મિક ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસે તેમને ધ્યાન અને આધ્યાત્મિક જીવન વિશે સૂચનાઓ આપી હતી. નાની વયે થયેલાં લગ્ન બાદ 18 વર્ષ માતાપિતાને ત્યાં ગાળ્યા બાદ 1972માં શારદામણિ પોતાની ઇચ્છાથી દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણ સાથે જોડાયાં. તેમનો બંનેનો સંબંધ દૈહિક કે સાંસારિક નહીં પણ સંપૂર્ણપણે આધ્યાત્મિક જીવનસાથીનો હતો. શ્રી રામકૃષ્ણ પરમહંસે શારદામણિમાં દેવી કાળકાના મા જગદંબા સ્વરૂપનાં દર્શન કર્યાં અને તેમણે શારદામણિની ષોડશી પૂજા કરી હતી. શારદાદેવીનું જીવન માત્ર પત્ની કે શિષ્યા પૂરતું સીમિત ન હતું, પણ સ્વતંત્ર દિવ્ય શક્તિ સ્વરૂપે અને એક આધ્યાત્મિક માર્ગદર્શિકા રૂપે સ્થાપિત થયું હતું. 1886માં રામકૃષ્ણ પરમહંસની મહાસમાધિ બાદ મા શારદાદેવી સંઘનો આધારસ્તંભ બન્યાં. રામકૃષ્ણ પરમહંસના તમામ શિષ્યોને તેમણે માતૃભાવે સ્વીકાર્યા હતા. સ્વામી વિવેકાનંદ સહિત અનેક શિષ્યોના આધ્યાત્મિક માર્ગદર્શક અને પ્રેરણા સ્વરૂપ તેઓ હતાં. તેમણે પ્રેમ, કરુણા ક્ષમા સાથે સર્વધર્મ પ્રત્યે સમભાવનો સંદેશ આપેલ. (દિવ્ય માતૃત્વથી ધબકતાં) તેઓ કહેતાં, ‘જો તમે પાપી હો તોપણ મારી પાસે આવો, હું તમારી માતા છું.’ સાદગી, પ્રેમ, અનંત કરુણા, નિઃસ્વાર્થ સેવાભાવ તેમના જીવન મંત્રો હતાં. તેમને મન આખું જગત પોતાનું હતું, જ્યાં કોઈ અજાણ્યું જ ન હતું. મા શારદાદેવીએ તે સમયની સ્ત્રીઓને પણ આધ્યાત્મિક સાધનાના શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી હતી. સંત શ્રી રામકૃષ્ણ પરમહંસના આધ્યાત્મિક વિચારોને મા શારદાદેવીએ જીવનમાં ઉતાર્યા હતા અને દિવ્ય ચેતનાસભર પરમ શક્તિવાળું ઉચ્ચજીવન તેઓ જીવ્યાં હતાં.
1987માં સ્વામી વિવેકાનંદે જનજાગૃતિનાં કાર્યો સાથે સાથે શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. મા શારદાદેવી આશીર્વાદ આપીને સંસ્થાનાં સહસ્થાપક રહ્યાં હતાં. 20મી જુલાઈ, 1920ના રોજ કૉલકાતામાં શારદાદેવીએ દેહત્યાગ કર્યો હતો. તેમના ઉપદેશો અને જીવનમૂલ્યો આજે પણ લાખો ભક્તો માટે પ્રેરણાસ્રોત છે. જયરામ બાટી અને બેલૂરમઠ તેમના સ્મૃતિસ્થાન તરીકે પવિત્ર સ્થળો ગણાય છે. મા શારદાદેવીનું જીવન ભારતીય આધ્યાત્મિક પરંપરામાં માતૃત્વ, કરુણા, ત્યાગ, નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક છે. તેઓ એક આધ્યાત્મિક પ્રકાશસ્તંભ તરીકે સદૈવ સ્મરણીય રહેશે.
હિના શુક્લ
