શારદાતનય અને ભાવપ્રકાશન (11મી સદી પછી) : ભારતીય નાટ્યશાસ્ત્રી. દંતકથા મુજબ કાશીમાં રહેલ શારદાની ઉપાસનાથી તેમનો જન્મ થયો હોવાથી ‘શારદાતનય’ એવું નામ પિતાએ આપેલું. તેમના પિતાનું નામ ભટ્ટગોપાલ હતું. પિતામહનું નામ કૃષ્ણ અને પ્રપિતામહનું નામ લક્ષ્મણ હતું. તેમનું ગોત્ર કાશ્યપ હતું. તેમનું મૂળ વતન ‘માઠરપૂજ્ય’ નામનું ગામ હતું. પાછળથી પિતા કાશીમાં સ્થાયી થયા. તેમના જણાવ્યા મુજબ આર્યાવર્તના મેરૂત્તર નામના જાનપદમાં વતન ‘માઠરપૂજ્ય’ આવેલું છે. તેમના પૂર્વજો વિષ્ણુ અને શિવ બંનેના ભક્ત હતા. તેમના પિતામહ કૃષ્ણે અનેક યજ્ઞો કરેલા અને વેદો પર ‘વેદભૂષણ’ નામની ટીકા લખેલી. તેમના પિતા ભટ્ટગોપાલ 18 વિદ્યાઓમાં પારંગત હતા અને સંભવત: મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પરની ‘સાહિત્યચૂડામણિ’ નામની ટીકાના લેખક હતા. તેમના ગુરુનું નામ દિવાકર હતું. ગુરુ દિવાકરે નાટ્યવિવેચન વિશે ગ્રંથ લખેલો, જેમાંથી પૂર્ણ સરસ્વતી નામના લેખકે પોતાની રચના ‘વિદ્યુલ્લતા’માં ઉદ્ધરણો આપ્યાં છે. દિવાકર પાસેથી તેમણે નાટ્યશાસ્ત્રનું જ્ઞાન મેળવેલું. આમ છતાં શારદાતનય પોતાના ‘ભાવપ્રકાશન’માં પોતે અભિનવગુપ્તને અનુસરે છે એમ જણાવે છે.
પોતાના ‘ભાવપ્રકાશન’માં 10મી સદીના અંતભાગમાં અને 11મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા રાજા ભોજે રચેલા ‘શૃંગારપ્રકાશ’માંથી કેટલોક સાર આપ્યો છે તેથી તેમનો સમય 11મી સદી પછી નક્કી કરી શકાય. વળી 1૩૩0ની આસપાસ થઈ ગયેલા રાજા શિંગભૂપાલે, પોતાના ‘રસાર્ણવસુધાકર’માં ‘ભાવપ્રકાશન’માંથી ઉદ્ધરણો આપ્યાં છે તેથી ઈ. સ. 1૩00 પહેલાં શારદાતનય થઈ ગયા એમ કહી શકાય. પરિણામે ઈ. સ. 1100થી 1૩00 સુધીમાં તેઓ થઈ ગયા એમ કહી શકાય. શારદાતનયના ‘ભાવપ્રકાશન’માંથી કુમારસ્વામી, રાઘવભટ્ટ, રંગનાથ અને ગોપેન્દ્ર તિપ્પભૂપાલે પોતાની ટીકાઓમાં પ્રમાણ તરીકે ઉદ્ધરણો આપ્યાં છે. શારદાતનય નાટ્યશાસ્ત્રના પ્રમાણભૂત લેખકો તરીકે અગસ્ત્ય, કોહલ, માતૃગુપ્ત, સુબંધુ અને આંજનેયને માને છે.
ભાવપ્રકાશન : તેમની રચનાઓમાં ‘ભાવપ્રકાશન’ એ એક જ નાટ્યશાસ્ત્રવિષયક ગ્રંથ જાણીતો છે. સંગીત વિશે પોતે ‘શારદીય’ નામનો ગ્રંથ રચ્યો હોવાનો ઉલ્લેખ ‘ભાવપ્રકાશન’માં શારદાતનયે કર્યો છે, પરંતુ તે ગ્રંથ પ્રાપ્ત થયો નથી. વડોદરાની ‘ગાયકવાડ ઓરિયેન્ટલ સીરીઝ’માં 19૩0માં યદુગિરિ યતિરાજ અને રામસ્વામી શાસ્ત્રીએ ‘ભાવપ્રકાશન’નું પ્રકાશન કર્યું છે. ત્યારબાદ ‘સમાલોચક’ નામના ગુજરાતી સામયિકમાં તેનો ગુજરાતી અનુવાદ થયો છે.
‘ભાવપ્રકાશન’ કુલ 10 અધિકારોનો બનેલો ગ્રંથ છે. પ્રથમ ભાવાધિકારમાં ભાવ અને તેના પ્રકારોની ચર્ચા કરવામાં આવી છે. બીજા અધિકારમાં વ્યભિચારી ભાવો અને રસનું સ્વરૂપ અને તેની નિષ્પત્તિ વિશેના મતો રજૂ કર્યા છે. ત્રીજા અધિકારમાં રસના પ્રકારો અને રસના ઉપવિભાગો નિરૂપાયા છે. ચોથા અધિકારમાં નાયક અને નાયિકાની ચેષ્ટાઓ વર્ણવવામાં આવી છે. પાંચમા અધિકારમાં નાયકનાયિકાની અવસ્થાઓ અને તદનુસાર ભેદો તથા નાટ્યસંધિઓ આલેખાયાં છે. છઠ્ઠા અધિકારમાં શબ્દાર્થની વૃત્તિઓ અર્થાત્ શક્તિઓ ચર્ચવામાં આવી છે. સાતમા અધિકારમાં નાટ્ય અને રૂપકની વ્યાખ્યા અને કથાનકની વિગતો આપવામાં આવી છે. આઠમા અધિકારમાં દસ રૂપકોનાં લક્ષણો જણાવ્યાં છે. નવમા અધિકારમાં નૃત્યવાળાં ઉપરૂપકો, નૃત્યના ભેદો અને અન્ય કાવ્યભેદોનાં લક્ષણો વીગતે આપ્યાં છે. દસમા અધિકારમાં નાટ્યપ્રયોગના ભેદો, તેમાં જરૂરી પાત્રો અને પ્રકીર્ણ મુદ્દાઓ નિરૂપવામાં આવ્યા છે. ‘ભાવપ્રકાશન’માં રસનિષ્પત્તિના અન્ય મતો, નાટક વિશે સુબંધુનો મત, ઉદ્દીપન-વિભાવો અને ઉપરૂપકોની વિસ્તૃત ચર્ચા તથા અનુભાવોનું ચતુર્વિધ વર્ગીકરણ ધ્યાનાકર્ષક છે. આ ગ્રંથના અભ્યાસકને એમ લાગે છે કે શારદાતનય પ્રકાંડ પંડિત હતા અને સંગીત, નૃત્ય, રસ વગેરે નાટ્યશાસ્ત્રની શાખાઓનું તેમનું જ્ઞાન ગહન હતું. તત્વજ્ઞાનની બાબતમાં શારદાતનય અભિનવગુપ્તના પ્રત્યભિજ્ઞાવાદના અનુયાયી હતા.
પ્ર. ઉ. શાસ્ત્રી