શાફર, પિયેરે (જ 14 ઑગસ્ટ 1910, નેન્સી, ફ્રાંસ) : 1948માં ‘મ્યૂઝિક કૉન્ક્રીટ’ના ખ્યાલને જન્મ આપનાર તથા સર્વપ્રથમ મ્યૂઝિક કૉન્ક્રીટ રચનાર ફ્રેંચ સંગીતનિયોજક, ધ્વનિશાસ્ત્રવિદ (acoustician) અને ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર. ખાસ બનાવેલાં વાજિંત્રો વડે અવાજો ઉત્પન્ન કરવાના પ્રણાલીગત સાંગીતિક સિદ્ધાંતનું મ્યૂઝિક કૉન્ક્રીટમાં ઉલ્લંઘન કરવામાં આવે છે અને વાસ્તવિક જગતમાં સાંભળવા મળતા અવાજોને રેકર્ડ કરી તેમની રચનાત્મક ગોઠવણીથી સંગીત નિપજાવવામાં આવે છે. દાખલા તરીકે, શેરીનો કોલાહલ, ટ્રાફિકનો ઘોંઘાટ, ફૅક્ટરીની સાયરન, ઝાડનાં પાંદડાં ખરીને જમીન પર પડવાનો અવાજ, છીંક ખાવાનો અવાજ, કૂતરાના ભસવાનો અવાજ વગેરે. આ પ્રકારનો પ્રથમ પ્રયોગ શાફરે 1948માં રેડિયો ડિફ્યુઝોં એ તેલિવિઝોં ફ્રાન્સ્વા (Radio Diffusion et Television Francaise) ખાતે પૅરિસમાં કર્યો. ત્યારબાદ પિયેરે હેન્રી સાથે તેમણે 1950માં ‘સિમ્ફની ફૉર વન મૅન ઓન્લી’ સર્જી. આ કૃતિ ‘કૉન્ક્રીટ મ્યૂઝિક’ ક્ષેત્રમાં પહેલી મહત્વની કૃતિ ગણાઈ. 1952માં શાફરે કૉન્ક્રીટ મ્યૂઝિકની પદ્ધતિઓનું વર્ણન કરતું પુસ્તક ‘ટુવર્ડ એ કૉન્ક્રીટ મ્યુઝિક’ લખ્યું. શાફરનું સંગીત તેમજ તેમનું આ પુસ્તક ‘ચાન્સ મ્યૂઝિક’ના સર્જકો માટે પ્રભાવક અને અગ્રયાયી (forerunner) બની રહ્યાં.
અમિતાભ મડિયા