શાઙ્ર્ગદેવ : દક્ષિણ ભારતીય સંગીતના મૂર્ધન્ય શાસ્ત્રકાર. તેમના વડવા કાશ્મીરના નિવાસી હતા. તેમના દાદાએ કાશ્મીરથી સ્થળાંતર કર્યું અને દેવગિરિ (દૌલતાબાદ) રિયાસતમાં આશ્રય લીધો. પિતા આચાર્ય શોઢ્વલ અને ત્યારબાદ શાઙ્ર્ગદેવ પોતે પણ તે રિયાસતના આશ્રિત રહ્યા.
શાઙ્ર્ગદેવે ‘સંગીતરત્નાકર’ નામક ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ દ્વારા તેમણે સંગીતની સમગ્ર પદ્ધતિની જાણકારી આપી. તે માટે તેમણે અનેક ગ્રંથોનું તલસ્પર્શી અધ્યયન કર્યું હતું. ‘સંગીતરત્નાકર’ ગ્રંથનો રચનાકાળ ઈ. સ. 1235નો ગણવામાં આવે છે. આ ગ્રંથ પર સંસ્કૃત અને તેલુગુ ભાષામાં લખેલી ટીકા ઉપલબ્ધ છે. સંસ્કૃત ભાષાની ટીકા કેશવ, સિંહભૂપાલ અને કલ્લિનાથ – આ ત્રણ વિદ્વાનોએ લખી છે; જ્યારે તેલુગુ ભાષામાં લખેલી ટીકા વિઠ્ઠલ નામના તેલુગુ વિદ્વાને લખી છે. ‘સંગીતરત્નાકર’ ગ્રંથમાં સાત અધ્યાયો દ્વારા સંગીતશાસ્ત્રનું વિવરણ કરવામાં આવ્યું છે. આ સાત અધ્યાયોમાં સ્વરાધ્યાય, રાગાધ્યાય, પ્રકીર્ણકાધ્યાય, પ્રબન્ધાધ્યાય, તાલાધ્યાય, વાદ્યાધ્યાય અને નૃત્યાધ્યાયનો સમાવેશ થાય છે. સંગીતશાસ્ત્રમાં આ રચના મુકુટમણિનું સ્થાન ધરાવે છે.
શાઙ્ર્ગદેવ દ્વારા તુરુષ્કતોડી તથા તુરુષ્કગૌડ રાગોનું સર્જન થયું છે. તેના પર મુસ્લિમ સંગીતનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે.
ચંદ્રકાંત મહેતા