શાંત, રતનલાલ (. 14 મે 1938, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી અને હિંદી લેખક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.; ડી.ફિલ.ની ડિગ્રી મેળવી. તેમણે સતત 35 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું. તેઓ જમ્મુ અને કાશ્મીર એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ કલ્ચર અને કાશ્મીર યુનિવર્સિટીમાં ભાષા સલાહકાર સમિતિના સભ્ય રહ્યા; કાશ્મીરી ભાષા અને સંસ્કૃત પ્રતિષ્ઠાન-જમ્મુના પ્રમુખ રહ્યા.

તેમણે કાશ્મીરી તથા હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં કાશ્મીરીમાં :  ‘અછિરવાલોં પેઢ કોહ’ (1972) વાર્તાસંગ્રહ; ‘ત્રે બેનાની’ (1974), ચેખોવના ‘થ્રી સિસ્ટર્સ’નો અનુવાદ અને ‘અફસાના ક્યા ગૉવ’ (1984) વિવેચનગ્રંથ છે. હિંદીમાં : ‘ખોટી કિરણેં’ (1965), ‘કવિતા અભિ ભી’ (1996) બે કાવ્યસંગ્રહો છે. ‘પોશિમાલ’ (1977) રસૂલમીરનાં કાશ્મીરી કાવ્યોનો અને ‘નંદ ઋષિ’ (1981) શેખ નૂરુદ્દિનનાં કાશ્મીરી કાવ્યોનો અનુવાદ છે. તેમણે કાશ્મીરી, હિંદી અને ઉર્દૂમાં સંખ્યાબંધ રેડિયો-નાટકો લખ્યાં તેમજ ‘રાજતરંગિણી’ પર 13 ઘટનાવાળી શ્રેણીનું નિર્માણ કર્યુંં છે.

તેમને 1966માં જમ્મુ અને કાશ્મીર એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ કલ્ચર ઍવૉર્ડ; 1983માં સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ; 1987માં રાષ્ટ્રભાષા સમિતિ ઍવૉર્ડ તથા 1996માં પ્રેસિડેન્ટ્સ ગોલ્ડ મેડલ અને ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન સૌહાર્દ સન્માન એનાયત કરવામાં આવ્યાં છે.

બળદેવભાઈ કનીજિયા