શાંતા ધનંજયન (જ. 12 ઑગસ્ટ 1943, મલેશિયા) : જાણીતાં નૃત્યાંગના. નૃત્યકલા સૌંદર્યને નિખારતું કલાકાર દંપતી.

‘શાંતા અક્કા’ દીદી નામે લોકપ્રિય થયેલાં. મલિયાળી નાયર પરિવારની આ સુપુત્રીને ત્રણ વર્ષની ઉંમરથી જ નૃત્યની લગની લાગી હતી. પિતા એ. રાઘવ મેનન અને માતા કલ્યાણીએ દીકરીમાં રહેલું હીર પિછાણ્યું અને તેને આઠમે વર્ષે મદ્રાસ(ચેન્નાઈ)ની ‘કલાક્ષેત્ર’ નૃત્ય સંસ્થામાં દાખલ કરવા તેઓ સૌ સ્વદેશ પાછાં ફર્યાં. તેઓ નૃત્યગુરુ રુક્મિણિ અરુંડેલની સંસ્થામાં નાની વયે 1955માં જોડાયાં. ગુરુકુળ જેવા વાતાવરણમાં તેઓ પાંગર્યાં. 1968 સુધીમાં તેઓ નૃત્યમાં પારંગત થઈને સિદ્ધિના શિખરે જઈ બિરાજ્યાં. તેમણે ભરતનાટ્યમ્ અને કથકલી જેવા શાસ્ત્રીય નૃત્યમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. કર્ણાટકી શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં પણ તેમણે મહારત હાંસલ કરી. દેશ-વિદેશમાં પ્રસ્તુતિ કરવાનો મોકો મળવાથી તેમની એ કળા અનુભવસિદ્ધ સાબિત થઈ. એક વિસ્મયકારી ઘટના એ બની કે કલાક્ષેત્રમાં તેમની સાથે શ્રી વી. પી. ધનંજયન પણ તાલીમ લઈ રહ્યા હતા – તેમની કળાનિષ્ઠાથી તેઓ પ્રભાવિત થયા અને 1966માં તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. આમ તો શરૂઆતમાં શાંતા સ્વયં ધનંજયનનો વર્ગ લેતાં હતાં અને એમના સંતુલિત વ્યક્તિત્વથી ધનંજયનને પણ એમના પ્રત્યે માન હતું. કલાક્ષેત્રની અનેક પ્રસ્તુતિઓમાં તેઓ સાથે ભાગ લેતાં અને ઉત્તમ કલાસેવી તરીકે તેમની ગણના થતી. બંનેની સર્જનાત્મકતા અને અભિવ્યક્તિ એકમેકની પૂરક હતી તેનો લાભ ભારતના સમગ્ર કલાવિશ્વને મળ્યો.

શાંતા ધનંજયન

એક અન્ય નોંધપાત્ર બનાવ કલાક્ષેત્રે બન્યો. ભરતનાટ્યમ્ – શાસ્ત્રીય નૃત્ય માત્ર સ્ત્રીઓ જ કરતી – એ કળા શ્રી ધનંજયને હસ્તગત કરી તો શાસ્ત્રીય નૃત્ય કથકલીમાં માત્ર પુરુષોનો જ ઇજારો હતો તે સમયે શાંતાએ એ ક્ષેત્રે પણ પદાર્પણ કર્યું અને એમાં ઘણી બધી પ્રયોગાત્મક પ્રસ્તુતિઓ વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરી. એમના પતિશ્રી ધનંજયન સાથે ‘ભારત કલાંજલિ’ નામક સંસ્થાની સ્થાપના કરી છે, જે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતનનો યજ્ઞ પ્રજ્વલિત રાખીને તેમાં પ્રયત્નોનાં સમિધ ઉમેરી રહ્યાં છે.  આધુનિક સમય સાથે તાલ મિલાવી કળાને સુપેરે – કોમળતાથી ઉછેરી રહેલ આ દંપતી શિષ્યોને નૃત્ય સાથે શિસ્ત, આધ્યાત્મિકતા અને ભારતીય મૂલ્યોનું પણ શિક્ષણ આપી રહ્યાં છે. ‘શાંતા અક્કા’– એ લાડ નામથી પ્રસિદ્ધ પોતે એક પ્રેમાળ અને શિસ્તબદ્ધ ગરવા ગુરુ તરીકે પંકાયાં છે.

નૃત્યવિદ્યામાં અનેક ઉમેરણ અને નાવીન્યનો સમાવેશ કરી સંસ્થાને ગુરુકુળ કક્ષામાં મૂકનાર શાંતા શિષ્યોનાં માયાળુ અને મમતાસભર ‘અમ્મા’ પણ છે. નૃત્યોને એની મર્યાદાઓમાંથી બહાર કાઢીને ખુલ્લાં મૂકનાર શાંતાને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં છે. એ એમના આત્માની અભિવ્યક્તિનું પ્રમાણ છે.

તેમને 1994માં કેન્દ્ર સરકારે સંગીત નાટક એકૅડેમી ઍવૉર્ડ આપ્યો. 2009માં તેઓને ભારતનો પ્રતિષ્ઠિત પદ્મભૂષણ ઍવૉર્ડ અપાયો. કલાક્ષેત્રનો ‘નૃત્ય ચૂડામણિ’ – પ્રતિષ્ઠિત ઍવૉર્ડ તેમને મળ્યો. 2020–2021નો કાલિદાસ સન્માન ઍવૉર્ડ તો એમને મળ્યો જ હતો પણ તાજેતરમાં – 2025ના નવેમ્બરની બાવીસમી તારીખે ભારતના નૃત્યકાર દંપતીને પુનઃ રાષ્ટ્રીય કાલિદાસ ઍવૉર્ડ પ્રાપ્ત થયો.

સુધા ભટ્ટ