શાંતતા કોર્ટ ચાલુ આહે (1968) : ભારતપ્રસિદ્ધ મરાઠી નાટકકાર, પત્રકાર અને નિબંધકાર વિજય તેંડુલકરનું પ્રસિદ્ધ નાટક. તેના દિગ્દર્શક અરવિંદ દેશપાંડેના કહેવાથી રંગાયન માટે તેમણે આ નાટકની રચના કરી. સુલભા દેશપાંડેએ તેમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. બીજે જ વર્ષે સત્યદેવ દૂબેએ તેને હિંદીમાં રજૂ કર્યું, જ્યારે રાજ્ય નાટ્યસ્પર્ધામાં અભિનય અને દિગ્દર્શન માટે સુલભા અને અરવિંદ દેશપાંડે ઇનામને પાત્ર ઠરેલાં. આ નાટક માટે તેંડુલકરને 1970માં કમલાદેવી ચટ્ટોપાધ્યાય ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.
તે ઘણી ભારતીય ભાષાઓમાં અનૂદિત કરાયું છે. તેના બંગાળી રૂપાંતરમાં જાણીતી અભિનેત્રી તૃપ્તિ મિત્રાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ફાઇનાન્સ નિગમની સહાયથી સત્યદેવ દૂબેએ આ નાટક પરથી ફિલ્મનું નિર્માણ કર્યું હતું અને બી.બી.સીએ તેના અંગ્રેજી અનુવાદનું પ્રસારણ કર્યું હતું. આ નાટકે તેમને અખિલ ભારતીય નાટકકાર તરીકે પ્રતિષ્ઠિત કર્યા. લગભગ ભારતના સર્વ પ્રદેશોમાં તે અનેક વાર ભજવાયું છે. દૂરદર્શન પર પણ ભજવાયું છે. આધુનિક ભારતનાં શ્રેષ્ઠ નાટકોમાં તેને સ્થાન પ્રાપ્ત થયું છે. આ નાટક માટે લેખકને સંગીત નાટક અકાદમી તરફથી પારિતોષિક એનાયત કરાયું છે. આ નાટકમાં અભિનયના ભાવ કે વિષયનું વાસ્તવિક જીવનમાં સીધું સંક્રમણ થતું દર્શાવ્યું છે.
‘શાંતતા કોર્ટ ચાલુ આહે’માં અંશત: ઉપહાસ અને અંશત: ગાંભીર્યનો અનુભવ થાય છે. તેમાં દિવસને અંતે ભજવવાની પ્રહસનકોર્ટની સુનાવણીનો પૂર્વપ્રયોગ મંચિત કરાતો જોવા મળે છે. ભજવણીની સહાયતા કરવા કે શારીરિક ક્રિયા અને તોફાની નાટક માટે કોઈ અવકાશ રાખવા ખેલના હેતુનો ઉપયોગ કર્યા વિના, તેંડુલકર નાટકના સમગ્ર માળખાને ખેલના વિચારની આસપાસ ઘુમાવે છે. આમ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ મધ્યમ વર્ગની સમસ્યાઓનું શ્યાંકન કરુણરસપ્રધાન બનાવવાનો અને તેમની તરફ સહાનુભૂતિ ઉત્પન્ન કરવાનો રહ્યો છે.
બળદેવભાઈ કનીજિયા