શાંડિલ્ય, હરિશરણ અંબિકાદત્ત (જ. 15 ફેબ્રુઆરી 1927, શિખરપુર, સિંધ [હાલ પાકિસ્તાનમાં]) : સંસ્કૃત કવિ અને લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., બી.ટી., આચાર્યની પદવી તથા એમ.બી.બી.એસ.(હોમિયોપથી)ની પદવી મેળવી. તેઓ નેતાજી કૉલેજ, ઉલ્હાસનગરમાંથી પ્રિન્સિપાલ તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ સિંધુ એજ્યુકેશન સોસાયટી, ઉલ્હાસનગરના સેક્રેટરી, મહારાષ્ટ્ર સર્વદેશીય સંસ્કૃત સમન્વય સમિતિના વાઇસ પ્રિન્સિપાલ રહ્યા. ત્યારબાદ જ્યોતિષ, કર્મકાંડ, પુરોહિતકાર્ય અને લેખનકાર્યમાં જોડાયા.
તેમણે અત્યાર સુધીમાં સંસ્કૃતમાં 6 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘યાત્રા પ્રાસંગીયમ્ !’ (1988); ‘કામદૂતમ્’ (1990), ‘ઋતુવર્ણનમ્’ (1994) એ ત્રણેય અંગ્રેજી ટીકા સાથેનાં સંસ્કૃત કાવ્યો છે. ‘સ્તોત્રાવલિ’ (1995) કાવ્ય ખાસ ઉલ્લેખનીય છે.
સંસ્કૃત સાહિત્યિક પ્રદાન માટે તેમને રાજસ્થાન સંસ્કૃત અકાદમી, જયપુર તરફથી માઘ પુરસ્કાર; વર્લ્ડ ઍસ્ટ્રોલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈ તરફથી બ્રહ્માંડ શિલ્ડ એનાયત કરવામાં આવ્યાં તેમજ ‘સિંધી સમાજ રતન’ અને ‘જ્યોતિષ મહારથી’ ખિતાબોથી પણ સન્માનિત કરાયા. તેમણે રેડિયો પ્રસારણ તથા ટી.વી. નાટકોનું નિર્માણ પણ કર્યું છે.
બળદેવભાઈ કનીજિયા