શર્મા, મનોહર (જ. 5 સપ્ટેમ્બર 1914, બિસૌ, ઝૂનઝુનુ, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી લેખક. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; રાજસ્થાન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.; સંસ્કૃતમાં કાવ્યતીર્થ અને સાહિત્યરત્નની પદવી પ્રાપ્ત કરી. જીવનપર્યંત અધ્યાપનકાર્ય કર્યું. તેઓ રાજસ્થાન સાહિત્ય અકાદમી, ઉદેપુરના સભ્ય; રાજસ્થાની અકાદમી, બીકાનેરના સભ્ય; હિંદી વિશ્વભારતી, બીકાનેરના પ્રમુખ તેમજ ‘વરદ’ અને ‘વિશ્ર્વંભર’ જેવાં સંશોધનાત્મક જર્નલોના સંપાદક રહ્યા હતા.
તેમણે અત્યાર સુધીમાં 61 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અરાવલી કી આત્મા’ (1948); ‘ગીતકથા’ (1949), ‘ધોરણ રો સંગીત’ (1978); ‘મરુ ઉદ્યાન’ (1996) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘નૈનસી રો સાકો’ (1972) એકાંકી છે. ‘રોહિરાય રા ફૂલ’ (1973) નિબંધસંગ્રહ; ‘સોનલ ભિંગા’ (1974), ‘દેશ દિસાવર’ (1982) વાર્તાસંગ્રહો; ‘બાલવાડી’, ‘ગુલગુલાઈ રો ગછ’ (1992) બાળસાહિત્ય અને ‘રામજી ભલા દિન દેવઈ’ (1992) આત્મકથા ઉલ્લેખનીય છે.
તેમણે કાલિદાસના મેઘદૂતનો રાજસ્થાની અનુવાદ તથા ઉમર ખૈયામની રુબાયતોનો ‘રાજસ્થાની રા સિંદરા વાણી’ – એ નામે અનુવાદ કર્યો છે. લોકસાહિત્ય અને સંસ્કૃતિના તેઓ વિશેષજ્ઞ ગણાયા છે. લોકસાહિત્યમાં અને પ્રાચીન પાઠ્યપુસ્તકોમાં ‘બટન રો ઝૂમકો’, ‘રહબ સહબ’, ‘રિતમલ ખાબડિયા રી વાત’, ‘પ્રાચીન રાજસ્થાની વાતસંગ્રહ’, ‘ચંદ્રસખી ભજ બાલક્રિશ્ર્ન છબી’, ‘ગોપીચંદ’, ‘પાર્વતી રો વ્યાવલો’, ‘રાજસ્થાની જનકાવ્ય’, ‘રાજસ્થાની અધૂરા પૂરા’ વગેરે નોંધપાત્ર છે.
રાજસ્થાની સાહિત્યિક પ્રદાન બદલ તેમને રાજસ્થાન રત્નાકર પુરસ્કાર; બ્રિજમોહન જોષી પુરસ્કાર; રામેશ્વર તાંતિયા પુરસ્કાર; ઑલ ઇન્ડિયા મારવાડી સંમેલન (બીકાનેર) તરફથી પુરસ્કાર તેમજ વાઘેશ્વરી પ્રાઇઝ, રાજસ્થાની ભાષા સાહિત્ય સંગમ તરફથી ઍવૉર્ડ તથા કલાશ્રી, સાહિત્યશ્રી, સાહિત્યવારિધિ વગેરે ખિતાબો પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા