શર્મા, બંસીરામ (જ. 11 મે 1935, કુથેરા, જિ. બિલાસપુર, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ હિમાચલ એકૅડેમી ઑવ્ આર્ટ્સ કલ્ચર ઍન્ડ લૅંગ્વેજિઝ, સિમલાના મંત્રી તરીકે નિવૃત્ત થયા. તેઓ 1993-94 દરમિયાન ઍન્થ્રપોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના સિનિયર રિસર્ચ ફેલો અને 1994-95માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડવાન્સ્ડ સ્ટડી, સિમલાના ફેલો રહ્યા.
તેમણે હિંદી (પહાડી) તથા અંગ્રેજીમાં 9 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કિન્નર લોકસાહિત્ય’ (1976); ‘હિમાચલ લોકસંસ્કૃતિ કે સ્રોત’ (1986) લોકસાહિત્ય પરના તેમના જાણીતા ગ્રંથો છે. ‘હિમાલય કી પૌરાણિક જનજાતિયૉ’ (1985) માનવશાસ્ત્ર પરનો ગ્રંથ છે. જ્યારે ‘દેશ એક કલાયેં અનેક’ ગ્રંથ 1 (1988) તેમનો નિબંધસંગ્રહ છે. અંગ્રેજીમાં ‘મિથ્સ ઍન્ડ લીજન્ડ્સ ઑવ્ લાઇફ ઍન્ડ ડેથ’ (1998) એક ઉલ્લેખનીય ગ્રંથ છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ કેન્દ્રીય સાહિત્ય અકાદમી ભાષા- સન્માનથી તેમને સન્માનિત કરવામાં આવેલા.
બળદેવભાઈ કનીજિયા