શર્મા, પ્યારેલાલ (જ. 3 સપ્ટેમ્બર, 1940) : વાયોલિનવાદક.
સંગીતપ્રેમી કુટુંબમાં જન્મેલા પ્યારેલાલના પિતા પંડિત રામપ્રસાદ શર્મા એક સારા રણશિંગું(વાદ્ય)ફૂંકનાર અને સંગીત નિયોજન કરનાર શિક્ષક હતા. પિતાએ પ્યારેલાલ અને તેમના નાના ભાઈઓના મનમાં બાળપણથી જ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત અને ફિલ્મ સંગીતનાં બીજ રોપી દીધાં હતાં. પ્યારેલાલે આઠ વર્ષની ઉંમરે પિતા પાસે વાયોલિન શીખવાનું શરૂ કર્યું. ત્યારબાદ વાયોલિનની સઘન તાલીમ તેમણે ગોવાના સંગીતકાર એન્થની ગોન્સાલવિસ પાસે લીધી. વાયોલિનની આંટીઘૂંટીઓ, પશ્ચિમી સંગીતમાં તેનો ઉપયોગ અને સ્વરરચનાઓ વગેરેનો તેમણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. પ્યારેલાલ ખૂબ ધગશથી રોજ દસ કલાક આ વાદ્યનો મહાવરો કરતા. 1977માં તેમણે ફિલ્મ અમર, અકબર, એન્થનીમા ગીત ‘માય નેમ ઇઝ એન્થની ગોન્સાલવિસ‘ થી તેમના ગુરુને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ઘરની નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે માત્ર 12 વર્ષની ઉંમરે રેકૉર્ડીંગ સ્ટુડિયોમાં નિયમિત વાયોલિન વાદક તરીકે કામ કરીને પૈસા કમાવાનુ શરૂ કર્યું હતું. 1952મા તેમની મુલાકાત લક્ષ્મીકાંત સાથે થઈ. સમાન ઉંમર, આર્થિક સ્થિતિ અને સંગીત પ્રત્યેની રુચિના લીધે બંને વચ્ચે ઘનિષ્ઠતા થઈ.
મંગેશકર કુટુંબ દ્વારા ચલાવાતા ‘સુરીલ કલા કેન્દ્ર‘મા સંગીતની સાથે કેળવાયેલી આ મિત્રતા જીવનપર્યંત રહી. લતા મંગેશકરે બંનેની પ્રતિભા પારખી અને ત્યારબાદ બંને માટે નૌશાદ, એસ.ડી. બર્મન, સી. રામચંદ્ર જેવા સંગીતકારોના દરવાજા ખૂલી ગયા. જુદા જુદા સંગીતકારો સાથે કામ કરીને લીધેલા બહોળા અનુભવના લીધે સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ શરૂ કરવા માટેનો પાયો નંખાયો.
1953થી 1963 સુધી તેમણે કલ્યાણજી આણંદજીના સહાયક તરીકે કામ કર્યું. આ સમય દરમિયાન પણ તેમણે પોતાની કલાને નિખારવાનુ કામ મુંબઈ ચેમ્બર ઓરકેસ્ટ્રા અને પરનજોતિ અકાદમીના સભ્યો સાથે અવિરત ચાલુ રાખ્યું. 1963મા ફિલ્મ ‘પારસમણિ‘થી તેમણે લક્ષ્મીકાંત પ્યારેલાલ તરીકે ભાગીદારીમાં સંગીત સંચાલન શરૂ કર્યું. આ ફિલ્મે આ યુવાન જોડીને રાતોરાત સફળતા અપાવી. 1963થી 1998 સુધી આ જોડી એ લગભગ 750 ફિલ્મમાં નાટકીય ઠાઠમાઠ, ભવ્ય ગાયનવાદન મંડળી અને પાશ્ચાત્ય-શાસ્ત્રીય સંગીતના સંમિશ્રણ સાથે સંગીત પીરસીને શ્રોતાઓના હ્દયમા અવિચળ સ્થાન પ્રાપ્ત કર્યું. અભિનેતા રાજેશ ખન્ના સાથે ‘દો રાસ્તે’(1969)થી ‘નઝરાના’ (1987) સુધીની સફર શ્રોતાઓએ ખૂબ માણી. 45 જેટલા માત્ર વાયોલિન વાદકો અને અન્ય વાદ્યવૃંદની અદ્ભુત ગૂંથણી તેમના સંગીતસર્જનની આગવી ઓળખ બની રહી. 1998માં લક્ષ્મીકાંતના અવસાન બાદ તેમણે કામ મર્યાદિત કર્યું. 2007માં ફરાહ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ માં’, ‘ધૂમ તાના’ ગીત ખૂબ લોકપ્રિય થયું.
હિન્દી ફિલ્મજગતમાં અભૂતપૂર્વ યોગદાન બદલ શ્રી લક્ષ્મીકાંતને અંજલિ અર્પણ કરતા તેમણે અનેક કાર્યક્રમો કર્યા અને કરે છે. મુખ્ય મહેમાન તરીકે તેઓ ઘણા ટીવી કાર્યક્રમોમાં હાજરી આપે છે.
2009માં બેનમૂન સર્જનશીલતા માટે તેમને પુણે ફિલ્મ ફેસ્ટિવલમાં સચિનદેવ બર્મન પુરસ્કાર આપવામાં આવ્યો. ભારત સરકારે વર્ષ 2024માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા છે.
બીજલ બુટાલા
