શર્મા, જિતેન (. 1 માર્ચ 1954, નાલબારી, આસામ) : આસામી લેખક. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ. તથા એલએલ.બી.ની પદવી મેળવી. રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયામાં કાર્યરત હોવા ઉપરાંત લેખનકાર્ય કર્યું. ‘નારાયણ શર્મા’ અને ‘ભ્રમર તાલુકદાર’ના ઉપનામે 1978-80 સુધી ‘સોમોય’ તથા ‘સિલપિર પૃથ્વી’ના સંપાદક રહ્યા પણ ‘આસોમિયા પ્રતિદિન’ના સાંસ્કૃતિક સંપાદક રહ્યા.

તેમણે 8 ગ્રંથો આપ્યા છે. ‘ઉદ્યામ ઉન્મિલન’ (1987); ‘સરુ મનુહર ખોંગ’ (1994); ‘ચપાર્મુખોર સારિકા’ (1994) અને ‘એતિયા ઇયાત અંધાર’ (1994) તેમની લોકપ્રિય નવલકથાઓ છે. ‘આત્મસમર્પણ’ (1997) વાર્તાસંગ્રહ; અને ‘સંગ્રામે જાર જીવન-ચે ગુએવરા’ (1995) ચરિત્રગ્રંથ છે.

તેમને 1987માં કામરૂપ સાહિત્ય સભા તરફથી બેસ્ટ નૉવલિસ્ટ ઍવૉર્ડ; 1990માં આસોમ નાટ્યસમ્મિલન ઍવૉર્ડ અને 1997માં આસોમ શિલ્પી દિવાસ સમિતિ તરફથી બેસ્ટ ડ્રૅમેટિસ્ટ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા