શર્મા, ચંપા (જ. 9 જૂન 1941, સામ્બા, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી લેખિકા. તેમણે સંસ્કૃતમાં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે એમ.એ.; સંસ્કૃત-ડોગરીમાં પીએચ.ડી. તથા બી.એડ.ની ડિગ્રી મેળવી. 1969-1975 સુધી તેઓ સરકારી મહિલા કૉલેજ, ગાંધીનગર ખાતે સંસ્કૃતમાં પ્રાધ્યાપક; 1975માં જમ્મુ યુનિવર્સિટીના સંસ્કૃત અનુસ્નાતક વિભાગમાં તેઓ જોડાયાં. 1980માં સિનિયર ફેલો તથા ડોગરી રિસર્ચ સેન્ટરનાં નિયામક નિમાયાં. 1982-86 દરમિયાન ડોગરી સંસ્થા, જમ્મુનાં જનરલ સેક્રેટરી; 1983-92 ડોગરી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બૉર્ડનાં સભ્ય; 1988-93 સુધી તેઓ ડોગરી ભવન ટ્રસ્ટનાં જનરલ સેક્રેટરી રહ્યાં.
તેમણે અત્યાર સુધીમાં ડોગરીમાં 10 ગ્રંથો આપ્યા છે. ‘ડોગરી કાવ્યચર્ચા’ (1969); ‘કાવ્યશાસ્ત્ર તે ડોગરી કાવ્યસમીક્ષા’ તેમના જાણીતા વિવેચનગ્રંથો છે. ‘ઇક ઝંક’ (1976); ‘ડુગ્ગર દા લોકજીવન’ (1975) નિબંધસંગ્રહો છે. ‘ડુગ્ગર ધરતી’ (1979) ગીત અને ગઝલોનો કાવ્યસંગ્રહ છે. ચંપા શર્માનાં કાવ્યોમાં ભરપૂર ઓજસ્વિતા, દલીલબાજીભરી કુશળતા અને વ્યંગ્યાત્મક સ્પર્શની પ્રતીતિ થાય છે. ‘રઘુનાથસિંગ સમ્યાલ’ ચરિત્રગ્રંથ છે. ‘ઘૂડે ઘુંડલે ચેહરે’ ચરિત્રાત્મક નિબંધસંગ્રહ છે. ‘જે જીન્દે સર્ગ દિક્ખાન’ (1991); ‘સાક સુન્ના પ્રીત પિત્તલ’ (1996) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે.
તેમણે ‘કથાસરિત્સાગર’નાં પ્રકરણ 10થી 12 અને રસ્કિન બૉન્ડની અંગ્રેજી નવલકથા ડોગરીમાં અનૂદિત કર્યાં છે. તેમણે બોલાતી ભાષાના ધ્વનિઓ અને ડોગરી સ્વરવિજ્ઞાન અંગે રાષ્ટ્રીય કક્ષાએ વર્કશૉપ યોજ્યા છે. તેમણે ડોગરી લેખકોની ડિરેક્ટરીનું સંપાદન પણ કર્યું છે. અત્યાર સુધીમાં તેમણે ડોગરી ભાષા, સાહિત્ય અને લોકવાર્તાનાં વિવિધ પાસાં વ્યક્ત કરતા 70થી વધુ લેખો પ્રગટ કર્યા છે. તેઓ જમ્મુમાં ડોગરી, હિંદી અને સંસ્કૃતના વિકાસ માટે કાર્યરત વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. તેઓ ભારત સરકાર દ્વારા પુરસ્કૃત યોજના હેઠળ હિંદી-ડોગરી અને ડોગરી-હિંદી પર્યાયોની ડિક્શનરીઓ તૈયાર કરી પ્રગટ કરવાના પ્રૉજેક્ટનાં મુખ્ય અન્વેષક તરીકે કાર્યરત રહ્યાં છે.
ડોગરી સાહિત્યવિષયક પ્રદાન બદલ તેમને 1992માં દિવાની વિદ્યાવતી ઍવૉર્ડ; બક્ષી ગુલામ મહમદ મેમૉરિયલ ઍવૉર્ડ અને લક્ષ્મી શિવનાથ ઍવૉર્ડ (1994) પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા