શર્મા, ચંદ્રિકાપ્રસાદ (જ. 5 જાન્યુઆરી 1934, મંગત ખેરા, જિ. ઉન્નાવ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી. મેળવી. તેઓ યુનિવર્સિટી રીડર તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ રામકુમાર વર્મા ટ્રસ્ટના જનરલ સેક્રેટરી; નિખિલ હિંદી પરિષદના જનરલ સેક્રેટરી અને ‘નવ પરિમલ’ના સાહિત્યમંત્રી રહેલા.
તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં સંપાદિત ગ્રંથો સહિત 28 ગ્રંથો આપ્યા છે. ‘ડૉ. રામકુમાર વર્મા કી કાવ્યસાધના’; ‘કવિ ઔર લેખક’ બંને તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે. ‘આંચલિક રેખાચિત્ર’; ‘સ્મૃતિ કી ચિત્રશાલા’ તેમના સ્મૃતિગ્રંથો છે. ‘વરાહમિહિર’ ચરિત્ર છે. ‘સાહિત્ય નિર્માતાઓં કે ગાંવ’, ‘ગાંવ ગલી કે લોગ’ નિબંધસંગ્રહો છે. તેમણે ‘ડૉ. રામકુમાર વર્મા રચનાવલિ’ અને અટલ બિહારી બાજપેયી કૃત ‘મેરી ઇક્યાવન કવિતાએં’ સહિત 12 ગ્રંથોનું સંપાદન કર્યું છે.
તેમના હિંદી સાહિત્યિક પ્રદાન બદલ તેમને ઉત્તરપ્રદેશ હિંદી સાહિત્ય સંમેલન દ્વારા ‘રાજારામપાલ સિંગ ઍવૉર્ડ’; ડૉ. રામકુમાર વર્મા પુરસ્કાર તથા ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન એવૉર્ડો પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા