શર્મા, એસ. શ્રીનિવાસ (જ. 1930, ચિદંબરમ્, જિ. દક્ષિણ આરકોટ, તામિલનાડુ) : સંસ્કૃતના વિદ્વાન. તેમને તેમની કૃતિ ‘જગદગુરુ- શ્રીચંદ્રશેખરેન્દ્રસરસ્વતીવિજયમ્’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવેલો. તેમણે સંસ્કૃતમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ હિંદી, અંગ્રેજી, તમિળ અને મલયાળમની જાણકારી ધરાવે છે.

એસ. શ્રીનિવાસ શર્મા
તેમણે અન્નામલાઈ વિશ્વવિદ્યાલય માટે 1200 અને શ્રી કાંચી કામકોટી મઠ માટે 1000 પાંડુલિપિઓનો સંગ્રહ અને તેમનું સૂચીકરણ કર્યું છે. અત્યાર સુધીમાં તેમણે 4 ગ્રંથો આપ્યા છે – ‘વૃત્તમણિમાલા’ (પાઇનગનાડુ મહામહોપાધ્યાય ગણપતિ શાસ્ત્રીગલ, સંસ્કૃત પાદનોંધ સાથે સંપાદિત), ‘વડામોષી નાટક ઇલક્કિય વરલરુ’ (તમિળમાં), ‘કાલી વિડંબનમ્’ (નીલકાંત દીક્ષિત કૃત પરિચય સાથે અંગ્રેજી અનુવાદ અને લિપ્યંતરણ) તથા ‘જગદગુરુશ્રીચંદ્રશેખરેન્દ્રસરસ્વતીવિજયમ્’. તેમને ‘સાહિત્ય ભૂષણ’, ‘સાહિતિ-વલ્લભ’, ‘કવિકુલભાસ્કર’, ‘સંસ્કૃત સેવાધુરીણ’ જેવાં પદો અને સંસ્કૃત વર્ષ પુરસ્કાર આપવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘જગદગુરુશ્રીચંદ્રશેખરેન્દ્રસરસ્વતીવિજયમ્’ નામક મહાકાવ્યમાં કવિએ મોહક અભિવ્યક્તિ અને રોચક કથાવસ્તુનું સુસંગત મિશ્રણ કરીને તેમની ક્ષમતાનું અપૂર્વ દર્શન કરાવ્યું છે. તેમણે ઘણી કુશળતાપૂર્વક છંદોની માવજત કરી છે. આ કૃતિ સંસ્કૃતમાં રચાયેલી ભારતીય કવિતાના એક ઉજ્જ્વળ પ્રદાનરૂપ છે.
બળદેવભાઈ કનીજિયા