શરાવતી (નદી) : પશ્ચિમ કર્ણાટકમાં આવેલી નદી. તે પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને પશ્ચિમી-વાયવ્ય તરફ આશરે 95 કિમી.ના અંતર સુધી વહીને ઉત્તર કન્નડમાં હોનાવડ ખાતે અરબી સમુદ્રને મળે છે. આ નદીનું મૂળ તીર્થહલ્લી તાલુકાના કાવાલેદુર્ગા પાસે આવેલ અંબુતીર્થ ખાતે આવેલું છે. તેને હરિદ્રાવતી, યેન્નેહોલે તેમજ અનેક નાની નદીઓ મળે છે. શિમોગા જિલ્લા પૂરતી તેના વહનમાર્ગની લંબાઈ 32 કિમી. જેટલી છે. તેના મુખથી આશરે 30 કિમી. ઉપરવાસમાં તેનો પટ 70 મીટર જેટલો પહોળો બને છે, જ્યાં તે ચાર પ્રપાતોમાં અનુક્રમે 2.5 થી 9 મીટર જેટલી નીચે ખાબકે છે. આ ધોધ જોગના ધોધ તરીકે ઓળખાય છે. તે 293 મીટર ઊંચો અને 228 મીટર પહોળો છે. આ ધોધથી હેઠવાસમાં થોડાક કિમી.ના અંતરે શરાવતી ખીણ પ્રકલ્પના અન્વયે મહાત્મા ગાંધી જળવિદ્યુત ઊર્જામથક (1952) બનાવવામાં આવેલું છે. તેમાંથી કર્ણાટક રાજ્યને વીજળી ફાળવવામાં આવેલી છે. 40,500 હેક્ટર ભૂમિમાં શરાવતીનું બંધ બાંધેલું જળાશય પથરાયેલું છે.
ગિરીશભાઈ પંડ્યા