શરતના ઘોડા (1943) : ગુજરાતી સાહિત્યમાં એકાંકીની ભોંય ભાંગનાર આદિ સર્જકત્રિપુટી પૈકીના એક એવા યશવંત પંડ્યાનો ત્રીજો એકાંકીસંગ્રહ, જેમાં પ્રારંભિક કાળમાં રચાયેલાં, ‘ભજવાય એવાં અને ભજવાયેલાં’ ચાર એકાંકીઓ અનુક્રમે ‘ઝાંઝવાં’, ‘સમાજસેવક’, ‘શરતના ઘોડા’ અને ‘પ્રભુના પ્રતિનિધિ’ સંગ્રહાયેલાં છે. પ્રથમ એકાંકીસંગ્રહ ‘મદનમંદિર’માં દેવોને મદન-દમન કે મદન-દહન માટે નહિ પણ મદનમંદિર માટે પ્રતિષ્ઠા આપવાનો ઉપક્રમ સેવી, દ્વિતીય એકાંકીસંગ્રહ ‘રસજીવન’માં રસલોલુપતાને પ્રાધાન્ય આપી, આ ત્રીજા એકાંકીસંગ્રહમાં નાટ્યકાર સામાજિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને કટાક્ષ અહીં મુખ્ય સાધન બને છે.
‘ઝાંઝવાં’ સન 1925માં લખાયેલું ગુજરાતી ભાષાનું પહેલું એકાંકી છે, જેમાં આત્મશ્ર્લાઘી, અભિમાની, દંભી અને અહંવૃત્તિવાળા સાહિત્યકારો પોતાને સાક્ષરોમાં ખપાવવા માટે કેવી તાલાવેલી અનુભવે છે તેનો સુંદર ચિતાર આપવામાં આવ્યો છે. પોતાનો મણિ-મહોત્સવ પ્રજા ઊજવે તથા મહાન સાહિત્યકાર તરીકે ઓળખાવે એવું ઝંખતા દંભી અને મિથ્યાભિમાની સાક્ષર જગતપ્રસાદનો કરુણ રકાસ સારિકા નામની યુવતીને હાથે થાય છે. જેને મુગ્ધ ભાવક સમજેલી એ સારિકા તો પોતાના ગ્રંથની કડક આલોચક છે તેવું સત્ય સ્વીકારતાં જગતપ્રસાદને માથે શી વીતી હશે તે કલ્પવાનું લેખક પ્રેક્ષકો ઉપર છોડી દે છે. એક અંક, એક દૃશ્યવાળું રચનાકૌશલ, સ્વલ્પ પાત્રો, વિગતપ્રચુર રંગનિર્દેશ, સંવાદોમાં પ્રસંગોની ગૂંથણીમાં અને નાટકના અંતે અનુભવાતી કાર્યસાધકતા – આ બધાં તત્વો નાટ્યકારનું એકાંકીના ઘાટ ઉપરનું પ્રભુત્વ સિદ્ધ કરે છે.
‘સમાજસેવક’ એકાંકીમાં દેશસેવા અને સમાજસેવાને નામે ઉઘરાવાતા પૈસાનો ઉપયોગ ‘નંદનંદન’ જેવા કહેવાતા સમાજસેવકો દ્વારા કેવી રીતે થાય છે તેનું નર્મ-મર્મ-કટાક્ષયુક્ત ચિત્ર હળવાશથી દોરાયું છે. કટાક્ષલક્ષી સંવાદ-છટા, વ્યંગ્ય-વક્રોક્તિની સચોટતા અને વાસ્તવદર્શનને લીધે આ એકાંકી નોંધપાત્ર બને છે.
‘શરતના ઘોડા’ કે જેના ઉપરથી એકાંકીસંગ્રહનું નામકરણ થયું છે તેમાં એકબીજાની સ્પર્ધા કરવામાં કે ઈર્ષા કરવામાં કેવાં માઠાં પરિણામો રહેલાં છે તેનું સૂચન છે. પોતાનો પુત્ર ઉમાકાન્ત મૅટ્રિકમાં સફળ નીવડ્યાના ભ્રમમાં નીલકંઠરાય હરીફ જયપ્રસાદનું નીચું બતાવવા મોટા પાયે મેળાવડો કરવા ઇચ્છે છે, પરંતુ પુત્ર તો નિષ્ફળ ગયો છે એવું જાણતાં એમનું અભિમાન ઘવાય છે. બીજા દૃશ્યમાં જયપ્રસાદ નીલકંઠરાયની ઉપરવટ જઈને દીકરા વિક્રમને સુહાસિની સાથે પરણાવવાની યુક્તિ રચે છે, પરંતુ ડૉ. અતુલ પોતે સુહાસિનીને પરણી જઈ આ યુક્તિને નિષ્ફળ બનાવે છે. આમ બે કુટુંબોને સન્નિધિકૃત કરી એકાંકીકારે માનવીના મિથ્યા અહં ઉપર નાટ્યાત્મક કટાક્ષ કર્યો છે.
રંગનિર્દેશ રૂપે દીર્ઘ પ્રસ્તાવના ધરાવતા સંગ્રહના અંતિમ એકાંકી ‘પ્રભુના પ્રતિનિધિ’માં હાસ્યનો આશ્રય લઈ નાટ્યકારે રાજકીય શાસકોની ગેરલાયકાતોને ઉઘાડી પાડી છે. શાણપણ વિના રાજવી ધીરસિંહજીને હુલાવી-ફુલાવીને કારભારી રાજ્યની ધુરા પોતાના હાથમાં રાખે છે. જવાબદારીમાંથી છટકવા મથતા રાજા અંગ્રેજ સરકારના પ્રતિનિધિ બનવામાં કોઈ ક્ષોભ અનુભવતા નથી, એ વાતને વેધક રીતે ઉપસાવવા મથતા આ એકાંકીનો આરંભ અને અંત અસરકારક છે.
આ ચારેય એકાંકીઓમાં ડોકાતો સામાજિક સંદર્ભ તત્કાલીન સામાજિક પરિસ્થિતિને પ્રગટ કરવાની સાથે સાથે નાટ્યકારની એક સર્જક તરીકેની જાગરૂકતા પણ પ્રગટ કરે છે. આછી પાત્રસૃષ્ટિ, સરળ દૃશ્યયોજના, કટાક્ષ-વ્યંગ, વિનોદ અને વક્રોક્તિ વડે વાચિક અભિનયની શક્યતા સુગમતા વધારતી શબ્દચાતુરી અને નાટ્યક્ષમ વાગ્છટા તેમજ સાહિત્યકાર, સમાજસેવક, સમાજશિરોમણિ અને વહીવટકર્તા જેવા સાંપ્રત જીવનના વિવિધ વર્ગનાં નમૂના-પાત્રોના સચોટ આલેખનને લીધે આ ચારેય એકાંકીઓ મંચનક્ષમ બન્યાં છે.
મહેશ ચંપકલાલ