શબ્દેન્દુશેખર : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો ટીકાગ્રંથ. ભટ્ટોજી દીક્ષિતનો પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ પરનો વૃત્તિગ્રંથ કે પ્રક્રિયાગ્રંથ ‘સિદ્ધાન્તકૌમુદી’ નામે જાણીતો છે. તેના પર નાગેશ ભટ્ટે બે ટીકાઓ લખી છે. તેમાં વિસ્તૃત ટીકા તે ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ અને ઓછી વિસ્તૃત ટીકા તે ‘લઘુશબ્દેન્દુશેખર’. એ બંને ટીકાઓમાંથી ‘લઘુશબ્દેન્દુશેખર’ અભ્યાસકોમાં વધુ પ્રચલિત છે. ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ ભાગ્યે જ વંચાતી ટીકા છે. આ ટીકાઓ 18મી સદીમાં નાગેશ ભટ્ટે લખી છે. બંને ટીકાઓમાંથી લોકપ્રિય ટીકા ‘લઘુશબ્દેન્દુશેખર’ છે, તેથી વૈયાકરણો ‘શેખર’ શબ્દથી ‘લઘુશબ્દેન્દુશેખર’ જ સમજે છે. તેના પર અનેક વૈયાકરણોએ ‘लघु-शब्देन्दुशेखरव्याख्या’ અથવા ‘टीका’ એવા સાદા નામથી ઓળખાતી ઘણી ટીકાઓ લખી છે. તદુપરાંત, ‘चिदस्थिमाला’, ‘चन्द्रकला’, ‘ज्योत्सना’, ‘श्रीधरी’, ‘शांकरी’, ‘विषमी’, ‘भट्टी’, ‘नागेशोक्तिप्रकाशिका’ વગેરે ખૂબ જાણીતી ‘लघुशब्देन्दुशेखर’ પરની ટીકાઓ છે અને તે મૂળ ટીકાની લોકપ્રિયતા સૂચવતી અનુટીકાઓ છે. ‘द्विरुक्तप्रक्रिया’માં દ્રડપ્રૂચ્મ્દેંજા નામના પ્રકરણના અને કૃદંત વિભાગના અંતે ટીકામાં નાગેશ ભટ્ટ લખે છે કે આ ચર્ચાનો વિસ્તાર ‘बृहच्छब्देन्दुशेखर’માં જોઈ લેવો.
‘સિદ્ધાન્તકૌમુદી’ પરની બંને ‘शेखर’ ટીકાઓમાં નાગેશ ભટ્ટે ભાષ્યવાર્તિકના મતો રજૂ કરી તેની વિદ્વદ્ભોગ્ય ચર્ચા કરવામાં આવી છે. વિશેષત: સંજ્ઞા પ્રકરણમાં અત્યંત વિસ્તૃત સમજ આપવામાં આવી છે. જ્યારે પરિભાષા પ્રકરણમાં ભટ્ટોજી દીક્ષિતે ઉલ્લેખેલી પરિભાષાઓને ઘણી ઝીણવટથી સમજાવવામાં આવી છે. ભટ્ટોજી દીક્ષિતે પોતે જ પોતાની ‘સિદ્ધાન્તકૌમુદી’ પર લખેલી ‘પ્રૌઢમનોરમા’ નામની ટીકામાં અપનાવેલી ખંડનમંડનાત્મક શાસ્ત્રાર્થશૈલી નાગેશે બંને ટીકાઓમાં અપનાવી છે અને વિષયની સર્વતોગ્રાહી વિચારણા બંનેમાં કરી છે. બંને ‘શબ્દેન્દુશેખર’માં પ્રૌઢ અને વિદ્વત્તાભરી ટીકા રહેલી છે.
પતંજલિના ‘મહાભાષ્ય’ પર કૈયટે લખેલી ‘પ્રદીપ’ ટીકા પર નાગેશ ભટ્ટે ‘ઉદ્યોત’ નામની ટીકામાં જે વિચારો રજૂ કર્યા છે તે જ વિચારો અહીં બંને ‘શબ્દેન્દુશેખર’માં રજૂ કર્યા છે. વિચાર સમાન હોવા છતાં બંનેમાં શબ્દો જુદા છે. બંને ‘શબ્દેન્દુશેખર’માં ‘ઉદ્યોત’, ‘મંજૂષા’, ‘પરિભાષેન્દુશેખર’ વગેરે ગ્રંથોના ઉલ્લેખો નાગેશ ભટ્ટે કર્યા છે; તેથી ‘શબ્દેન્દુશેખર’ તેમની અંતિમ હોવાની સાથે ઉત્તમ રચના છે.
પ્ર. ઉ. શાસ્ત્રી