શબ્દપ્રમાણ : પ્રાચીન ભારતીય દાર્શનિકોએ સ્વીકારેલું એક પ્રમાણ. શબ્દપ્રમાણનું લક્ષણ છે આપ્તોપદેશ. અર્થાત્, આપ્તવચન શબ્દપ્રમાણ છે. વેદ, શાસ્ત્ર અથવા જ્ઞાની મનુષ્યે કહેલું વાક્ય શબ્દપ્રમાણ છે. અશ્રદ્ધેય વ્યક્તિએ કહેલું વાક્ય પ્રમાણ નથી. ચાર્વાક સિવાય બધા ભારતીય દાર્શનિકો શબ્દપ્રમાણને સ્વીકારે છે; પરંતુ તે સ્વતંત્ર પ્રમાણ છે કે અનુમાનપ્રમાણમાં જ તે સમાવિષ્ટ છે એ અંગે વિવાદ છે. વૈશેષિકો અને બૌદ્ધો તેને સ્વતંત્ર પ્રમાણ નથી માનતા; પરંતુ અનુમાનમાં જ તેનો સમાવેશ થતો માને છે; જ્યારે બાકીના દાર્શનિકો તેને સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્વીકારે છે.
મીમાંસકો શબ્દનો અર્થ સાથેનો સંબંધ સ્વાભાવિક અને નિત્ય માને છે. બીજા બધા ચિન્તકો શબ્દ અને અર્થ વચ્ચે સંકેતસંબંધ માને છે. શબ્દ સાંભળી સંકેતનું સ્મરણ થાય છે અને પછી અર્થનું જ્ઞાન થાય છે. પદસમૂહનાં પદોમાં આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ હોતાં તે પદસમૂહ વાક્ય બને છે અને વાક્યમાંથી વાક્યાર્થનું જ્ઞાન થાય છે. પદના અર્થનું જ્ઞાન થવા માટે શબ્દ-અર્થસંબંધનું જ્ઞાન અને તે સંબંધનું સ્મરણ આવશ્યક છે. વાક્યમાંથી વાક્યાર્થનું જ્ઞાન થવા માટે આકાંક્ષા આદિનો બોધ આવશ્યક છે. વ્યક્તિ વાક્યનો અર્થ સમજે અને તેને ખાતરી હોય કે વાક્યનો વક્તા આપ્ત છે તો તેને વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે. આમ વાક્ય સાંભળી વસ્તુનું યથાર્થ જ્ઞાન થવા માટે મહત્ત્વની વસ્તુ વક્તાની આપ્તતા છે.
આપ્ત વક્તા તેને કહેવાય જે વસ્તુને યથાર્થ જાણતો હોય, જેવી તેણે જાણી હોય તેવી જ તેને બીજા આગળ રજૂ કરવાની વર્ણવવાની ઇચ્છા ધરાવતો હોય અને તે ઇચ્છાનુસાર ઉપદેશ આપતો હોય. આમ આપ્ત યથાર્થદ્રષ્ટા અને પરપ્રતારણેચ્છારહિત ઉપદેષ્ટા છે. આવી વ્યક્તિ દોષરહિત (રાગ-દ્વેષરહિત) હોય છે. આ બાબતમાં બધાં દર્શનો એકમત છે.
મોટાભાગના ચિન્તકો સ્વીકારે છે કે વ્યક્તિના આચરણનાં સૂક્ષ્મ નિરીક્ષણ અને પરીક્ષણથી તેના આંતરિક ગુણદોષોનું પણ અનુમાન થઈ શકે છે; પરંતુ ધર્મકીર્તિ જેવા તેમ માનતા નથી. તેઓ કહે છે કે આચરણ કે વ્યવહાર પુરુષેચ્છાનુસાર થતો હોઈ અન્યથા (આંતર ગુણદોષથી વિપરીત) પણ થાય છે અને ઢોંગી ધુતારા પોતાના બાહ્ય આચરણથી છેતરે પણ છે; તેથી તેઓ તો વક્તાના પૂર્વાપર ઉપદેશોની એકવાક્યતા (સંવાદિતા) અને પ્રત્યક્ષાનુમાનથી અબાધને જ પ્રામાણિકતા અને આપ્તતાની કસોટી માને છે. જેઓ આચરણ ઉપરથી આંતર ગુણદોષોનું અનુમાન શક્ય માને છે તેઓ પણ આ કસોટીનો સ્વીકાર કરે છે જ.
પ્રત્યેક દર્શન કે ધર્મના અનુયાયીઓ પોતપોતાના મૂળ શાસ્ત્રગ્રંથોને પ્રમાણ તરીકે સ્થાપવા માટે એ જ કારણ આપે છે કે તે શાસ્ત્રોના રચનાર રાગ-દ્વેષદોષોથી રહિત હતા; પરંતુ મીમાંસકોના મતે પુરુષ દોષરહિત છે કે નહિ એ શંકા બની રહેતી હોઈ વેદોના કર્તા તરીકે કોઈ પુરુષનો સ્વીકાર જ ન કરવો જોઈએ. વેદનો કર્તા કોઈ પુરુષ નથી, વેદ અપૌરુષેય છે, નિત્ય છે. પ્રાચીન ન્યાયવૈશેષિકો સહિત ઘણા વૈદિક ચિન્તકો ધર્મનો સાક્ષાત્કાર કરનાર ઋષિઓને (साक्षात्कृतधर्माणःऋषय) વેદકર્તા તરીકે સ્વીકારે છે; પરંતુ ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિકોના મતે વેદો ઈશ્વરકૃત છે અને ઈશ્વર દોષરહિત છે, નિત્યજ્ઞાન ધરાવે છે અને સર્વજ્ઞ છે.
આ શાસ્ત્રો અને વેદો સ્વર્ગ વગેરે અષ્ટ વિષયોનું યથાર્થ જ્ઞાન કરાવે છે. શબ્દપ્રમાણ સિવાય બીજા કોઈ પ્રમાણની અદૃષ્ટ વિષયોમાં ગતિ નથી. દૃષ્ટ વિષયોમાં શાસ્ત્રના પ્રામાણ્યને ચોકસાઈ (verification) કરી જાણી શકીએ છીએ. પછી દૃષ્ટ વિષયોમાં શાસ્ત્રનું પ્રામાણ્ય નિર્ણીત થતાં તે પ્રામાણ્ય ઉપરથી અષ્ટ વિષયોમાં શાસ્ત્રના પ્રામાણ્યનું અનુમાન કરી શકાય છે. શાસ્ત્રો અને વેદો પણ શબ્દપ્રમાણ છે.
વૈશેષિકો અત્રે જણાવેલાં કારણોસર શબ્દપ્રમાણનો અન્તર્ભાવ અનુમાનમાં કરે છે : (1) જેમ ધૂમનો અગ્નિ સાથે વ્યાપ્તિસંબંધ જાણનાર ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન કરે છે, તેમાં પદનો તેના અર્થ સાથે સંકેતસંબંધ જાણનાર પદ ઉપરથી તેના અર્થનું અનુમાન કરે છે. (2) વાક્યાર્થજ્ઞાન પણ અનુમાન દ્વારા જ થાય છે. તે અનુમાનનો આકાર આવો છે – આ પદાર્થો પરસ્પર સંસર્ગ ધરાવે છે, કારણ કે તે પદાર્થોનાં પદો આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિવાળાં છે, ‘ડંડાની મદદથી ગાયને લાવ’ એવાં સંસૃષ્ટ પદાર્થોનાં આકાંક્ષા વગેરે ધરાવતાં પદોની જેમ. (3) શબ્દનો તેના અર્થ સાથે સ્વાભાવિક સંબંધ નથી પરંતુ સંકેતસંબંધ છે, એટલે શબ્દપ્રમાણ અનુમાનરૂપ નથી એમ કહેવું યોગ્ય નથી. શબ્દપ્રમાણ અનુમાનરૂપ જ છે. અલબત્ત, શબ્દનો તેના અર્થ સાથે સ્વાભાવિક સંબંધ ન હોતાં સંકેતસંબંધ હોવાથી તે વક્તૃવિવક્ષાનું જ અનુમાન કરાવે છે; બાહ્યાર્થનું અનુમાન કરાવતો નથી. શબ્દ કેવળ આકાશ અને વિવક્ષાનું જ લિંગ છે, બાહ્યાર્થનું લિંગ નથી. આમ શબ્દ વક્તૃવિવક્ષાનું જ અનુમાન કરાવે છે. બાહ્યાર્થનું અનુમાન કરાવતો નથી. (4) તેમ છતાં શબ્દ જ્યારે અમુક વિશેષણથી વિશિષ્ટ હોય છે ત્યારે તે બાહ્યાર્થનું પણ લિંગ બને છે અને બાહ્યાર્થનું અનુમાન કરાવે છે. તે વિશેષણ છે ‘આપ્તોપદિષ્ટ’.
જેઓ શબ્દને સ્વતંત્ર પ્રમાણ માને છે તેઓ વૈશેષિક મતનું ખંડન આ પ્રમાણે કરે છે : (1) પદ દ્વારા પદાર્થનું જ્ઞાન અનુમાનથી થતું નથી, પરંતુ શબ્દપ્રમાણથી થાય છે; કારણ કે બંનેના વિષયો ભિન્ન છે તેમજ બંનેની કારણસામગ્રી ભિન્ન છે. શબ્દપ્રમાણનો વિષય પદાભિધેય તદ્વત્ છે, જ્યારે અનુમાનનો વિષય ધર્મવિશિષ્ટ ધર્મી છે. (2) સંસૃષ્ટ પદાર્થો ઉપરથી વાક્યાર્થનું જે અનુમાન આપ્યું છે તે સ્વીકાર્ય નથી, કારણ કે તેને અનુમાન ગણી ન શકાય. કેમ ? તેમાં આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિની અપેક્ષા છે; જ્યારે અનુમાનમાં તેમની અપેક્ષા નથી. વળી, અનુવ્યવસાયનો આકાર ‘મેં અનુમાન દ્વારા જાણ્યું’ એવો પ્રસ્તુત દાખલામાં થતો નથી, પરંતુ ‘મેં શબ્દ દ્વારા જાણ્યું’ એવો અનુવ્યવસાયનો આકાર થાય છે. સંસૃષ્ટ પદાર્થોમાંથી વાક્યાર્થ સમજાય છે તેનું કારણ વ્યાપ્તિજ્ઞાન નથી, પરંતુ આકાંક્ષા આદિનું જ્ઞાન છે. પદાર્થો ઉપરથી વાક્યાર્થનું જ્ઞાન અનુમાન-પ્રક્રિયા દ્વારા થતું નથી; જેના દ્વારા થાય છે તે અનુમાનથી સ્વતંત્ર એવું ‘શબ્દ’ નામનું પ્રમાણ છે. (3) વાક્યરૂપ શબ્દથી વિવક્ષાનું નહિ પણ બાહ્ય અર્થનું જ જ્ઞાન થાય છે. વાક્યરૂપ શબ્દથી બાહ્ય અર્થનું જ્ઞાન અનુમાનથી નથી થતું, કારણ કે તે જ્ઞાન થવામાં વ્યાપ્તિ, પક્ષધર્મતા, વગેરેની અપેક્ષા નથી. (4) આપ્તોક્તત્વ ઉપરથી તો શબ્દપ્રમાણ દ્વારા થયેલા જ્ઞાનની યથાર્થતાનું જ અનુમાન થાય છે અને નહિ કે બાહ્યાર્થનું. બાહ્યાર્થ તો વાક્યાર્થજ્ઞાન થતાંની સાથે જ ગૃહીત થઈ જાય છે. આ બધા ઉપરથી પુરવાર થાય છે કે શબ્દપ્રમાણ સ્વતંત્ર પ્રમાણ છે, તે અનુમાનરૂપ નથી.
બૌદ્ધ ધર્મકીર્તિના મતે શબ્દ બાહ્ય અર્થ સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. શબ્દનો બાહ્યાર્થ સાથે સંકેતસંબંધ પણ નથી. શબ્દનો સંકેતસંબંધ તો વિકલ્પ (concept) યા અન્યાપોહ (અતદ્વ્યાવૃત્તિ) સાથે છે, જે વસ્તુસત્ નથી. તેથી શબ્દ વક્તાના મનોગત વિકલ્પનું કે વિવક્ષાનું જ્ઞાન કરાવે છે. જે શબ્દ વિકલ્પ કે વિવક્ષાનું જ જ્ઞાન કરાવે અને વસ્તુનું જ્ઞાન કરાવે જ નહિ તેને તો પ્રમાણ જ ન ગણાય, પરંતુ ધર્મકીર્તિ સ્વીકારે છે કે વક્તા જો આપ્ત હોય તો તેના શબ્દથી તેના મનોગત વિકલ્પનું કે વિવક્ષાનું જ્ઞાન થવા છતાં તે આપ્ત હોવાથી તેનો વિકલ્પ કે તેની વિવક્ષા બાહ્યાર્થ સાથે અવશ્યપણે અવિસંવાદી હોય છે એટલે આપ્તના વચન ઉપરથી અનુમાન દ્વારા પરંપરાથી બાહ્યાર્થનું જ્ઞાન થાય છે.
શબ્દને સ્વતન્ત્ર પ્રમાણ માનનારા આ બૌદ્ધ મતનું ખંડન કરે છે. તેમાં તેઓ અન્યાપોહવાદનું ખંડન કરી વસ્તુસત્ સામાન્યની સ્થાપના કરે છે અને એ રીતે શબ્દનો વસ્તુસત્ સામાન્ય સાથે સંકેતસંબંધ સ્થાપે છે. ઉપરાંત, શબ્દપ્રમાણ અનુમાનપ્રમાણથી ભિન્ન છે એ સિદ્ધ કરવા વૈશેષિક મત વિરુદ્ધ જે દલીલો કરવામાં આવે છે તેમનો ઉપયોગ બૌદ્ધ મતના ખંડનમાં પણ કરવામાં આવે છે.
નગીન જી. શાહ