શતરંજ કે ખિલાડી : રંગીન ચલચિત્ર. ભાષા : ઉર્દૂ. નિર્માણવર્ષ : 1977. નિર્માણસંસ્થા : દેવકી ચિત્ર. નિર્માતા : સુરેશ જિંદાલ. દિગ્દર્શન-પટકથા-સંવાદ-સંગીત : સત્યજિત રાય. કથા : મુનશી પ્રેમચંદની ટૂંકી વાર્તા પર આધારિત. સંવાદ : જાવેદ સિદ્દીકી, શમા ઝૈદી. છબિકલા : સૌમેન્દુ રોય. મુખ્ય કલાકારો : સંજીવકુમાર, સઇદ જાફરી, રિચાર્ડ એટનબરો, શબાના આઝમી, ફારુખ શેખ, અમજદ ખાન, ફરીદા જલાલ, વીણા, વિક્ટર બૅનરજી, ટૉમ ઑલ્ટર.
સત્યજિત રાય દિગ્દર્શિત આ પહેલું હિંદી ચિત્ર હતું. મુનશી પ્રેમચંદની આ જ નામની એક ટૂંકી વાર્તા પર આધારિત આ ચિત્રના અંતને લઈને વિવાદ સર્જાયો હતો, કારણ કે મૂળ વાર્તાના અંત કરતાં ચિત્રમાં અંત જુદો નિરૂપાયો હતો. આ ઉપરાંત પણ સિનેકળાની જરૂરિયાત મુજબ વાર્તામાં ફેરફાર કર્યો હતો. વાર્તા કરતાં ચિત્રમાં લખનૌ અને તેના નવાબ વાજિદઅલી શાહ ઘણા વધારે પ્રમાણમાં જોવા મળે છે. મૂળ વાર્તામાં શતરંજના બે ખેલાડીઓ કેન્દ્રસ્થાને છે, પણ રાયે ચિત્રમાં શતરંજના બે ખેલાડીઓ જેટલું જ મહત્ત્વ વાજિદઅલી શાહની ઐયાશી અને એ વખતના રાજકીય માહોલને પણ આપ્યું છે અને બે સમાંતર કથાઓ રચી છે. ચિત્રમાં મુનશી નંદલાલ જેવાં એકાદ-બે પાત્રોનો ઉમેરો પણ કર્યો છે. મૂળ વાર્તામાં અંતે મીર અને મિર્ઝાને એક મસ્જિદની પાસે બેસીને શતરંજ રમતા અને તેમાં જ અંચાઈના પ્રશ્ર્ને એકબીજાને ગોળી મારીને ખતમ કરતા દર્શાવાયા છે, પણ ચિત્રમાં રાયે આ બંને પાત્રોને એક નિર્જન જગ્યાએ શતરંજ રમતાં દર્શાવ્યાં છે. અંતે તેઓ એકબીજા સામે તમંચા તાકીને ઊભા થઈ જાય છે પણ નવી બાજી ગોઠવીને રમતમાં ડૂબી જાય છે.
આ ચિત્ર પ્રત્યે વિવેચકોનાં ભિન્ન મંતવ્યો છતાં સત્યજિત રાયનાં ચુનંદાં ચિત્રોમાં આ ચિત્રનો સમાવેશ કરાય છે. ચિત્રનો પ્રારંભ થાય છે ઍનિમેશન ચિત્રો દ્વારા એ સમયની સામાજિક-રાજકીય સ્થિતિના વર્ણન સાથે. આ માટે રાયે અમિતાભ બચ્ચનના અવાજનો ઉપયોગ કર્યો છે. એ પછી ગોઠવાયેલી શતરંજની બાજી નજરે પડે છે. શતરંજના બે શોખીનો મિર્ઝા અને મીરને આ રમત રમવા સિવાય દુનિયામાં જાણે કંઈ કામ જ નથી. એશઆરામ, વિલાસ અને ઉદાસીમાં ડૂબેલું નવાબ વાજિદઅલી શાહનું લખનૌ પૃષ્ઠભૂમિમાં છે. લોકો તેતર લડાવી રહ્યા છે, કબૂતર ઉડાવી રહ્યા છે, પણ દેશની રાજકીય સ્થિતિ વિશે વિચારવાનો ન તો તેમની પાસે સમય છે, કે ન તો તેમાં રસ છે, કે ન એવી કોઈ સૂઝ છે. કદાચ નવાબના ઐયાશીભર્યા શાસનનું જ એ પરિણામ હતું. અંતે લૉર્ડ ડેલહાઉસીની ખાલસા-નીતિનો ભોગ લખનૌ બને છે. જ્યારે અંગ્રેજ સેના લખનૌ પર કબજો જમાવવા આવી પહોંચે છે, ત્યારે શતરંજના બંને ખેલાડી મિર્ઝા અને મીર શહેરથી દૂર શતરંજ રમવા નીકળી ચૂક્યા છે. અંગ્રેજ સેના નવાબને સરળતાથી કેદ કરી લે છે. આ બાજુ શતરંજમાં મશગૂલ બંને ખેલાડી દૂરથી પસાર થતી અંગ્રેજ સેના તરફ એક નજર નાંખીને ફરી રમતમાં મશગૂલ થઈ જાય છે.
હરસુખ થાનકી