વ્હાઇટ સી (White Sea)
January, 2006
વ્હાઇટ સી (White Sea) : આર્ક્ટિક મહાસાગરનો ઉપસાગરીય ફાંટો. યુરોપીય રશિયાના વાયવ્ય ભાગમાં આવેલા બેરન્ટ્સ સમુદ્રનો મોટો ફાંટો. બેરન્ટ્સ સમુદ્રનું દક્ષિણ તરફી વિસ્તરણ. ભૌગોલિક સ્થાન : 64°થી 67° ઉ. અ. અને 32°થી 42° પૂ. રે.. આ સમુદ્રી ફાંટો રશિયાના ઉત્તર ભાગમાં પ્રવેશેલો છે. રશિયામાં તે ‘બેલોય મોર’ (Beloye More) તરીકે ઓળખાય છે. તેની ઉત્તરે કોલા દ્વીપકલ્પ, પૂર્વ તરફ કૅનિન દ્વીપકલ્પ, દક્ષિણ તરફ રશિયાનો ઉત્તર ભાગ તથા પશ્ચિમ તરફ કારેલિયા આવેલાં છે.
વ્હાઇટ સીના મુખ્ય ભાગનું ક્ષેત્રફળ 83,605 ચોકિમી. જેટલું ગણાય, પરંતુ બધા અખાતી ખાંચાઓ સહિત તેનું કુલ ક્ષેત્રફળ 90,650 ચોકિમી. જેટલું થાય છે; અર્થાત્ તેમાં વાયવ્ય તરફ કંડલાક્ષ, દક્ષિણ તરફ ઓનેગા અને અગ્નિ તરફ ડ્વિના જેવા ત્રણ મોટા ઉપસાગરો(અથવા અખાતો)નો પણ સમાવેશ થઈ જાય છે. તેની સરેરાશ ઊંડાઈ 99 મીટર જેટલી છે, જ્યારે મહત્તમ ઊંડાઈ 244 મીટરની છે.
ઉત્તર તરફ ડ્વિના (સેવર્નાયા ડ્વિના), ઑનેગા, મેઝેન, વાર્ઝુગા, પોનગોમા, કેમ અને ક્યુલોય નદીઓનાં પાણી આ સમુદ્રમાં ઠલવાતાં રહે છે, તેથી તેની ક્ષારતા પ્રમાણમાં ઘણી ઓછી રહે છે. ઉત્તર આટલાંટિક પ્રવહનનાં હૂંફાળાં પાણી તેમાં પ્રવેશી શકતાં ન હોવાથી તે સપ્ટેમ્બરથી જૂન સુધી, વિશેષે કરીને નવેમ્બરથી મે સુધી બરફ – આચ્છાદિત રહે છે. તેના પરનું બરફ-આવરણ દર વર્ષે આશરે 200 દિવસથી પણ વધુ સમયગાળા સુધી રહે છે. બાકીની ગરમ મોસમમાં તેમાં મત્સ્યપ્રવૃત્તિ તેમજ નૌકા અવરજવર ચાલુ રહી શકે છે. તેનો કાંઠો અનિયમિત તથા કળણવાળો બની રહેલો છે. કંડલાક્ષ, ઑનેગા અને આર્કેન્જલ (Archangel) જેવાં મોટાં શહેરો તેને કાંઠે આવેલાં છે. આ બધાં બંદરો ખાતેથી લાકડાં ભરીને વહાણો જાય છે. તેના કાંઠે જહાજી બાંધકામનું મથક પણ આવેલું છે.
નીપર, વૉલ્ગા અને ડ્વિના નદીઓ દ્વારા તથા નહેરો મારફતે આ સમુદ્ર બાલ્ટિક, કાળા અને કાસ્પિયન સમુદ્રો સાથે સંકળાયેલો છે. નૉર્વેજિયન સાહસિક ઓટરે આ સમુદ્રને નવમી સદીમાં શોધેલો હોવાનું કહેવાય છે.
આર્કેન્જલ અને મર્માન્સ્ક આ સમુદ્રકાંઠે આવેલાં મોટાં બંદરો છે. મર્માન્સ્ક બંદર કોલા નદી મારફતે વ્હાઇટ સી સાથે સંકળાયેલું છે. મોર્ઝોવેટ્સ અને સોલોવેટ્સ્કીના ટાપુઓ આ સમુદ્રમાં આવેલા છે. 1933માં પૂરો કરવામાં આવેલો વ્હાઇટ સી બાલ્ટિક જળમાર્ગ પીટ્સબર્ગ (લેનિનગ્રાડ) નહેરથી સંકળાયેલો છે. તેની લંબાઈ 225 કિમી. જેટલી છે. આ માર્ગ વ્હાઇટ સી પરના બેલોમૉર્સ્ક-(Belomorsk)થી વિસ્તરીને ઑનેગા સરોવર સુધી જાય છે, ત્યાંથી તે સ્વિર નદી અને લાડોગા સરોવરમાં થઈને નેવા નદી સુધી વિસ્તરે છે.
ગિરીશભાઈ પંડ્યા