વ્લાડ, રોમાન (જ. 1919, બુકોવિના) : આધુનિક ઇટાલિયન સંગીતકાર અને સ્વરનિયોજક. વીસ વરસની ઉંમરે ઇટાલી આવી વસવાટ શરૂ કર્યો. 1950માં તેમણે ઇટાલીનું નાગરિકત્વ મેળવેલું.
વ્લાડનું મૌલિક સ્વરનિયોજન પહેલેથી જ સપ્તકના બાર સ્વરોને, તીવ્રમંદનો ખ્યાલ ફગાવીને, સમકક્ષ ગણતી પદ્ધતિ ‘એટોનાલિટી’ને અનુસરે છે. લયક્ષેત્રે પણ તેમણે મૌલિક પ્રયોગો કર્યા. તેના સંગીતમાંથી તેમના ઑપેરા ‘સ્તોરિયા દિ ઉના મામ્મા’ અને બેલે ‘લા દામા દે લે કૅમેલી’ તથા કેન્ટાટા ‘લ ચીએલ એસ્ત વિદે’ને વ્યાપક ચાહના પ્રાપ્ત થઈ છે.
એક ટોચના સંગીતવિવેચક તથા સંગીતવિષયક લેખક તરીકે પણ વ્લાડ મહત્વનું સ્થાન ધરાવે છે. એટોનલ સંગીત પદ્ધતિની ઉત્ક્રાંતિ ઉપર તેમણે ઇતિહાસ લખ્યો છે. આ ઉપરાંત સ્વરનિયોજકો સ્ટ્રાવિન્સ્કી અને દાલાપિચોલા ઉપર પણ તેમણે દળદાર ગ્રંથો લખ્યા છે.
અમિતાભ મડિયા