વ્યાસ, સતીશ ઘનશ્યામભાઈ

January, 2006

વ્યાસ, સતીશ ઘનશ્યામભાઈ (. 10 ઑક્ટોબર 1943, રોજકા, તા. ધંધૂકા) : ગુજરાતી નાટ્યકાર, વિવેચક. માતા રસીલાબહેન. શાળાકીય અભ્યાસ વતન સૂરતમાં. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી ભાષાસાહિત્ય સાથે 1965માં બી.એ., એ જ વિષયમાં 1967માં એમ.એ. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉ. જયંત પાઠકના માર્ગદર્શનમાં ‘આધુનિક કવિતાની ભાષા : પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ’ વિષય પર સંશોધન-અભ્યાસ કરીને 1981માં પીએચ.ડી., 1967થી ધંધૂકાની કિકાણી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક. 1987થી 1991 સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં વ્યાખ્યાતા; 1992થી 1999 દરમિયાન રીડર અને 2000થી પ્રોફેસર.

નરવા મનુષ્ય અને ગરવા સાહિત્યસર્જક સતીશ વ્યાસનો પ્રથમ પ્રેમ નાટ્યલેખન અને નાટ્યમંચનને મળ્યો છે. ‘નાટક ભજવતાં ભજવતાં જ લખવાની ઇચ્છા જાગી છે’  એવી, નાટ્યસર્જન સંદર્ભે વાજબી ઠરતી સર્જક-કેફિયત આપનારા સતીશભાઈએ 12 અભિનેય એકાંકી ધરાવતો ‘નો પાર્કિંગ’ (1984) અને સંગૃહીત દરેક એકાંકી વિશે આસ્વાદલેખ ધરાવતો ‘તીડ’ (1996-2003) એમ બે એકાંકીસંગ્રહો તથા બહુશ્રુત વાચનની સમૃદ્ધિ સૂચવતું, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત દ્વિઅંકી નાટક ‘પશુપતિ’ (2003) આપ્યાં છે. આમાંનાં મોટાભાગનાં એકાંકી તેમજ નાટક અવારનવાર ભજવાય છે. ‘પશુપતિ’નો હિંદી અનુવાદ નિયાઝ પઠાણે અને અંગ્રેજી અનુવાદ દર્શનાબહેન ત્રિવેદીએ કર્યો છે.

વિવેચક તરીકેની સ્વસ્થ અને સમતોલ મુદ્રા ધરાવતા સતીશભાઈએ કવિતા, નાટક, આત્મકથા અને વિવેચન જેવાં સાહિત્ય-સ્વરૂપોમાં કૃતિનિષ્ઠ તેમજ સિદ્ધાંતનિષ્ઠ વિવેચનગ્રંથો આપ્યા છે. એ પૈકી સંશોધન મહાનિબંધ ‘આધુનિક કવિતામાં ભાષાકર્મ’(1983)માં એમની સૂચ્યગ્ર મીમાંસક દૃષ્ટિ અને વ્યાપક-ગહન આકલનશક્તિ ઊડીને આંખે વળગે છે. એ ગ્રંથની સમીક્ષા કરતાં એક વિવેચકે નોંધ્યું છે કે કાવ્યદૃષ્ટાંતો લઈને કરેલા ભાષાકર્મના આવા પૃથક્કરણ દરમિયાન વ્યાસે કવિપ્રયુક્ત શબ્દની વાક્-અર્થ ઉભયની ક્ષમતાઓ કવિની રચનામાં શી રીતે સાધક-બાધક બની છે તે બારીકીથી ચીંધી આપ્યું છે.

આ ઉપરાંત આ વિવેચક પાસેથી વિરલ સાહિત્ય-સ્વરૂપની મુલવણી કરતું ‘આત્મકથા’ (1983), ‘આધુનિક એકાંકી’ (1984), ‘આયામ’ (1986), ‘નૂતનનાટ્ય આલેખો’ (1988), 26 નાટ્યવિવેચનો અને નાટ્યમંચન-સમીક્ષા ધરાવતું ‘પ્રતિમુખ’ (1992), સાહિત્યસિદ્ધાંતો અને સંપ્રત્યયો (સહલેખન, 1987), ‘વાસ્તવવાદ અને નિસર્ગવાદ’ (1990), વિવિધ સાહિત્યસ્વરૂપોની 20 કૃતિ-સમીક્ષાઓનું ‘કૃતિરાગ’ (1994) અને ‘તથા’ (1998) નોંધપાત્ર છે.

બહુશ્રુત વાચક અને સતત અભ્યાસશીલ રહેલા આ વિદ્યાર્થી-વત્સલ અધ્યાપકે અધ્યાપનકાર્યની ઉપનીપજ રૂપે કેટલાંક ઉપયોગી સંપાદનો સ્વતંત્રપણે કે અન્ય સાથે કર્યાં છે. એમાં 20 કાવ્યકૃતિઓ ધરાવતું ‘શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો’ (1986), ‘નવ લઘુનાટકો’ (1987), ‘કલશોરભરેલું વૃક્ષ’ (1995), ‘રાઈનો પર્વત’ (1994), ‘અદ્યતન દીર્ઘ કવિતા’ (1994), ‘યશવંત પંડ્યાનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (1995), ‘ચિનુ મોદીનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (1996), ‘ભદ્રંભદ્ર’ (1996), 25 પૃષ્ઠોની સમીક્ષાત્મક તેમજ સંદર્ભસામગ્રી સાથે સર્જકનાં તમામ એકાંકી સમાવી લેતું, ‘યશવંત પંડ્યાનાં એકાંકી’ (1999), ‘મિથ્યાભિમાન’ (2000), સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી એકાંકીઓનું પ્રતિનિધિત્વ કરતું ‘ગૂર્જર એકાંકી’ (2000), ‘ગૂર્જર અદ્યતન એકાંકી’ (2000) અને રણછોડભાઈ ઉદયરામ દવેનું ‘લલિતા-દુ:ખદર્શક’(2000)નો સમાવેશ થાય છે.

વિદ્યાર્થી તેમજ અધ્યાપક તરીકેની કારકિર્દી દરમિયાન વિવિધ કૉલેજ અને સાંસ્કૃતિક સંસ્થાઓના ઉપક્રમે સતીશભાઈએ બે બૃહદ નાટકો તથા શતાધિક એકાંકીઓનું દિગ્દર્શન કર્યું છે. તેમણે શિક્ષણ અને સાહિત્યની અનેક સંસ્થાઓમાં વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. એમનાં પાંચ પુસ્તકો ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયાં છે.

રમેશ ર. દવે