વ્યાસ, ગૌરાંગ (જ. 24 નવેમ્બર, 1938) : ગુજરાતી ચલચિત્રસંગીત તથા સુગમસંગીતના અગ્રણી પ્રયોગશીલ સ્વરનિયોજક અને ગાયક કલાકાર. સંગીતના ક્ષેત્રમાં પિતાનો વારસો પુત્રે દીપાવ્યો હોય એવી વિરલ ઘટના ગૌરાંગ વ્યાસના નામ સાથે જોડાયેલી છે. પિતાનું નામ અવિનાશ અને માતાનું નામ વસુમતી. ગળથૂથીમાંથી સંગીતના સંસ્કાર પ્રાપ્ત કરેલ ગૌરાંગ પાંચ વર્ષની વયે હાર્મોનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડતા. મુંબઈની પોદાર હાઈસ્કૂલમાં તેમણે માધ્યમિક શિક્ષણ લીધું અને ત્યારબાદ અમદાવાદની એન્જિનિયરિંગ કૉલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા લીધો. વ્યાવસાયિક કારકિર્દી મુંબઈની ખંડેલવાલ એન્જિનિયરિંગ કંપનીથી શરૂ કરી; પરંતુ લાંબો સમય તેમાં રહ્યા નહિ અને કેવળ સંગીતને જ સમર્પિત રહ્યા. ગુજરાતી ચલચિત્ર ‘લીલુડી ધરતી’માં પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે તેઓ જોડાયા અને શ્રેષ્ઠ સંગીતકારનો સહિયારો ઍવૉર્ડ તેમણે મેળવ્યો.
આ પછી ‘ઉપર ગગન વિશાળ’માં પણ તેમનું સહિયારું સંગીત હતું, જે વખણાયું. પિતાની સાથે ‘જેસલ તોરલ’માં સહાયક તરીકે સંગીત આપ્યું, જેને લોકપ્રિયતા મળી. 1976માં ‘લાખો ફૂલાણી’માં તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે સર્વપ્રથમ વાર સંગીત આપ્યું, જેમાં ગીતરચના અવિનાશ વ્યાસની હતી. આ ફિલ્મમાં એક રમૂજી ગીત માટે તેમણે હિન્દી ફિલ્મજગતના લોકપ્રિય પાર્શ્ર્વગાયક કિશોરકુમારના કંઠનો ઉપયોગ કર્યો હતો. પાર્શ્ર્વગાયક પ્રફુલ્લ દવેને આ ફિલ્મમાં પ્રથમ વાર તેમણે તક આપી ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો….’ ગીત ગવડાવ્યું. હિન્દી ફિલ્મ જગતના મશહૂર પાર્શ્ર્વગાયકો આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, પ્રીતિ સાગર, ભૂપેન્દરસિંઘ વગેરેના કંઠનો ગુજરાતી ચલચિત્રોમાં ઉપયોગ કર્યો. ‘પારકી થાપણ’નું કન્યાવિદાય-ગીત ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ પાર્શ્ર્વગાયિકા લતા મંગેશકર પાસેથી ગવડાવ્યું, જેની તરજ એટલી તો સરસ હતી કે લતાજીએ ગાયેલું એ ગીત લોકજીભે ચઢ્યું. તેમણે 2004 સુધીમાં લગભગ 100 ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. કેતન મહેતા દ્વારા નિર્મિત ‘ભવની ભવાઈ’(1981)માં તેમનું સંગીત યાદગાર બની રહ્યું. ફિલ્મની સાથે તેમને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સન્માન પ્રાપ્ત થયું. ગુજરાતી ફિલ્મોમાં પ્રયોગશીલ-સંગીતકાર તરીકે તેમને સર્વાધિક કીર્તિ પ્રાપ્ત થઈ છે. ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત માટેના લગભગ 11 પુરસ્કારો તેમને પ્રાપ્ત થયા છે.
ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રમાં પણ તેમનું સીમાચિહ્નરૂપ પ્રદાન છે. ગુજરાતના સુપ્રસિદ્ધ ગીત-કવિઓ-ગઝલકારોની રચનાઓનાં 500થી વધુ સ્વરાંકનો તેમણે કર્યાં છે જે એક વિક્રમ ગણાય છે. આ ઉપરાંત ગુજરાતી રાસ-ગરબાને પોતાના સ્વરનિયોજનથી તેમણે લોકપ્રિય બનાવ્યાં છે. નૃત્યનાટિકા, ટેલિવિઝન-શ્રેણીઓ, લોકસંગીત અને ભજનસંગીતના ક્ષેત્રમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. 1961માં અમદાવાદમાં ગુજરાતી સુગમ સંગીતના પ્રચાર-પ્રસાર માટે સ્થપાયેલી ‘શ્રુતિ’ સંસ્થાના તેઓ રાહબર રહ્યા છે. એચ.એમ.વી.એ તેમના સંગીત-નિર્દેશન હેઠળ ‘શ્રવણમાધુરી’ અને ‘સાગરનું સંગીત’ રેકૉર્ડ્ઝ તૈયાર કરી હતી. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની ‘ગીત રે ગીત’ શ્રેણીમાં પણ તેમનું સંગીત છે. પરંપરા અને પ્રયોગશીલતાની દૃષ્ટિએ ગુજરાતી ગીત-સંગીતને તેમણે લોકપ્રિય બનાવ્યું છે અને કલાત્મક રૂપ પણ આપ્યું છે.
હરીશ રઘુવંશી