વ્યાસ, ગિજુભાઈ (જ. 23 એપ્રિલ 1922, દીવ; અ. 6 માર્ચ 2002) : બ્રૉડકાસ્ટર નાટ્યપ્રવૃત્ત-આયોજક. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈની વિવિધ શાળાઓમાં લીધું. 1944માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક થયા. 1946માં પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી. ઑલ ઇન્ડિયા રેડિયો – આકાશવાણીમાં ‘ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ’ના પદે જોડાઈ, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ-આકાશવાણી, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ-દૂરદર્શન અને અંતે 1979માં ડિરેક્ટર જનરલ-દૂરદર્શનનો સર્વોચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી, 1980માં એ પદેથી સેવાનિવૃત્ત થયા. આ સેવાકાળ દરમિયાન મુંબઈ, પટણા, રાજકોટ, અમદાવાદ-વડોદરા, ભુજ તથા જાલંધરનાં આકાશવાણી-કેન્દ્રોના નિયામક તરીકે તેમજ વિવિધ ભારતી અને આકાશવાણીની વાણિજ્યસેવાના નિયામક તરીકે કામગીરી જાળવી. એમનો ધીરગંભીર અવાજ – એ ગુજરાતી બ્રૉડકાસ્ટિંગની મહામૂલી મૂડી હતો. તેમણે ગાંધીજીની આત્મકથાનું રેડિયો ઉપર કરેલું પઠન આજે પણ સ્મરણીય રહ્યું છે. પોતાની આગવી કલાદૃષ્ટિથી તેમણે અનેક ગુજરાતી બ્રૉડકાસ્ટરોને તાલીમ આપી પ્રોત્સાહિત કર્યા. રેડિયો-પ્રસારણ ક્ષેત્રે નિર્માણ અને સંશોધનમાં માર્ગદર્શન આપ્યું. મુંબઈ અને સમગ્ર ગુજરાતની નાટ્યપ્રવૃત્તિ સાથે વિવિધ સ્તરે પાંચ દાયકા સુધી તેઓ સંકળાયેલા રહ્યા હતા. 1967થી 1979 દરમિયાન તેમણે વિવિધ વિદેશ-પ્રવાસ ખેડ્યા. 1967માં બ્રિટન અને યુરોપમાં ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, નેધરલૅન્ડ તથા ઇટાલી – આ દેશોની બ્રૉડકાસ્ટિંગ પદ્ધતિના અભ્યાસ અર્થે પ્રવાસ કર્યો. 1974માં ટોકિયોમાં એશિયા-પૅસિફિક બ્રૉડકાસ્ટિંગ યુનિયનના દસમા વાર્ષિક અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ લીધો. 1977માં એશિયન બ્રૉડકાસ્ટિંગ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની કુઆલાલુમ્પુર, મલેશિયા ખાતે મળેલી વાર્ષિક સભામાં ભાગ લીધો. 1978માં ઈસ્ટ વેસ્ટ સેન્ટર, હોનોલુલુ, હવાઈ ખાતે ટ્રાન્સનૅશનલ કમ્યૂનિકેશન એજન્સિઝ અંગેના પરિસંવાદમાં ભાગ લીધો. એ જ વર્ષમાં મૉરિશિયસ ખાતે યોજાયેલી રાષ્ટ્રકુટુંબના દેશોની પરિષદમાં દૂરદર્શનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. 1979માં ઇન્ડો-યુ.એસ. સબકમિશનની અમેરિકાના ચાર્લ્સટન ખાતે યોજાયેલી બેઠકમાં, તેમણે ભારતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ભાગ લીધો હતો.
હસમુખ બારાડી