વ્યાસ, આદિત્યરામ (જ. 1819, જૂનાગઢ; અ. 1880, જામનગર) : ગુજરાતના સર્વપ્રથમ શાસ્ત્રીય સંગીતકાર.

જૂનાગઢના નાગર ગૃહસ્થ કુટુંબમાં જન્મ. પિતા વૈકુંઠરામ વ્યાસ સંગીતના પ્રખર પંડિત હોવાથી સંગીતની પ્રાથમિક તાલીમ ઘરમાં જ પિતા પાસે પ્રાપ્ત કરી. વિશેષ તાલીમ માટે ખાનસાહેબ નન્નુમિયાં પાસે ગડ્ડાબંધન કરાવીને નીતિ-નિયમબદ્ધ શીખવા મોકલવામાં આવ્યા. જ્યાં ખયાલ ગાયન ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. ગુજરાતમાં  તત્કાલીન સમયે સંગીતને અર્થોપાર્જન કે વ્યવસાય માટે સ્વીકૃતિ ઓછી હતી, પરંતુ આદિત્યરામે પૂર્ણ નિષ્ઠા સાથે આજીવન માત્ર સંગીતની સેવા કરી. સંગીતનું સર્વપ્રથમ વિદ્યાલય પણ શરૂ કર્યું. ધ્રુપદ ગાયન બાબતે એમનું વિશેષ યોગદાન રહ્યું છે. બાળપણથી જ ગુજરાતી સાથે સંસ્કૃત, ફારસી તથા હિન્દી ભાષાઓનું યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરીને એમણે અનેક બંદિશોની રચના કરી. આદિત્યરામ વ્યાસરચિત સંગીતાદિત્ય ગ્રંથમાં એમની રચેલી અનેક બંદિશોનો સમાવેશ છે. ધ્રુપદનાં  અનેક પદો સાથે અનેક ઠૂમરીઓની પણ તેમણે રચના કરી છે. એમની સંગીતની સેવા અને સાંગીતિક પ્રતિભાની કદર કરતા જામનગરમાં રાજગાયક તરીકે તેઓ સન્માનિત થયા અને જીવનપર્યંત રાજગાયકના પદ પર રહ્યા. પોતે કૃષ્ણભક્ત હોવાથી એમના સંગીતને સદાય શ્રીકૃષ્ણની આરાધનામાં અર્પણ કરીને જ સંગીતની પ્રસ્તુતિ અને શિષ્યોની તાલીમ શરૂ કરતા. એમનાં પદો ગોપીભાવે, પ્રેયસીભાવે રચાયેલાં હતાં. પ્રેમલક્ષણાભક્તિનાં દર્શન એમની બધી રચનાઓમાં થાય છે. તેઓ શ્રીમદ્ ભગવદગીતાના અભ્યાસુ હતા. શાસ્ત્રીય સંગીતમાં ગાયન સાથે તાલશાસ્ત્રના પણ તેઓ પ્રખર જ્ઞાની હતા. સંગીતની સાથે જ્યોતિષશાસ્ત્રના પણ તેઓ જાણકાર હતા. ગુજરાતના પ્રથમ સંગીતકારનું તેમને બિરુદ આપવામાં આવ્યું હતું.

ગ્વાલિયર ઘરાનાની ગાયકી સાથે ઘણા સાંગીતિક પ્રયોગો કરવા માટે, ધ્રુપદ ગાયનના પ્રસાર-પ્રચાર માટે, અનેક પદો અને કાવ્યોની રચના માટે તથા પરિપક્વ ગાયન માટે સંગીતક્ષેત્રે આદિત્યરામ વ્યાસ ગુજરાતના પાયાના સંગીતજ્ઞ હતા.

અલ્પા શાહ