વ્યામોહ (paranoia) : જેમાં વ્યક્તિને મતિભ્રમો (delusion) થાય, એના વાસ્તવિકતા સાથેના સંપર્કને ક્ષતિ પહોંચે, પણ એના મનોવ્યાપારો છિન્નભિન્ન કે વિકૃત ન બને કે એના વ્યક્તિત્વમાં સખત ઊથલપાથલો ન થાય એવી મનોવિકૃતિ. ‘વ્યામોહ’ એ નામ મનોવૈજ્ઞાનિક ક્રેપલિને પ્રચલિત કર્યું હતું; પણ હાલમાં અમેરિકન મનોચિકિત્સકોના મંડળે બહાર પાડેલી, મનોવિકૃતિઓને સમજવા માટેની ચોથી નિદાનાત્મક અને અંકશાસ્ત્રીય માર્ગદર્શિકા(Forth Diognostic and Statistical Manual  DSM)માં વ્યામોહને ‘મતિભ્રમીય મનોવિકૃતિ’ (delusional disorder) એવું નવું નામ અપાયું છે. મતિભ્રમ એ વ્યામોહનું એક મુખ્ય લક્ષણ છે.

મતિભ્રમ એટલે પોતાના વિશેની વાસ્તવિકતા અંગેની એવી ખોટી માન્યતા જેની વિરુદ્ધ મજબૂત પુરાવા હોવા છતાં વ્યક્તિ એ(માન્યતા)ને વળગી રહે છે, તેને છોડવા તૈયાર હોતી નથી; દા. ત., વ્યક્તિ માને કે ‘હું રાજા વિક્રમ છું’ કે ‘હું ભારતનો રાષ્ટ્રપતિ છું અને તમને નોકરી આપવા માટેનો આદેશ લખી આપું છું.’ અથવા ‘મારા દુશ્મનો મને હેરાન કરવા માટે મારા ઘરે ભૂતો અને ડાકણોને મોકલે છે.’

કેટલીક વાર બે કે વધારે વ્યક્તિઓ (દા. ત., પતિ અને પત્ની) એકબીજા અંગેના મતિભ્રમો સતત અનુભવે છે. એ ઘટનાને દ્વૈતવ્યામોહ (folle a deux) કહે છે. વ્યામોહના કેટલાક દાખલામાં કોઈ બીજું વિકૃત ચિહ્ન હોતું નથી, માત્ર મતિભ્રમ જ હોય છે. એવો મતિભ્રમ ઓછા સમય સુધી જ ટકે છે; પણ મોટાભાગના દાખલાઓમાં મતિભ્રમોની સાથે અન્ય વિકૃત વર્તન જોડાયું હોય છે. એમાં વિકૃતિ વર્ષો સુધી ટકે છે.

કેટલાક દાખલામાં વ્યામોહનું ખાતરીથી નિદાન કરવું મુશ્કેલ હોય છે; કેમ કે, એમાં વ્યક્તિની માન્યતા સાચી અને વાસ્તવિક છે કે ખોટી કે નિરાધાર છે તે નક્કી કરવું અઘરું હોય છે; દા. ત., વ્યક્તિ એવું માને કે ‘હું નોકરીમાં સતત અન્યાયનો ભોગ બન્યો છું.’ એ વખતે ઘણી વાર એને ખરેખર સતત અન્યાય થયો કે ન થયો એ અભિપ્રાયનો પ્રશ્ર્ન બની જાય છે. આવા દાખલામાં પરિસ્થિતિ અસ્પષ્ટ અને ગૂંચવાડાભરેલી હોય ત્યારે ચિકિત્સકો એવું ધોરણ અપનાવે છે કે જો એ વ્યક્તિના સમુદાયના બહુમતી લોકો એ માન્યતાને અસંગત ગણતા હોય તો એને ખોટી માન્યતા ગણવી.

એ નોંધવું જોઈએ કે સામાન્ય માણસની વિચારણા કરતાં વ્યામોહી વ્યક્તિની વિચારણા મૂળભૂત રીતે બહુ જુદી પડતી નથી. સામાન્ય (સ્વસ્થ ગણાતાં) માણસો પણ પોતાનાં અનિષ્ટ લક્ષણોનું પ્રક્ષેપણ બીજા લોકોમાં કરતાં જ હોય છે, જેથી પોતે પોતાનાં ખરાબ લક્ષણોને ભૂલી શકે.

મતિભ્રમીય મનોવિકૃતિ(વ્યામોહ)નું નિદાન કરતી વખતે તેનો પ્રકાર ઓળખવો પણ જરૂરી છે. મતિભ્રમના વિષય પ્રમાણે તેના આ પ્રમાણે પ્રકાર પડે છે : (1) પીડનનો મતિભ્રમ, (2) ઈર્ષ્યાયુક્ત મતિભ્રમ, (3) શારીરિક મતિભ્રમ, (4) કામુક મતિભ્રમ, (5) મહત્તાનો મતિભ્રમ અને (6) મિશ્ર મતિભ્રમ.

પીડનના મતિભ્રમમાં વ્યક્તિને એવું લાગે છે કે બીજા લોકો પોતાની સાથે દ્વેષીલો વ્યવહાર કરે છે અને કિન્નાખોરીથી વર્તે છે; દા. ત., તેઓ મારો પીછો કરે છે, મારા ઉપર જાસૂસી કરે છે, હું અનૈતિક કે ગેરકાનૂની વર્તન કરું છું એવી અફવાઓ ફેલાવે છે, મારાં કાર્યોમાં ખલેલ, અવરોધો ઊભા કરે છે, મને મારા હકો મેળવવા દેતા નથી કે એક યા બીજી રીતે મને ત્રાસ આપે છે. આવી કેટલીક વ્યક્તિઓ તો બીજા લોકોના આવા માની લીધેલા વર્તન અંગે એમના ઉપર કાનૂની પગલાં પણ ભરવાનો પ્રયત્ન કરે છે અથવા એમના ઉપર હુમલા પણ કરે છે.

ઈર્ષ્યાયુક્ત મતિભ્રમિત વ્યક્તિને એમ લાગે છે કે પોતાના જીવન-સાથી પોતાના તરફ બેવફા બની ગયા છે, અને કોઈ પરપુરુષ (કે પરસ્ત્રી) સાથે છુપાઈને સંબંધ રાખે છે.

કામુકતાના મતિભ્રમમાં વ્યક્તિ એવું માની લે છે કે કોઈ જાણીતી વ્યક્તિ પોતાના પ્રેમમાં છે અને પોતાની સાથે લગ્ન કરીને જાતીય સંબંધ બાંધવા માગે છે.

શારીરિક મતિભ્રમમાં વ્યક્તિ માની લે છે કે પોતાને કોઈ અસાધ્ય રોગ થયો છે. એ રોગ વિશે આપણે એને પૂછીએ તો કોઈ સ્પષ્ટ વર્ણન કરી શકતો નથી પણ ઢંગધડા વિનાની ફરિયાદો કરે છે.

મહત્તાના મતિભ્રમમાં વ્યક્તિ માને છે કે પોતે બહુ ઊંચો મોભો, હોદ્દો કે સત્તા ધરાવે છે અથવા અસાધારણ શારીરિક કે માનસિક શક્તિ, સ્વાસ્થ્ય કે રૂપ ધરાવે છે અથવા ઊંચા મોભાવાળી વ્યક્તિ સાથે ખાસ નિકટનો સંબંધ ધરાવે છે.

મિશ્ર પ્રકારના મતિભ્રમમાં ઉપરની વિવિધ ખોટી માન્યતાઓમાંથી બે કે વધારે પ્રકારની માન્યતાઓ ભેગી થઈ હોય છે.

પીડનનો મતિભ્રમ સૌથી વધારે વ્યાપક જોવા મળે છે.

ખાનગી ચિકિત્સાકેન્દ્રોમાં કે જાહેર ઇસ્પિતાલોમાં સ્પષ્ટ વ્યામોહના નિદાનવાળા કિસ્સાઓ બહુ ઓછા જોવા મળે છે. ખરેખર તો સમાજમાં વ્યામોહના કિસ્સા ઠીક ઠીક પ્રમાણમાં બનતા રહે છે; પણ તેમાંના મોટાભાગના લોકો સારવાર લેવા માટે ચિકિત્સકની પાસે જતા નથી; દા. ત., ખૂબ મહેનત કરીને વૈજ્ઞાનિક શોધ કર્યા પછી સ્વાર્થી ધુતારા લોકો દ્વારા શોષણનો ભોગ બનેલી વ્યક્તિ, સમાજને સુધારી નાખવાનો ધખારો લઈ બેઠેલ વ્યક્તિ, બની બેઠેલા ફિરસ્તાઓ કે ભવિષ્યવેત્તાઓ, ઉપરીના ત્રાસનો ભોગ બનેલો કર્મચારી, સાસરામાં ત્રાસ સહન કરતી આવેલી વહુ કે ઈર્ષાળુ પતિ કે પત્નીમાંથી ઘણા વ્યામોહી હોવાની શક્યતા છે; પણ જ્યાં સુધી તેઓ આસપાસના લોકોને બાધારૂપ બનતા નથી અને જ્યાં સુધી તેમનાં વર્તનનાં ચિહ્નો તેમનાં સગાંના ધ્યાનમાં આવતાં નથી ત્યાં સુધી મતિભ્રમો અનુભવવા છતાં તેઓ કુટુંબમાં કે સમાજમાં પોતાનું જીવન ટકાવી શકે છે. તેમને પોતાને પોતાની વ્યામોહી અવસ્થાની જાણ થતી નથી, તેથી તેઓ સારવાર લેવા જતા નથી. તેઓ પોતાના ખોટા ખ્યાલોમાં રચ્યાપચ્યા રહે છે.

બર્નસ્ટીનના અંદાજ પ્રમાણે વિવિધ પ્રદેશોમાં સામાન્ય વસ્તીના અડધાથી ચાર ટકા જેટલા લોકો વ્યામોહાત્મક વ્યક્તિત્વવિકૃતિ ધરાવે છે. તેમાં સ્ત્રીઓ કરતાં પુરુષોનું પ્રમાણ ત્રણ ગણું હોય છે.

વ્યામોહ માટે વિવિધ કારણો છે. વ્યક્તિ જે કોઈ કાર્ય હાથમાં લે તે દરેકમાં તે ઉપરાઉપરી નિષ્ફળ જાય. તેમાંથી જન્મેલી હતાશાને લીધે તેને લઘુતાની લાગણી થાય છે, પોતાની ખામીઓનું ભાન થાય છે; પણ એ દુ:ખદ હોવાથી તેને ભૂલવા માટે વ્યક્તિ બીજા લોકો ઉપર દોષારોપણ કરવાનું શરૂ કરે છે અને તેમના આશયો વિશે શંકા કરે છે; તેથી એમની સાથેના સંબંધો બગડતા જાય છે. તેથી વ્યક્તિને લાગે છે કે પોતાની શંકાને ટેકો મળ્યો. બીજા લોકો ખરેખર દુષ્ટ છે અને દુનિયા મારી દુશ્મન છે. આમ તે નિર્દોષ બનાવોને પણ અંગત અને દોષારોપક સ્વરૂપ આપી દે છે. આમ નિષ્ફળતા હતાશા અને દોષારોપણના વિષચક્રમાં તે ફસાય છે અને આખરે વ્યામોહી બને છે.

ક્રેમરે આ રીતે એની સમજ આપી છે :

બાળપણમાં અળગાપણું

બાળપણમાં અસહિષ્ણુ માતાપિતાએ કરેલી અતિ કડક ટીકા

સમાજમાં પોતાના સ્થાન અંગેની અનિશ્ચિતતા

            ↓

        ચિંતા અને ખિન્નતા સાથે આત્મસભાનતા

ઘટનાઓના અતિશય વ્યક્તિલક્ષી અર્થો તારવવાની ટેવ

બીજાઓમાં અનિષ્ટ હેતુઓનું ખોટું આરોપણ

‘‘કાવતરું થઈ રહ્યું છે’’ એવી ભૂલભરેલી સમજ

વ્યામોહના બહુ ઓછા દર્દીઓ સારવાર લેવા આવે છે. વ્યામોહની સારવાર મુશ્કેલ પણ છે. વ્યામોહી વ્યક્તિના મનમાં એક વાર મતિભ્રમનું તંત્ર બરોબર ગોઠવાઈ જાય ત્યારપછી તેની કોઈ, ઝડપી અને લાંબા ગાળા સુધી અસરકારક રહે એવી સારવાર હાલ પ્રાપ્ત નથી; કેમ કે, આવા દર્દી સાથે દવાની ગોળી વડે કે વાતચીત રૂપે માનસિક ચિકિત્સા કરવા જતાં, દર્દીના મનમાં ચિકિત્સક પ્રત્યે પણ શંકા ચાલુ જ રહે છે ! અનુભવી ચિકિત્સકો ધીરજપૂર્વક અને બહુ જ ખામોશ રહીને દર્દી સાથે શાંતિથી વર્તીને પ્રથમ તેનો વિશ્વાસ મેળવે છે; દર્દીનું માન અને ગૌરવ સાચવે છે; તેની સાથે બહુ ઉષ્માભર્યો ગાઢ સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ આડકતરી રીતે, પ્રશ્ર્નો પૂછીને દર્દીના ભય, શંકા અને દ્વેષને ધીમે ધીમે દૂર કરે છે અને તેનો આત્મવિશ્વાસ વધારે છે. આવા વર્ષોના પ્રયત્નો પછી વ્યામોહાત્મક વર્તનમાં સુધારો થાય છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે