વ્યાપારી વ્યવસ્થા (Business Organisation)
January, 2006
વ્યાપારી વ્યવસ્થા (Business Organisation) : માલ અને સેવાઓના ઉત્પાદકો અને વિતરકોની બધી જ વાણિજ્ય-પ્રવૃત્તિઓ સુચારુ રીતે ચલાવવાની વ્યવસ્થા. સામાજિક, આર્થિક અને વ્યક્તિગત જરૂરિયાત મુજબ કાળક્રમે વાણિજ્ય-વ્યવસ્થાનાં જુદાં જુદાં સ્વરૂપો વિકાસ પામ્યાં છે, જે આ પ્રમાણે છે :
(ક) નફાના પ્રાથમિક હેતુની દૃષ્ટિવાળાં સાહસો :
(1) વૈયક્તિક માલિક : વ્યાપારી વ્યવસ્થાનું અત્યંત પ્રાચીન સ્વરૂપ છે. માલિક પોતે જ ધંધાનું સંચાલન કરે છે. પોતે જ મૂડી રોકે છે અને જરૂર પડ્યે બૅન્ક કે નાણાકીય સંસ્થા પાસેથી ઉછીની મૂડી મેળવે છે. નફો થાય તો માલિક પોતે જ મેળવે છે અને ખોટ પણ માલિક પોતે જ ભોગવે છે. ઝડપી નિર્ણય લઈ તકને ઝડપી લેવાની ક્ષમતા આ સ્વરૂપ પાસે છે; પરંતુ મર્યાદિત મૂડી અને અમર્યાદિત જવાબદારીના ગેરલાભ તેની ક્ષમતાને માઠી અસર કરે છે. આમ છતાં ખેતીમાં, નાના ઉત્પાદનમાં તેમજ વેપાર અને તેને લગતી સેવાઓમાં આ સ્વરૂપ બહુધા જોવા મળે છે. પરંતુ માલિકના મૃત્યુ સાથે જો વંશ-વારસદારો આવડત વિનાનાં હોય તો ધંધો બંધ પડી જાય છે.
(2) ભાગીદારી પેઢી : કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે. ભાગીદારીના ધારા અનુસાર બૅન્કિંગ સિવાયના ક્ષેત્રમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ વીસ હોય છે. બૅન્કિંગ-ક્ષેત્રમાં મહત્તમ સંખ્યા દશની છે. નફો અથવા નુકસાન ભાગીદારો કરાર પ્રમાણે વહેંચે છે. લેવામાં આવતા નિર્ણય માટે ભાગીદારો વૈયક્તિક અને સંયુક્ત રીતે જવાબદાર હોય છે. ભાગીદારો વચ્ચે કરાર અનુસાર કાર્યની વહેંચણી થાય છે તે જ પ્રમાણે કોઈ ભાગીદાર મૂડી લાવે છે તો કોઈ પોતાની સૂઝનો લાભ ધંધાને આપે છે. કોઈક વ્યક્તિ પોતાનું નામ પેઢીને આપે છે. આમ જુદા જુદા ભાગીદારનાં કૌશલ્ય અને નાણાકીય સ્રોતોના સમન્વયથી ભાગીદારી ધંધાનો વ્યાપ વૈયક્તિક માલિકીના ધંધાના વ્યાપ કરતાં વિશાળ હોય છે.
(3) સંયુક્ત હિસ્સાવાળી કંપની : કંપની ધારા મુજબ સંયુક્ત હિસ્સાવાળી કંપનીની સ્થાપના થાય છે. કંપની શૅર, ડિબેન્ચર તેમજ થાપણો દ્વારા મૂડી મેળવે છે. કંપનીનું સંચાલન બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સ દ્વારા થાય છે. મોટાભાગની કંપનીના માલિકો શૅરહોલ્ડરો છે કે જેઓની જવાબદારી તેમણે રોકેલ શૅર રકમ જેટલી જ મર્યાદિત હોય છે. મત આપવાનો અધિકાર શૅરદીઠ હોય છે.
ઓગણીસમી સદીના અંતિમ ચતુર્થાંશ અને 20મી સદીના પ્રથમ ચતુર્થાંશમાં વિદેશોમાં કંપનીઓએ અંદરોઅંદરની હરીફાઈ ટાળવાનું નક્કી કર્યું. (i) તેઓ એકત્રીકરણ (merger) કરીને તથા (ii) નિયંત્રક કંપની (holding company) દ્વારા નિયંત્રિત કંપની (subsidiary company) ઉપર કાબૂ મેળવીને ઉત્પાદનક્ષેત્રે બળવત્તર બનવા માંડ્યાં. પરિણામે યુરોપમાં શસ્ત્રસરંજામ-ક્ષેત્રે નોબેલ ડાઇનામાઇટ ટ્રસ્ટ (1886); સૂતર-ક્ષેત્રે જે. ઍન્ડ પી. કોટસ (1890), રસાયણ-ક્ષેત્રે ઇમ્પિરિયલ કેમિકલ્સ (1926), ઔષધક્ષેત્રે યુનિલીવર (1929) અને અમેરિકામાં ખનીજતેલ-ક્ષેત્રે સ્ટાન્ડર્ડ ઑઇલ (1879), પોલાદ-ક્ષેત્રે યુનાઇટેડ સ્ટેટ્સ સ્ટીલ કૉર્પોરેશન (1901) જેવાં રાક્ષસી કદનાં ટ્રસ્ટ (trust) અને કાર્ટર (carter) અસ્તિત્વમાં આવ્યાં.
(ખ) નફાના પ્રાથમિક હેતુ સિવાયની દૃષ્ટિવાળાં સાહસો : (1) જાહેર સાહસ : જ્યારે ધંધામાં મૂડી વધારે જોઈતી હોય, જોખમ વધુ હોય, મૂડી પર લાંબે ગાળે વળતર મળવાની શક્યતા હોય, નવાં વણખેડાયેલાં ક્ષેત્રોમાં પ્રવેશ કરવો હોય, સરકારના હેતુઓને સિદ્ધ કરવા હોય તેવા સંજોગોમાં સરકાર જાહેર સાહસોનાં એકમો સ્થાપે છે. રેલવે, તાર-ટપાલ, જાહેર સાહસનાં ઉદાહરણ છે.
(2) સહકારી મંડળી : પોતાનાં આર્થિક હિતોના રક્ષણ માટે ભેગા થઈને ચોક્કસ વર્ગના લોકો માટે સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવી છે. સહકારી મંડળીના ધારા મુજબ મંડળીનું સંચાલન થાય છે. ગૃહનિર્માણ-ક્ષેત્રે, ખેતી-ક્ષેત્રે આવી મંડળીઓ કાર્યરત છે. આ સાહસમાં માથાદીઠ મત આપવાનો અધિકાર હોય છે. આમ મંડળીમાં પૈસાનું નહિ પણ વ્યક્તિનું મહત્વ જોવા મળે છે. આવી મંડળીનું સંચાલન લોકશાહી રીતે થાય છે.
(ગ) સંયુક્ત સાહસ : ખાનગી સાહસ અને જાહેર સાહસના વધુ લાભ લેતું અને બંનેની મર્યાદાઓ દૂર કરતું સ્વરૂપ સંયુક્ત સાહસ છે. આ સાહસના એકમો પર સરકારનું પ્રભુત્વ હોય છે. પ્રભુત્વ જાળવવા જેટલી મૂડી રોકવી પડે તેટલી સરકાર રોકે છે. બાકીનું મૂડીરોકાણ ખાનગી વ્યક્તિઓ દ્વારા થાય છે. સરકાર તરફથી મૂડીનો તેમજ ખાનગી સાહસની કાર્યક્ષમતાનો પણ અહીં લાભ મળે છે. ખાનગી સાહસના સંયુક્ત હિસ્સાવાળી મંડળીની જેમ ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર્સ કંપની લિમિટેડ જેવાં અને સહકારી મંડળીની જેમ ક્રિભકો જેવાં બે પ્રકારનાં સંયુક્ત સાહસો અસ્તિત્વમાં આવેલાં છે.
અશ્વિની કાપડિયા