વ્યાપારી બૅન્ક
January, 2006
વ્યાપારી બૅન્ક : વ્યાપારક્ષેત્રે જરૂરિયાતમંદને ધિરાણ કરતી બૅન્ક. બૅન્કોનાં મુખ્ય કાર્યોમાં થાપણો સ્વીકારવાનું અને ધિરાણ આપવાનું છે. સમાજના કોઈ પણ વર્ગના લોકો થાપણ મૂકે તેમાં બૅન્કને વિશિષ્ટ કૌશલ્ય અને માહિતીની જરૂર પડતી નથી; પરન્તુ ધિરાણ આપવાના કામમાં બૅન્કે વિવિધ વ્યવસાયના, વિવિધ ક્ષેત્રના અને વિવિધ હેતુઓ ધરાવનારાં સાથે વ્યવહાર કરવા પડે છે. બધી બૅન્કો આ બધાં વૈવિધ્ય માટે અપેક્ષિત કૌશલ્ય અને માહિતી પ્રાપ્ત કરી શકતી નથી.
અર્થકારણનાં ત્રણ મુખ્ય ક્ષેત્રો છે : (1) કૃષિ, (2) ઉદ્યોગ અને (3) વ્યાપાર. વ્યાપારી ક્ષેત્રને સેવા આપતી બૅન્કો વ્યાપારી અથવા વાણિજ્ય બૅન્કથી ઓળખાય છે. આ ક્ષેત્રમાં બૅન્ક મુખ્યત્વે ટૂંકા ગાળાનું ધિરાણ કરે છે; કારણ કે તેની મોટાભાગની નાણાકીય જરૂરિયાત ટૂંકા ગાળાની હોય છે. થાપણો પરના આપવાના વ્યાજના દર કરતાં વધારે વ્યાજના દરે ધિરાણ કરી નફો કમાવાનો હેતુ આ બૅન્કોનો હોય છે, તેથી તે વ્યાપારી બૅન્કો તરીકે ઓળખાય છે. સેવાક્ષેત્રે ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સૌથી વધારે વેપારીઓને પડે છે. આથી, વેપારીઓ આવી બૅન્કોની સેવાને સૌથી વધારે ઉપયોગમાં લે છે. આથી પણ આ બૅન્કોને વ્યાપારી બૅન્કો તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર બૅન્કિંગ સેવાઉદ્યોગમાં વ્યાપારી બૅન્કોનો સિંહફાળો હોય છે. હવે તો વ્યાપારી બૅન્કો પણ સેવાક્ષેત્રના અમુક વર્ગને જ સેવા આપવા માટે વિશિષ્ટીકરણ કરે છે. આથી, બે વ્યાપારી બૅન્કોનાં કામકાજમાં પણ તફાવત જોવા મળે છે. આમ છતાં વ્યાપારી બૅન્કો થાપણ સ્વીકારવા અને ધિરાણ આપવા ઉપરાંત જે બીજાં વિશિષ્ટ કાર્યો કરે છે તે આ પ્રમાણે છે :
1. ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા;
2. વિદેશી હૂંડિયામણને લગતાં કાર્યો કરવાં;
3. શાખપત્ર આપવા;
4. ટ્રાવેલર્સ ચેક, ડ્રાફ્ટ આપવા;
5. શાખની માહિતી આપવી;
6. ક્રેડિટ-ડેબિટ કાર્ડ આપવાં;
7. બાંયધરી-દલાલ તરીકેની સેવા આપવી;
8. ટેલર સેવા આપવી.
ધિરાણ તો મહદ્અંશે વેપારીઓને કરવામાં આવે જ છે, પરંતુ ઉપરનાં કાર્યોની યાદી પણ દર્શાવે છે કે એ બધાં કાર્યો પણ વેપાર સાથે સંલગ્ન છે. આ યાદી સંપૂર્ણ નથી, કારણ કે અર્થકારણ એટલું સંકુલ થઈ ગયું છે કે વ્યાપારી બૅન્કો અનેકવિધ કાર્યો કરતી થઈ ગઈ છે. મ્યૂચ્યુઅલ ફંડો ચલાવવાથી માંડી સેફ ડિપૉઝિટ વૉલ્ટ જેવી નૉન-બૅન્કિંગ સેવાઓ પણ એમણે આપવા માંડી છે. આ સેવાઓ આપવા માટે બૅન્કની પોતાની શૅરમૂડી અને ચાલુ ખાતાં, બચત ખાતાં અને બાંધી મુદતની થાપણોમાંથી એને નાણાકીય સાધનો મળે છે. વ્યાપારી બૅન્ક હોવાથી એની પાસે સેવિંગ બૅન્ક ખાતાં અને બાંધી મુદતનાં ખાતાં કરતાં ચાલુ ખાતાં વધારે પ્રમાણમાં હોય છે. ચાલુ ખાતાં દ્વારા નાણાકીય વ્યવહારો કરવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી, તેથી વેપારીઓ-ધંધાદારીઓ એમના અનેક ચેક જમા કરાવવા અને સામે અનેક ચેક લખવા માટે આ ખાતાં ખોલવાનું પસંદ કરે છે. વ્યાપારી બૅન્કો દ્વારા ચાલુ ખાતાની સેવા વેપારીઓના માટે સૌથી વધારે અગત્યની હોય છે. એમાંથી બૅન્કોને નાણાકીય સાધનો મળતાં નથી; પરંતુ સેવા આપવાના ખર્ચા નફા સાથે વસૂલ કરી વ્યાપારી બૅન્કો પોતાના વેપારને સુદૃઢ કરે છે. આ બૅન્કોને બચતખાતાં અને બાંધી મુદતની થાપણ દ્વારા ધિરાણ કરવા માટેનાં નાણાકીય સાધનો મળે છે. ઓવરડ્રાફ્ટ, કૅશક્રેડિટ અને લોન દ્વારા વ્યાપારી બૅન્કો ધિરાણ કરે છે. મળતાં નાણાકીય સાધનો કરતાં ઓછી રકમનું ધિરાણ થાય તો આ બૅન્કો બાકીની રકમનું અન્ય સ્થળે રોકાણ કરે છે. આ રોકાણો દ્વારા પણ એ થોડું કમાઈ લે છે, પરંતુ એ સાવચેતી અચૂક રાખે છે કે જ્યારે તે એને વેચી રોકડ મેળવવા માગતી હોય ત્યારે તે તરત મળે. વ્યાપારી બૅન્કોએ નફાકારકતા અને તરલતા વચ્ચે સતત સમતુલા જાળવવી પડે છે. આ જ સંદર્ભે બૅન્કો એકબીજીની તરલતા અને સધ્ધરતા જાળવવા આંતર-બૅન્કિંગ વ્યવહારો પણ કરે છે. આ વ્યવહારોમાં ફરતું નાણું કૉલ-મનીથી ઓળખાય છે. તેના પરના વ્યાજનો દર કૉલ-મની રેટના નામે ઓળખાય છે.
સૂર્યકાન્ત શાહ