વ્યાપારી કંપની
January, 2006
વ્યાપારી કંપની : કોઈ પણ દેશના કંપની અધિનિયમ હેઠળ વ્યાપારી હેતુ માટે નોંધાયેલું નિગમ. એકાકી વેપારી (વૈયક્તિક માલિકી) અને ભાગીદારી પેઢીની જેમ વ્યાપારી કંપની ધંધાદારી એકમોની વ્યવસ્થાનું એક સ્વરૂપ છે. રૂઢિગત રીતે તે વ્યાપારી કંપની તરીકે ઓળખાય છે. વાસ્તવમાં એ ધંધાદારી કંપની હોય છે અને વ્યાપાર અથવા વેપાર નફાના હેતુસર થતાં ખરીદ-વેચાણનો નિર્દેશ કરે છે. ધંધો નફાના હેતુસર થતી કોઈ પણ પ્રવૃત્તિનો નિર્દેશ કરે છે. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે વધારે મૂડી અને મોટાં તંત્રોની જરૂર પડી કે જે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી સંતોષી શકી નહિ. આથી, કંપનીઓની સ્થાપના થઈ હતી. અનેક માણસોએ મૂડી એકત્રિત કરવામાં પોતાનો ફાળો આપ્યો હતો. આ મૂડી પૂરી પાડનારા માલિકો હતા. એમણે પોતાના પ્રતિનિધિઓને કંપનીનું સંચાલન સોંપ્યું હતું. આર્થિક ઇતિહાસમાં પહેલી વાર ખૂબ મોટી સંખ્યાના માલિકો એકમના ધંધાથી અલિપ્ત રહ્યા હતા અને પ્રતિનિધિત્વનો સિદ્ધાંત દાખલ થયો. શરૂઆતમાં જવાબદારી અમર્યાદિત રહી હતી, પરંતુ ધંધાનું કદ મોટું અને ગેરહાજર માલિકોની જવાબદારી અમર્યાદિત હોવાથી કંપનીઓમાં ભારે અરાજકતા ફેલાઈ હતી. ભારત પણ આ અરાજકતાથી બચી શક્યો નહિ. આથી, તેમાં વ્યવસ્થા આણવા ઈ. સ. 1913માં કંપનીનો કાયદો અમલમાં મુકાયો. આ કાયદામાં વખતોવખત અનેક સુધારા થયા, પરંતુ એને બદલે તદ્દન નવો કાયદો 1956માં અમલમાં આવ્યો. આ કાયદામાં પણ અનેક સુધારા-વધારા થયા છે. કાયદાથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કંપની, કાયદાએ સર્જેલી પુખ્ત વયની કૃત્રિમ વ્યક્તિ છે, કંપનીનું સમગ્ર જીવન એટલે કે એનું સંચાલન કાયદા પ્રમાણે જ કરવાનું રહેશે અને કંપની જો મરવા માગતી હશે એટલે કે વિસર્જિત થવા માગતી હશે તો તે પણ કાયદાની જોગવાઈઓ અનુસાર જ વિસર્જિત થઈ શકશે. આમ, વ્યાપારી કંપનીનો કર્તા, હર્તા અને ભોક્તા કાયદો છે.
કંપનીની મૂડી અનેક હિસ્સામાં વહેંચાય છે અને એ હિસ્સાના અનેક માલિકો હોય છે. તેથી તે સંયુક્ત હિસ્સાવાળી કંપનીથી ઓળખાય છે. મૂડીનો પ્રત્યેક હિસ્સો નિશ્ચિત ચોક્કસ રકમનો હોય છે. ભારતમાં અત્યારે મોટાભાગની કંપનીઓનો આવો હિસ્સો રૂ. 10નો છે. હિસ્સાને અંગ્રેજીમાં શૅરથી ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં પણ એ ‘શૅર’ શબ્દ અપનાવી લેવામાં આવ્યો છે. કંપની શરૂ કરનારાઓ સ્થાપકો તરીકે ઓળખાય છે. કંપની કાયદા હેઠળ સ્થાપકોએ જાહેર કરવું પડે છે કે તેઓ કેટલી મૂડીથી ધંધો શરૂ કરવા માગે છે. સક્ષમ અધિકારી તે અથવા તેમાં સુધારો કરીને જે આંકડો નક્કી કરે તે કંપનીની અધિકૃત અથવા તો સત્તાવાર મૂડીથી ઓળખાય છે. આ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ભારતીય કંપનીધારાએ કંપનીની આવી વ્યાખ્યા આપી છે : ‘સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે નિશ્ચિત રકમના શૅરોમાં વિભાજિત થયેલી સત્તાવાર મૂડીવાળી કે જેના શૅર ધારણ કરનારાઓ જ તેના સભ્ય હોય તેવું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ.’
આ વ્યાખ્યા સૂચવે છે કે શૅર ધારણ કરનારા તેના સભ્ય હોય છે એટલે જેની પાસે જેટલા શૅર હોય છે તેટલા મત એને મળે છે. આમ, કંપનીનું સંચાલન વ્યક્તિદીઠ નહિ પરંતુ શૅરદીઠ ચાલે છે. આ વ્યાખ્યાએ શૅરના હસ્તાંતર પર પ્રતિબંધ મૂક્યો નથી તેથી શૅરનાં ખરીદ-વેચાણ થઈ શકે છે. શૅર ધારણ કરનારાની જવાબદારી અંગે વ્યાખ્યા મૌન છે, તેથી સ્થાપકો નક્કી કરી શકે છે કે શૅર ધરાવનારાઓની જવાબદારી શૅરની કિંમત જેટલી મર્યાદિત રાખવી. મોટા ભાગની કંપનીઓના શૅરધારકોની જવાબદારી મર્યાદિત હોય છે. કંપનીના સ્થાપકો શૅરધારકોની સંખ્યા કાયદાએ સૂચવ્યા અનુસાર ઓછી રાખીને તેને કેટલાક શૅરધારકો પૂરતી ખાનગી રાખી શકે છે. કેટલીક કંપનીઓની સ્થાપક અન્ય કંપની હોય છે. અથવા તો કેટલીક કંપનીઓ અન્ય કંપનીઓ પર અસરકારક કાબૂ રાખી શકે છે. કાબૂ રાખનારી કંપની નિયંત્રક કંપની (holding company) અને કાબૂ હેઠળની કંપની નિયંત્રિત કંપની (subsidiary company) તરીકે ઓળખાય છે. કેટલીક વાર સરકાર પોતે પણ કેટલીક કંપનીઓ ઉપર પોતાનો કાબૂ રાખે છે. આવી કંપની સરકારી કંપની કહેવાય છે. કેટલીક કંપનીઓની નોંધણી વિદેશોમાં થઈ હોય છે અને ભારતમાં ધંધો કરે છે તે વિદેશી કંપની તરીકે ઓળખાય છે. ભારતમાં નોંધાતી કંપનીઓ ભારતીય કંપની તરીકે ઓળખાય છે. જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓએ કંપનીઓના પ્રકાર આ રીતે આલેખમાં મૂકી શકાય :
આમ, વિવિધ દૃષ્ટિએ પડતા કંપનીના પ્રકારો દર્શાવે છે કે ધંધાકીય અને અન્ય જરૂરિયાતો અનુસારની કંપની સ્થાપી શકાય છે. શૅર-ધારકોની જવાબદારી મર્યાદિત રાખવાથી અને શૅરનાં ખરીદ-વેચાણ શક્ય હોવાથી જાહેર મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ મોટા પ્રમાણમાં સ્થાપવામાં આવે છે. આ કંપનીઓ મોટા પાયા પરની ધંધાદારી પ્રવૃત્તિઓ કરી શકે છે. આ કંપનીઓ જે અન્ય ડિબેન્ચર, બૉન્ડ જેવા દસ્તાવેજો દ્વારા લાંબા ગાળાનું ધિરાણ મેળવે છે તે પણ ખરીદ-વેચાણપાત્ર બનાવી શકાય છે. પરિણામે, દેવું કરીને પણ જાહેર મર્યાદિત જવાબદારીવાળી કંપની મોટી રકમની લાંબા ગાળાની મૂડી મેળવી શકે છે. આ કંપનીઓના શૅર-ડિબેન્ચરના ખરીદ-વેચાણનાં બજારો ચાલતાં હોય છે. આ બજારો શૅરબજારોના નામે ઓળખાય છે. કંપનીને લગતા વિવિધ મુદ્દાઓ અને અર્થકારણની રાજકારણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શૅરના ભાવ બોલાતા હોય છે. આ ભાવ શૅરની બજારકિંમતથી ઓળખવામાં આવે છે. મૂળ જે કિંમતે કંપનીએ શૅર બહાર પાડ્યા હોય તે શૅરની દાર્શનિક કિંમતથી ઓળખવામાં આવે છે.
અન્ય પ્રકારોમાં સરકારી કંપનીઓ સરકાર પોતાના આર્થિક, સામાજિક અને રાજકીય હેતુસર સ્થાપે છે. મોટાભાગની સરકારી કંપનીઓ અર્થકારણમાં પોતાના ધારેલા પરિવર્તન માટે સરકાર સ્થાપતી હોય છે. ખાનગી કંપનીઓ પણ પોતાના શૅરધારકોની જવાબદારી મર્યાદિત રાખી શકે છે. મર્યાદિત જવાબદારીના લક્ષણથી ખાનગી કંપની ભાગીદારી પેઢીથી જુદી પડે છે. અન્યથા એ મોટા કદવાળું ભાગીદારી પેઢીનું જ સ્વરૂપ છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ભાગ્યે જ અસ્તિત્વમાં આવે છે; જ્યારે જવાબદારી અમર્યાદિત હોય ત્યારે વધારે જોખમોવાળા અને મોટા કદના ધંધા કરી શકતા નથી. આથી, તેની સંખ્યા નહીંવત્ હોય છે. કેટલીક કંપનીઓ અનેક ધંધાકીય કારણોસર કેટલીક પ્રવૃત્તિઓ અન્ય કંપનીઓનાં નામે કરવા માગતી હોય છે. ભલે તેવી કંપનીઓનું અલગ વ્યક્તિત્વ કાયદાથી પ્રાપ્ત થાય પરંતુ તેના પર વર્ચસ્ રાખનારી કંપનીઓ પોતાના હેતુઓને સિદ્ધ કરે છે. વિદેશોમાં સ્થપાયેલી કંપનીઓ જ્યારે ભારતમાં ધંધો કરે છે ત્યારે એમણે ધંધાકીય કાયદા અને રીતરિવાજો ભારતના પાળવાના હોય છે; પરંતુ એમની વ્યવસ્થા વિદેશના મુખ્ય મથકેથી થાય છે. તેથી ભારતમાં નોંધાયેલી હોવા છતાં સામાન્ય રીતે આ કંપનીઓ વિદેશી કંપનીઓ તરીકે જ ઓળખાય છે.
સૂર્યકાંત શાહ