વ્યાપારવાદ
January, 2006
વ્યાપારવાદ : મધ્યયુગમાં મહત્તમ નિર્યાત અને ન્યૂનતમ આયાત દ્વારા સોના જેવી બહુમૂલ્ય ધાતુઓનો સંગ્રહ કરી રાષ્ટ્રને સમૃદ્ધિ બક્ષવા યુરોપના દેશોએ અપનાવેલી વિચારસરણી.
સોળથી ઓગણીસમી (1501થી 1900) સદીઓના સમયમાં સામંતશાહી યુગમાં રાજા, સામંતો, મહાજનો, ખેતમજૂરો તથા પ્રજા સ્થાનિક આત્મનિર્ભરતાથી જીવન ગુજારતાં હતાં. સ્થાનિક કૃષિ ઉત્પાદનો – કપાસ અને તમાકુ જેવા રોકડિયા પાકનો ઉપયોગ કરનાર ઉદ્યોગોનો અભાવ હતો. સામંતો સ્થાનિક વિસ્તાર પર હકૂમત ધરાવતા અને પરસ્પર ઝઘડતા રહેતા. એક શહેરનું મહાજન બીજાં મહાજનોની ઈર્ષ્યા અને વ્યાપારમાં વિઘ્નો ઊભું કરતું. સામંતો તથા સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ પાસેથી ખંડણી ઉઘરાવી રાજાઓ મોજ કરતા. સમગ્ર વહીવટ પર કોઈનો અંકુશ ન હતો. રાષ્ટ્રીય તેમજ સ્થાનિક સ્તરે સુયોજિત આર્થિક નીતિઓનો અભાવ હતો.
તે સમયે 1492માં કોલમ્બસે દક્ષિણ અમેરિકામાં કરેલી સોના-ચાંદીની ખાણોની શોધે અને 1497માં વાસ્કો-દ-ગામાએ કરેલી ભારત જવાના જળમાર્ગની શોધે યુરોપની પ્રજામાં વિદેશવ્યાપાર દ્વારા સમૃદ્ધ થવાની અભિલાષા જાગ્રત કરી. દરમિયાન ઇટાલીના ફ્લોરેન્ટાઇનના મુત્સદ્દી નિકોલો મૅકિયાવેલીએ ‘પ્રિન્સ’ નામના તેના ગ્રંથમાં અને ફ્રાન્સના જીન બોડિને પરગજુ પણ શક્તિશાળી રાજાના દૃઢ વહીવટ નીચે રાષ્ટ્રવાદ અને તેનું મહત્વ દર્શાવતા લેખો પ્રકાશિત કર્યા હતા. આ નવીન વિચારોએ રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપ્યું. ઇંગ્લૅન્ડમાં સાતમા હેન્રીએ ટ્યૂડર વંશની સ્થાપના કરી અને ઇલિઝાબેથ યુગના આપખુદ વહીવટ અને સંસ્થાનો સ્થાપવાનાં સાહસોએ અંગ્રેજ રાષ્ટ્રવાદને જન્મ આપ્યો. ફ્રાન્સમાં હેન્રી IV(1589-1610)એ ઉમરાવો પાસેથી સત્તા છીનવી લીધી હતી. લુઈ XIV(1643-1715)ના સમયમાં ફ્રેન્ચ રાષ્ટ્રવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. ફ્રેડરિક વિલિયમે (1640-1688) પ્રશિયા(હાલનું જર્મની)માં કેન્દ્રીય શાસનની સ્થાપના કરી હતી. પવિત્ર રોમન સામ્રાજ્યનો ભાગ હોવા છતાં પણ સ્પેનના રાજાએ ઉમરાવો પર અંકુશ મેળવી સશક્ત નેતાગીરી પૂરી પાડી હતી.
વિદેશવ્યાપારે નૂતન રાષ્ટ્રો વચ્ચે સક્રિય હરીફાઈને ઉત્તેજન આપ્યું. રાષ્ટ્રના સ્વાભિમાન માટે રાષ્ટ્રનું મહત્વ આવશ્યક બની ગયું. સામંતો વચ્ચેના ઝઘડાનું સ્થાન રાષ્ટ્રોએ લીધું. સામંતશાહી યુગમાં સીમિત પુરવઠાને કારણે સોના-ચાંદીનો ઉપયોગ અલંકારો તથા વિશિષ્ટ વસ્તુઓ માટે જ કરવામાં આવતો હતો; પરંતુ તેની ગણનાપાત્ર જથ્થામાં થયેલી ઉપલબ્ધિએ તેને વિનિમયનું માધ્યમ બનાવ્યું. તેમાંથી અદ્યતન નાણાવ્યવસ્થાનો જન્મ થયો.
આર્થિક પરિવર્તનોમાંથી ઉદ્ભવેલી ધાર્મિક સુધારણા અને સાંસ્કૃતિક પુનરભ્યુદયની ક્રાંતિકારી વિચારસરણી સમકાલીન યુરોપમાં ફેલાઈ ગઈ. ધાર્મિક સુધારણાએ કૅથલિક ચર્ચની માન્યતાઓ અને આધિપત્ય સામે બળવો ઘોષિત કર્યો. કૅથલિક ધર્મ ભૌતિક વસ્તુઓ અને ધનની અનાસક્તિને મહત્વ આપતો હતો; જ્યારે પ્રૉટેસ્ટન્ટોએ ધર્મનું તર્કસંગત અર્થઘટન કરી વ્યક્તિના જીવનમાં નાણાંની અગત્ય, આર્થિક ઉપાર્જન તથા બચતને મહત્વ આપ્યું હતું. મનુષ્યના વિકાસ માટે આવશ્યક મિલકતની માલિકીની તેમજ ધર્મની પસંદગી બાબતમાં વ્યક્તિસ્વાતંત્ર્યને અગ્રતા આપી હતી. સામંતશાહી યુગમાં રાજાઓ પોપને વફાદાર રહેતા અને પોપ આધ્યાત્મિક તેમજ રાજકીય બાબતોમાં હસ્તક્ષેપ કરતા રહેતા. પ્રૉટેસ્ટન્ટ ધર્મે પોપની સત્તા અમાન્ય કરી પોતાનાં અલગ દેવળોની સ્થાપના કરી. ઇંગ્લૅન્ડના હેન્રી VIII-એ દેવળોની મિલકતનો કબજો લઈ નૂતન રાષ્ટ્રીય ધર્મ ‘ચર્ચ ઑવ્ ઇંગ્લૅન્ડ’ની સ્થાપના કરી અને પોતાને તેના વડા તરીકે જાહેર કર્યા. યુરોપના વ્યાપારી વર્ગોએ આ નૂતન ધર્મોને આવકાર્યા હતા.
પુનરભ્યુદય એ પ્રૉટેસ્ટન્ટ ધર્મે અપનાવેલ નૂતન પ્રકાશ અને જ્ઞાનની ચળવળ હતી. મનુષ્યને આ જન્મમાં ભોગવવાં પડેલાં દુ:ખોનો બદલો સ્વર્ગના સુખથી મળશે તેવી મધ્યયુગની માન્યતાને બદલે નૂતન ધર્મે મનુષ્યના પૃથ્વી પરના અસ્તિત્વને મહત્વનું ગણ્યું. વ્યક્તિને સ્વાતંત્ર્ય બક્ષતી નૂતન વિચારસરણીથી જનતાની સર્જનાત્મક શક્તિનો ફેલાવો સારા યુરોપમાં પ્રસરી ગયો. લેખકો, દાર્શનિકો, કલાકારો વગેરેએ પુરાણા ખ્રિસ્તી આદર્શોને તિલાંજલિ આપી જ્ઞાનની નવી ક્ષિતિજોની શોધમાં માનવતાના આદર્શોને અનુસરી તે મુજબનાં સાહિત્ય અને કલા પ્રદર્શિત કરવાનો આરંભ કર્યો. ઈસુ ખ્રિસ્તના સમય પહેલાંના ગ્રીક દાર્શનિક ઍરિસ્ટોટલની ફિલસૂફીનો અભ્યાસ કરી તેમનાં મંતવ્યોને નૂતન વિચારસરણીમાં ઢાળવામાં આવ્યાં. માનવતાવાદના સંસ્થાપક દાર્શનિક ઇરેસ્મસ, બેકન તથા રેબઈલાસ, લિયૉનાર્દો-દ-વિન્ચી અને માઇકલૅન્જેલો જેવા કલાકારો; કૉપરનિકસ, કૅપ્લર અને ગૅલિલિયો જેવા વૈજ્ઞાનિકોએ પરાધીનતામાંથી બહાર આવેલી યુરોપની પ્રજાને નૂતન દૃષ્ટિકોણ આપ્યો. તે જ સમયે થયેલ છાપકામની શોધે નવીન આદર્શો તેમજ જ્ઞાનના પ્રસારણમાં અગ્ર ફાળો આપ્યો.
સદીઓની ગાઢ નિદ્રા પછી યુરોપના દેશો નૂતન આદર્શો અને દૃષ્ટિ સાથે મધ્યયુગના અંધકારમાંથી નીકળી આર્થિક વિકાસ સાથે સમૃદ્ધિ એકત્ર કરતા હતા. તેમણે નિર્યાતમાં વૃદ્ધિ અને આયાતમાં કમી દ્વારા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવાની નીતિઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આમ રાષ્ટ્રને સમૃદ્ધ કરવા માટે પ્રયોજવામાં આવેલી આંતરિક તેમજ વિદેશી આર્થિક નીતિઓ વ્યાપારવાદ તરીકે પ્રચલિત થઈ.
ઉદ્યોગો માટે કાચા માલનો પુરવઠો નિમ્ન કિંમતે નિયમિત મળતો રહે તથા તૈયાર માલ માટે બજાર મળે તે માટે નબળા દેશોમાં સંસ્થાનોની સ્થાપનાને ઉત્તેજન આપવામાં આવ્યું હતું. આયાતમાં ઘટાડો કરવા કૃષિ-ઉત્પાદન તથા મત્સ્ય-ઉદ્યોગને પ્રોત્સાહનો અને આયાતવેરા દ્વારા આરક્ષણ આપવામાં આવ્યું હતું. આયાત-નિર્યાત થતા સઘળા માલ માટે, લશ્કર તથા યુદ્ધની સામગ્રીના પરિવહન માટે વહાણવટાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. નિર્યાત માટે પરિવહનનો ખર્ચ વેઠી શકે તેવી વસ્તુઓના ઉત્પાદનમાં વૃદ્ધિ, કુશળ કારીગરોને આકર્ષવા ધાર્મિક સહિષ્ણુતા, રાહતદરે ધિરાણ-વ્યવસ્થા, વિનિમય માટે હૂંડીની સવલત વગેરે પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યાં હતાં.
નૂતન અર્થવ્યવસ્થામાં સઘળો વિનિમય નાણાં દ્વારા જ થતો હતો. વેરો ઉઘરાવવા માટે નાણાં જ ઉપયોગી માધ્યમ હતું. યુદ્ધની સામગ્રી, લશ્કરને પગાર, વહાણવટું વગેરેને માટે સારી એવી નાણાંની આવશ્યકતા રહેતી હતી. વળી તેજાના, રેશમ વગેરે કીમતી ચીજો નાણાં દ્વારા જ ખરીદી શકાતી હતી. તેથી યુરોપના દેશોનું એક જ સૂત્ર હતું : ‘નાણાં, નાણાં ને વધુ નાણાં અને સોનાચાંદીના સંગ્રહ દ્વારા સમૃદ્ધિ.’ સમયાંતરે આર્થિક સમૃદ્ધિએ યુરોપના દેશોની આર્થિક સ્થિતિ સક્ષમ બનાવી. ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ મેળવવા ઔદ્યોગિકીકરણને મહત્વ આપ્યું. ઔદ્યોગિક મૂડીવાદે પ્રચ્છન્નતાથી સામ્રાજ્યવાદને જન્મ આપ્યો.
મધ્યયુગનો વ્યાપારવાદ કોઈ એક નિશ્ચિત વિચારસરણી કે નીતિ ન હતી; પરંતુ વિદેશવ્યાપાર દ્વારા સમૃદ્ધિ મેળવવાનો મૂડીવાદી ઉમરાવો, વ્યાપારીઓ અને કારભારીઓનો વાસ્તવદર્શી અભિગમ હતો. દરેક દેશ પોતાની આવશ્યકતા અનુસાર સાનુકૂળ વ્યાપારતુલા ઉપલબ્ધ કરવા વિવિધ પદ્ધતિઓ અપનાવતો હતો. ફ્રાન્સમાં જીન બૅપ્ટિસ્ટ કૉલ્બર્ટ (Jean Baptist Colbort) નામના રાજનીતિજ્ઞની દોરવણી હેઠળ સહાયરૂપ યોજનાઓ, આંતરિક ઉત્પાદન, નિર્યાતમાં વૃદ્ધિ માટે ઉદ્યોગ-સ્થળોની પસંદગી, ઉત્પાદન-પદ્ધતિ, માલની ગુણવત્તા, માલિક-કામદાર સંબંધો વગેરેને અગ્રતા આપવામાં આવી હતી. વિદેશવ્યાપારમાં વૃદ્ધિ માટે ફ્રેન્ચ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. પ્રશિયા(હાલનું જર્મની)એ ફ્રેડરિક વિલિયમની આગેવાની નીચે વ્યાપારી તકોની તૈયાર કરેલ સૂચિ અનુસાર વિવિધ ઉદ્યોગોની સ્થાપના, પરદેશીઓને ઉદ્યોગો સ્થાપવા પ્રોત્સાહન અને આયાત-નિર્યાતના દૃઢ પાલનને મહત્વ આપ્યું હતું. સ્પેન પાસે મેક્સિકો અને દક્ષિણ અમેરિકાની સોનાની ખાણો હતી. તેથી તેમણે બહુમૂલ્ય ધાતુઓના સંગ્રહમાં વૃદ્ધિની નીતિને પ્રાધાન્ય આપ્યું; પરંતુ દેશની અંદરની પ્રગતિ પ્રત્યે ખાસ ધ્યાન આપ્યું ન હતું. હોલૅન્ડે પોતાના પ્રખ્યાત વહાણવટાના વિકાસને અગ્રતા આપી હતી. દેશનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર મુક્ત હતો; પરંતુ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી મોટી કંપનીઓએ વિદેશવ્યાપાર સાથે સંસ્થાનોની સ્થાપના પણ કરી હતી. ઇંગ્લૅન્ડમાં ટ્યૂડર શાસન દરમિયાન આંતરિક ઉત્પાદન પરના અંકુશોને મહત્વ અપાયું હતું. ઇલિઝાબેથના શાસન દરમિયાન કારીગરોને શિક્ષણ આપવાની નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. આરંભમાં આંતરવિગ્રહે અંકુશોમાં વિક્ષેપ પાડ્યો હતો; પરંતુ 1688માં પાર્લમેન્ટ સર્વોપરી પુરવાર થતાં સાચા અર્થમાં ધનિક જમીનદારો અને વ્યાપારીઓના હાથમાં સત્તા આવી. ઇંગ્લૅન્ડના વ્યાપારવાદના મુખ્ય પુરસ્કર્તા, ભારતમાં સંસ્થાન સ્થાપનાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક ટૉમસ મુન હતા. ઇંગ્લૅન્ડે નિર્યાતમાં વૃદ્ધિ કરવા માટે સંસ્થાનોની સ્થાપના અને વહાણવટાના કાયદાઓને પ્રાધાન્ય આપ્યું હતું.
વ્યાપારવાદ આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો હિસ્સો ન હતો. વિશ્વના સઘળા દેશો બહુમૂલ્ય ધાતુનો સંગ્રહ કરવા સક્ષમ પણ ન હતા. તેમની તો ફક્ત યુરોપના કેટલાક ઊગતા દેશો માટે સંસ્થાનોની સ્થાપના દ્વારા સમૃદ્ધિ મેળવવાની પદ્ધતિ હતી. તે નૂતન રાષ્ટ્રવાદ અને સંસ્થાનવાદને અભિવ્યક્ત કરવાનું સાધન હતું. વ્યાપારવાદનો નિષ્કર્ષ નબળા દેશોમાંથી શક્ય તેટલી બહુમૂલ્ય ધાતુ પ્રાપ્ત કરી. સ્વદેશમાં ઉદ્યોગોની સ્થાપના કરી. સંસ્થાનોને કાચા માલનો પુરવઠો પૂરો પાડનાર અને તૈયાર માલનું બજાર બનાવીને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવાનો હતો. તે માટે સંસ્થાનો સાથે જીવનદોરી સમાન વિદેશવ્યાપાર અને વહાણવટાનાં સાધનોને અખંડિત રાખવા, તેમાં દખલ ન સાંખી લેવા અને જરૂર પડે તો પોતાના હિત માટે યુદ્ધ કરવા તત્પર રહેવાનો હતો; આમ ઔદ્યોગિક મૂડીવાદનું પૂર્ણ સામ્રાજ્યવાદમાં પરિવર્તન થતું હતું.
વ્યાપારવાદ બહુમૂલ્ય ધાતુઓને અતિશય મહત્વ આપતો હતો. કારણ કે તે ઉદ્યોગ-વ્યાપારને સરળતાથી કાર્યક્ષમ રાખતું પરિબળ હતું અને યુદ્ધ માટે આવશ્યક સાધન-સામગ્રી મેળવી આપતું હતું. નાણું યુદ્ધનું પીઠબળ હતું. યુરોપના દેશો બહુમૂલ્ય ધાતુ દ્વારા રાષ્ટ્રની અર્થવ્યવસ્થા સક્ષમ કરવા કાર્યશીલ હતા; પરંતુ જે સોના-ચાંદીનો સંગ્રહ જનતાની આર્થિક પ્રવૃત્તિઓ અને જનકલ્યાણને અગ્રતા ન બક્ષી શકે તેનો શો ઉપયોગ ? અદ્યતન અર્થશાસ્ત્રીઓએ સોનાને સંગ્રહ કરવાની ચીજને બદલે તેને ઉત્પાદનમાં વૃદ્ધિ કરી જનતાને વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનું સાધનમાત્ર ગણ્યું છે.
જાણીતા અર્થવિદ જે. એમ. કેઇન્સે વ્યાપારવાદમાંથી કેટલાક મૂળભૂત સિદ્ધાંતો તારવ્યા છે. તેમના મંતવ્ય અનુસાર નાણાં ફક્ત વિનિમયનું સાધન જ નથી, પરંતુ મૂલ્યનું સંગ્રાહક પણ છે. વિપુલ મૂડીરોકાણ માગની વિકાસશીલ અર્થવ્યવસ્થા માટે આવશ્યક મૂડીસંચય માત્ર ગણનાપાત્ર નાણાંમાંથી જ મેળવી શકાય છે. મૂડીનો સાચો લાભ તો વિદેશવ્યાપાર દ્વારા કમાયેલ નાણાંમાંથી ખરીદી શકાતી ઉપભોગની વિવિધ વસ્તુઓ છે. નાણાં એ ધન નથી, પરંતુ રાષ્ટ્રીય સંપત્તિનું એક આવશ્યક અંગ છે. વધુ નાણાં એટલે વ્યાજનો નીચો દર અને નીચો દર એટલે વધુ વ્યાપાર. મંદીના સમયમાં અર્થતંત્રને પ્રોત્સાહન પૂરાં પાડવા નાણાંનું અવમૂલ્યન કરી, વસ્તુની કિંમતોમાં વૃદ્ધિ કરી ઉત્પાદન તેમજ રોજગારીમાં વધારો ઉપલબ્ધ કરવો આવશ્યક છે.
વ્યાપારનાં અદ્યતન સાધનોમાં વ્યાપાર-ઉદ્યોગ વગેરેની માહિતીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. વિલિયમ પેટ્ટી અને જર્મન કારમેલ જેવા આંકડાશાસ્ત્રનું મહત્વ સમજનાર હોવા છતાં પણ વ્યાપારવાદના સમયમાં આવશ્યક આંકડાકીય માહિતી એકત્ર કરવા તેનું વિશ્લેષણ અને અર્થઘટન કરી આર્થિક નીતિઓનું આયોજન કરવાની કોઈ વ્યવસ્થા ન હતી. અદ્યતન આર્થિક અને સામાજિક અંકુશોના લક્ષ્યનો અભાવ હતો.
વ્યાપારવાદીઓને અદ્યતન સમયના સૌપ્રથમ અર્થશાસ્ત્રીઓ કહી શકાય. તેમને માટે અર્થસંચય રાષ્ટ્રીય સાર્વજનિક નીતિઓની પરિપૂર્ણતા માટેનું સાધન હતું. તેઓ આર્થિક નિયંત્રણની સમસ્યાઓ; જેવી કે જકાત, મૂડીરોકાણ, રોજગારી, વસ્તીનિયંત્રણ, રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં નાણાંની ભૂમિકા વગેરેને મહત્વ આપતા હતા. આમ છતાં 1929ની વિશ્વમંદી અને બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી ઇંગ્લૅન્ડ અને અમેરિકાએ સોનાના જથ્થાનો સંગ્રહ, જકાત દ્વારા અંકુશ, મૂડીનું અવમૂલ્યન, ઉત્પાદકોને સહાય વગેરે નીતિઓ અપનાવી, આર્થિક સમસ્યાના નિરાકરણ માટે તેમનો ઉપયોગ કર્યો હતો. તેવી જ રીતે વિદેશવ્યાપાર કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન કરતાં વધુ યોગ્ય વ્યવસાય છે તે ભૂલભરેલું છે, કારણ કે ઉત્પાદનમાં વૃદ્ધિ કરતા સઘળા વ્યવસાયો સમાન અગત્ય ધરાવે છે અને કોઈ પણ એકમાં ફેરફાર બીજાને અસરકર્તા હોય છે.
વીસમી સદીનો વ્યાપારવાદ મધ્યયુગના વ્યાપારવાદ કરતાં ભિન્ન છે; કારણ કે તેમની આર્થિક નીતિઓ નાગરિકોના કલ્યાણ માટે સામાજિક આયોજનના આદર્શો લક્ષમાં રાખીને ઘડવામાં આવે છે, જ્યારે મધ્યયુગના વ્યાપારવાદનું ધ્યેય બહુમૂલ્ય ધાતુના સંગ્રહ દ્વારા સમૃદ્ધિ હાંસલ કરવાનું જ હતું.
જિગીષ દેરાસરી