વ્યવસ્થા-વિશ્લેષણ
January, 2006
વ્યવસ્થા–વિશ્લેષણ : ઔદ્યોગિક એકમમાં વ્યવસ્થાતંત્રની મદદથી થયેલા ઉત્પાદન/ઉત્પાદિત કાર્યને લક્ષમાં રાખીને વ્યવસ્થાતંત્રની કાર્યદક્ષતા અને અસરકારકતાનું કાર્યસિદ્ધિના સંદર્ભમાં પૃથક્કરણ કરવાની પદ્ધતિ. સંચાલકે અધિકારીઓ પાસેથી રાખેલી કાર્યની અપેક્ષા અને તેમણે કરેલા ખરેખરા કાર્યની સરખામણી કરીને ઔદ્યોગિક એકમની કાર્યસિદ્ધિની મુલવણી સમયાંતરે કરવામાં આવે છે. જો અધિકારીઓ સારી રીતે કામ ન કરે તો કાર્યસિદ્ધિ અને ધ્યેયપ્રાપ્તિમાં નિષ્ફળતા મળે છે. કાર્યસિદ્ધિનું મૂલ્યાંકન કરવા માટે જુદી જુદી કસોટીઓ હોય છે; પરંતુ તેમનામાંથી કાર્યદક્ષતા અને અસરકારકતા – એમ બે કસોટીઓ વધારે મહત્વની છે. કાર્ય યથોચિત કરાવવાની શક્તિને વ્યવસ્થાતંત્રની કાર્યદક્ષતા કહેવાય છે. તેનો સંબંધ નિક્ષેપ (input) અને ઉત્પાદન (output) સાથે છે. ઔદ્યોગિક એકમમાં કાચા-માલના વપરાશ અને તૈયાર માલની માત્રા સરખાવીને કાર્યદક્ષતા માપી શકાય છે. કાચો માલ મજૂરો અને ઉત્પાદન કરવામાં લાગેલા સમયને અનુરૂપ ઉત્પાદન હાંસલ કરી શકાય તો વ્યવસ્થાતંત્ર કાર્યદક્ષ મનાય છે. અસરકારકતા કાર્યદક્ષતા કરતાં ઊલટી કસોટી છે. યોગ્ય અને ઉચિત એટલે કે બજારમાં મોટા પ્રમાણમાં વેચી શકાય એવા માલનું જ ઉત્પાદન કરવાની પસંદગી કરી શકે તેવું વ્યવસ્થાતંત્ર અસરકારક કહેવાય છે. જો સંચાલક અયોગ્ય અને અનુચિત માલનું ઉત્પાદન કરે તો વ્યવસ્થાતંત્ર બિનઅસરકારક કહેવાય છે. ઉદાહરણ તરીકે નાની મોટરકારોની માગ વધારે અને વધારે થતી હોય છતાં મોટી મોટરકારોનું ઉત્પાદન કરવામાં આવે તો ભલે ને મહત્તમ કાર્યદક્ષતાથી મોટી મોટરકારો ઉત્પાદિત કરવામાં આવી હોય છતાં વ્યવસ્થાતંત્ર બિનઅસરકારક કહેવાય છે. ગમે તેવા ઊંચા સ્તરની કાર્યદક્ષતા પણ અસરકારકતાની ન્યૂનતામાંથી ઉદ્ભવેલા નુકસાનને ભરપાઈ કરી શકતી નથી. આમ કાર્યદક્ષતા મહત્વની છે, પરંતુ અસરકારકતા નિર્ણાયક પરિબળ છે. તૈયાર માલનું કેવી સારી રીતે ઉત્પાદન કરવું તેના કરતાં કેવા યોગ્ય અને ઉચિત તૈયાર માલનું ઉત્પાદન કરવું તે વ્યવસ્થાતંત્રની કાર્યસિદ્ધિ માટે સુસંગત પ્રશ્ર્ન છે. કદાપિ ન કરવા જેવું કાર્ય વધારે અને વધારે સારું થાય તેવી રીતે કર્યાં કરવું તે દુષ્પ્રલોભન છે અને ઔદ્યોગિક એકમ માટે પરિણામે હાનિકારક છે.
જયન્તિલાલ પો. જાની