વ્યવસ્થાતંત્ર : ઉદ્યોગમાં ઉત્પાદનના કાર્યને ઓળખીને તથા તેનું ઉપકાર્યોમાં વિભાજન કરીને જવાબદાર અધિકારીઓ તથા તેમના હાથ નીચેના કર્મચારીઓની મદદથી પ્રત્યેક ઉપકાર્ય અસરકારક રીતે અને સંપૂર્ણ કાર્ય લઘુતમ ખર્ચે કરાવી શકાય તેવા સત્તા-સંબંધોની સ્થાપના. ઔદ્યોગિક એકમોમાં તૈયાર માલનું ઉત્પાદન પ્રબંધ-પ્રથાના વ્યવસ્થાતંત્રની મદદથી કરવામાં આવે છે. આ પ્રથા મુજબ ઉત્પાદનના અંતિમ એકમનું જુદાં જુદાં ઉપકાર્યોમાં વિભાજન કરવામાં આવે છે. ઉપકાર્યોની એક પછી એક એવી નિશ્ચિત ગોઠવણી કરવામાં આવે છે. પ્રત્યેક ઉપકાર્યના ઉત્પાદન માટે જુદા જુદા વિભાગો સ્થાપવામાં આવે છે. ઉપકાર્યના અમલ માટે અધિકારીઓની આવડત, લાયકાત અને શક્તિ લક્ષમાં રાખીને તેમને અધિકાર આપવામાં આવે છે. સોંપેલું કાર્ય કરવામાં સમજફેર ના થાય તે માટે પ્રબંધ-પ્રથા-પુસ્તિકા (તંત્રનિયમાવલી – manual) તૈયાર કરવામાં આવે છે. બધા અધિકારીઓ સહકારથી કામ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. તેમના હોદ્દાઓનું ઊર્ધ્વ, સમકક્ષ અને નિમ્ન – એમ ત્રિવિધ પ્રકારનું સંકલન કરવામાં આવે છે અને કોઈ પણ અધિકારી સોંપેલા કાર્યમાં ક્ષતિ કરે તો તેને જવાબદાર ઠરાવવામાં આવે છે.

પ્રબંધ-પ્રથાનું માળખું કાચા માલનો બગાડ ઓછામાં ઓછો થાય તથા ઉત્પાદનખર્ચ નિશ્ચિત મર્યાદા ઓળંગે નહિ તેવું હેતુલક્ષી હોવું જોઈએ. અધિકારીઓની સત્તાનો દોર ઉપરથી નીચે વણતૂટ્યો અને તાબેદારીની સાંકળ નીચેથી ઉપર જાય તેવાં હોવાં જોઈએ. ભવિષ્યમાં સરકારી કાયદાઓમાં ફેરફાર થાય અથવા પરિસ્થિતિ બદલાય તો પ્રબંધ-પ્રથા નવી પરિસ્થિતિને અનુરૂપ થાય તેવી લચીલી હોવી જોઈએ. કોઈ પણ ઔદ્યોગિક સાહસનું મગજ સંચાલન છે અને શારીરિક માળખું પ્રબંધ-પ્રથા છે; તેથી ઉદ્યોગની સફળતા માટે માનવસંબંધો વિકસાવાય તેવી પ્રબંધ-પ્રથામાં કાળજી રાખવી જરૂરી છે. જો પ્રબંધ-પ્રથા ખામી ભરેલી હોય તો સંચાલન મુશ્કેલ અને બિનઅસરકારક બને છે; પરંતુ જો તે તર્કબદ્ધ અને સ્પષ્ટ હોય તો સંચાલન સંગીન બને છે અને સંચાલકને નેતૃત્વશક્તિનો ઉપયોગ કરવાની તક મળે છે. જો ઉદ્યોગમાં ટૂંકા ગાળાની તકલીફ ઊભી થાય તે સમયે પ્રબંધ-પ્રથા કાર્યક્ષમ હોય તો ઉદ્યોગ ફરી પાછો પગભર થઈ જાય છે.

પિનાકિન ર. શેઠ