વ્યવસાયી શિક્ષણ : વ્યક્તિને કોઈક વ્યવસાય માટેની તાલીમ આપતું શિક્ષણ. આ શિક્ષણ કોઈક વ્યવસાય સંબંધિત તાલીમ આપે છે; જેથી વ્યક્તિ એ વ્યવસાય દ્વારા પોતાનો જીવનનિર્વાહ કરી શકે. વ્યવસાયી શિક્ષણ દ્વારા એવાં જ્ઞાન, કુશળતાનો વિકાસ કરી શકાય છે, જેથી બાળક ભવિષ્યમાં ઉત્પાદક કાર્યમાં વધુ સારી રીતે કામ કરી શકે.

વ્યાપક અર્થમાં વ્યાવસાયિક શિક્ષણમાં બધા જ પ્રકારના શિક્ષણનો સમાવેશ કરી શકાય. બીજી રીતે જોઈએ તો વ્યાવસાયિક શિક્ષણ એવું શિક્ષણ છે કે જે મેળવ્યા પછી વ્યક્તિ પોતાના જીવનનિર્વાહ માટે કંઈ ને કંઈ ઉત્પાદક પ્રવૃત્તિ કરતી થાય છે.

વ્યાવસાયિક શિક્ષણનો વ્યાપ વિશાળ છે. જીવનમાં જે જે કામો વ્યવસાયની પ્રતિષ્ઠા પામ્યા છે તે બધાં એમાં આવી શકે; દા. ત., કોઠારીપંચે માધ્યમિક શિક્ષણના અંતે આપવા જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો આ પ્રમાણે સૂચવ્યા હતા : 1થી 3 વર્ષના સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ શકે તેવા અંત્યબિંદુવાળા અનેકવિધ શિક્ષણક્રમો. આ શિક્ષણતબક્કે યોજવા જોઈએ. આવા શિક્ષણક્રમોમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષકો માટેના શિક્ષણક્રમો, ઔદ્યોગિક તાલીમી સંસ્થાઓ દ્વારા સંચાલિત દસમી શ્રેણીને અંતે પ્રવેશ આપી શકાય એવા શિક્ષણક્રમો, ખેતી અને ઉદ્યોગ માટે મધ્યમ કક્ષાના કારીગરો તૈયાર કરવા માટેના શિક્ષણક્રમો, વૈદ્યકીય અને સ્વાસ્થ્યસેવાઓ માટે સહાયક કર્મચારીઓ તૈયાર કરવાના શિક્ષણક્રમો; દફતરી કામ તથા ગૃહવિજ્ઞાનના શિક્ષણક્રમોનો સમાવેશ કરવો જોઈએ. આવા શિક્ષણક્રમો જ માધ્યમિક શિક્ષણનો સ્રોત બનાવી શકશે.

આમ વ્યાવસાયિક શિક્ષણમાં તક્નીકી, યંત્ર, કૃષિ, વાણિજ્ય, લલિત કલાઓ, ગૃહવિજ્ઞાન વગેરેના વિષયોનો સમાવેશ થાય છે એટલે કે વ્યવસાયી શિક્ષણમાં ટૅક્નિકલ હાઈસ્કૂલો, કૃષિ-વાણિજ્યની હાઈસ્કૂલો  વિવિધલક્ષી શાળાઓ, લલિત કલા અને શિક્ષણની તથા ગૃહવિજ્ઞાનની શાળાઓ ઉત્તર બુનિયાદી શાળાઓ, તમામ પ્રકારની શિક્ષણની તાલીમી સંસ્થાઓ, ઔદ્યોગિક તાલીમી સંસ્થાઓ (આઇ.ટી.આઇ.), વૈદકીય સ્વાસ્થ્યસેવાઓની તાલીમી સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે.

વ્યવસાયી શિક્ષણ સામાન્ય શિક્ષણનો એક ભાગ હોવું જોઈએ. તેને કાર્ય, અનુભવ, ઉત્પાદક કાર્ય, સમાજોપયોગી કાર્ય વગેરે નામે ઓળખી શકાય. આ વિષય પ્રાથમિકથી માંડીને ઉચ્ચ વિદ્યાલય-સ્તર સુધીના વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. વ્યવસાયી શિક્ષણમાં ઉદ્યોગ કે વ્યવસાયની વિષયવસ્તુની પસંદગી સ્થાનિક પરિવેશ પ્રમાણે કરવામાં આવે છે.

વ્યવસાયી શિક્ષણને વ્યાવસાયિક માર્ગદર્શનના સંદર્ભમાં જોઈએ તો વ્યવસાયની પસંદગીમાં, વ્યવસાય મેળવવામાં અને તેમાં અનુકૂલન પ્રાપ્ત કરવામાં વ્યક્તિને મદદ કરવી એટલે વ્યવસાયી માર્ગદર્શન. વ્યવસાયી માર્ગદર્શનમાં શૈક્ષણિક માર્ગદર્શનનો સમાવેશ થઈ જાય છે. વ્યવસાય મેળવવા જે અનુકૂલન પ્રાપ્ત કરવું પડે તેમાં શૈક્ષણિક પાસાંનો સમાવેશ થાય છે. વ્યવસાયી માર્ગદર્શનનો હેતુ વિદ્યાર્થીઓએ પસંદ કરેલા વ્યવસાયનાં લક્ષણો, ફરજો અને કાર્યો વગેરેનું જ્ઞાન મેળવવામાં મદદ કરવાનો છે; જેથી ચોક્કસ વ્યવસાય માટેની શૈક્ષણિક અને વ્યક્તિગત લાયકાતોનો પરિચય આપી શકાય. વળી વિદ્યાર્થીની શક્તિ અને બુદ્ધિ અનુસાર તે કયા વ્યવસાય માટે અનુકૂળ છે તે જણાવી શકાય. વિવિધ વ્યવસાયો પ્રત્યે વિદ્યાર્થીઓનો હકારાત્મક અભિગમ કેળવી તેમને મળતી વિવિધ આર્થિક મદદ વિશે જ્ઞાન આપવાનો હેતુ પણ છે. આમ વ્યવસાયી શિક્ષણ એ સંસ્થાકીય પુનર્રચના માટે ઉત્તમ માધ્યમ છે. ગામ, પ્રજા આદિવાસી અને શહેરના ઉદ્યોગો માટેની ક્રિયાશીલ યોજના છે. હાલ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ગુજરાતમાં લગભગ 310 જેટલી વ્યવસાયી શાળાઓ છે. ઉપરાંત આઇ.ટી.આઇ. જુનિયર પૉલિટૅક્નિક, હસ્ત-ઉદ્યોગની શાળાઓ, ઔદ્યોગિક ટૅક્નિકલ શાળા, કૃષિશાળા, ફાર્મસી શાળા, નર્સિગ માટેની શાળા, વાણિજ્ય-તાલીમશાળા, ગ્રામસેવકો માટેની શાળા વગેરે જેવી વ્યવસાયી સંસ્થાઓ પણ છે. આ સાથે અવૈધિક સ્વરૂપે કૉમ્યુનિટી, પૉલિટૅક્નિક, કૃષિવિજ્ઞાન કેન્દ્ર, નહેરુ યુવક કેન્દ્ર, રાષ્ટ્રીય ગ્રામવિકાસ કાર્યક્રમો જેવી પ્રવૃત્તિઓ પણ ચાલે છે.

સામાન્ય શિક્ષણના વ્યાપની સાથે વ્યાવસાયિક શિક્ષણનો સાંખ્યિક વ્યાપ પ્રમાણમાં ઠીક છે; છતાંય તાલીમ પામેલ, કૌશલ્ય સિદ્ધ કરેલ કારીગરો અને ટૅક્નિશિયનોની માગને પહોંચી વળી શકાતું નથી તે હકીકત છે.

વ્યવસાયી શિક્ષણ દ્વારા એવાં જ્ઞાન-કુશળતાનો વિકાસ કરી શકાય છે; જેથી બાળક ભવિષ્યમાં ઉત્પાદનકાર્યમાં વધુ સારી રીતે કામ કરી શકે. બીજું, વ્યવસાયી શિક્ષણમાં હાથથી કામ કરવા માટેનો સાચો દૃષ્ટિકોણ શ્રમ પ્રત્યે આદરભાવ જાગ્રત કરશે. બૌદ્ધિક કાર્યો કરવાવાળા શ્રેષ્ઠ અને શરીરશ્રમ કરવાવાળા હલકા છે, તેવો સામાજિક ખ્યાલ બદલાય  એ જરૂરી છે.

આરતી કસ્બેકર