વૉ, ઈવેલિન (જ. 28 ઑક્ટોબર 1903, લંડન; અ. 10 એપ્રિલ 1966, કૉમ્બે ફ્લોરી, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. તેઓ લંડનના શ્રીમંત સમાજ પરની કટાક્ષમય નવલકથાઓના રચયિતા તરીકે સવિશેષ પ્રખ્યાત છે. એમની આ પ્રકારની કૃતિઓમાં વ્યંગ, હાસ્ય તથા કંઈક અંશે કટાક્ષ સાથે આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પણ સંલગ્ન છે.
ઉચ્ચ વર્ગનાં ગર્ભશ્રીમંત અંગ્રેજ કુટુંબોમાં એમણે જે દંભ, આડંબર તથા વાહિયાત લાગે એવાં તત્વો જોયાં તેનું એમણે સ્પષ્ટતયા આલેખન કર્યું છે. વીસમી સદીના આરંભે ઇંગ્લૅન્ડમાં જે સુપ્રસિદ્ધ જીવંત પાત્રો હતાં તેમની જ આબેહૂબ આછીપાતળી પ્રતિમૂર્તિઓ એમાં સ્પષ્ટપણે વરતાય છે. ઉચ્ચ વર્ગના લોકોને વિશિષ્ટ હકો અને અધિકારો હોવા જોઈએ એમ એ પ્રખરપણે માનતા હતા. સાથે સાથે એ કથાઓમાં એ માન્યતાનું પણ સ્પષ્ટ દર્શન થાય છે કે એ વર્ગનું વર્તન ઘણી વાર હૃદયહીન, નિષ્ઠુર અને સાવ ઉપરચોટિયું હોય છે. એ વર્ગની અલ્પજ્ઞતાનો પણ એમાં નિર્દેશ છે.
1928માં એમની પ્રથમ કટાક્ષયુક્ત નવલકથા ‘ડિક્લાઇન ઍન્ડ ફૉલ’ પ્રસિદ્ધ થઈ. અન્ય કટાક્ષપ્રધાન નવલકથાઓમાં ‘વાઈલ બૉડિઝ’ (1930), ‘બ્લૅક મિસ્ચિફ’ (1932) અને ‘એ હૅન્ડફુલ ઑવ્ ડસ્ટ’(1934)નો સમાવેશ થાય છે.
1930ના વર્ષમાં એમણે રોમન કૅથલિક ધર્મ અપનાવ્યો. એ ધર્માન્તર બાદ જે નવલકથાઓ રચાઈ એમાં ધાર્મિક પ્રશ્ર્નો વિશે વધતી જતી એમની ચિંતા તથા અભિરુચિનું દર્શન થાય છે. જોકે એ સમય દરમિયાન એમની હાસ્યયુક્ત કટાક્ષકથાઓનું લેખન તો ચાલુ જ હતું.
1938માં ‘સ્કૂપ’ પ્રગટ થઈ અને 1948માં ‘ધ લવ્ડ વન’ બહાર પડી. આ સાથે એમણે સવિશેષ ગંભીર અને સર્વગ્રાહી નવલકથાઓ પણ લખી. એ સમયની નવલકથાઓમાં સૌથી વિશેષ પ્રખ્યાત બની ‘બ્રાઇડ્ઝહેડ રિવિઝિટેડ’(1945) જેના કથાવસ્તુમાં એક ગર્ભશ્રીમંત કૅથલિક કુટુંબની રીતિ-નીતિ પ્રદર્શિત થઈ છે.
વૉના અન્ય પ્રકારના સાહિત્યખેડાણમાં પ્રવાસવર્ણનો, જીવનચરિત્રો તથા નિબંધોનો સમાવેશ થાય છે.
એમના દેહવિલય બાદ 1984માં ‘ઈવેલિન વૉના નિબંધો, લેખો તથા અવલોકનો’ નામે એમનાં પસંદ કરાયેલાં લખાણોનો સંગ્રહ પ્રસિદ્ધ થયો છે.
‘એ લિટલ લર્નિંગ’ (1964) તેમની આત્મકથા છે. તેમાં એમનાં શૈશવ, કિશોરાવસ્થા તથા યૌવનનું વર્ણન છે. એમના અવસાન બાદ 1976માં એમની ડાયરીઓનું સંપાદન ‘ડાયરીઝ’ના નામે એમ. ડેવીએ કર્યું છે, એ બંને સંગ્રહો એમના વ્યક્તિગત અભિપ્રાયો અને ગપસપથી ભરેલા છે. એમ. ઍમરીએ તેમના પત્રોનું ‘લેટર્સ’ (1980) નામે સંપાદન કર્યું છે.
જયા જયમલ ઠાકોર