વૉલ્ગા બલિતા કુમારી, પોપુરી (જ. 27 નવેમ્બર 1950, ગન્તુર, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી તેલુગુમાં એમ. એ.ની પદવી મેળવી. તેઓ હૈદરાબાદ ખાતે ઉષા કિરણ મુવિઝના સ્ક્રિપ્ટ ડિપાર્ટમેન્ટમાં સિનિયર એક્ઝિક્યુટિવ; 1988થી ફેમિનિસ્ટ સ્ટડી સર્કલનાં સેક્રેટરી; 1992થી અસ્મિતા રિસૉર્સ સેન્ટર ફૉર વિમેનનાં પ્રમુખ તરીકે રહ્યાં.
તેમણે અત્યાર સુધીમાં 23 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સહજ’ (1986); ‘સ્વેચ્છા’ (1987); ‘કન્નિની કેરતલા વેન્નેલા’ (1988); ‘આકાસ્મ્લો સાગમ’ (1990) અને ‘ભૂમિપત્રિકા’ (1985) તેમની જાણીતી નવલકથાઓ છે. ‘રાજકીય કથાલુ’ (1993) અને ‘પ્રયોગમ્’ (1995) તેમના વાર્તાસંગ્રહો છે. ‘નીલી મેઘાલુ’ (1993) તેમનો કાવ્યસંગ્રહ છે, જ્યારે ‘વલ્લુ આરુગુરુ’ (1995) નાટ્યસંગ્રહ છે. ‘સરિહદ્દ્દુલુ લેની સંધ્યાલે’ (1996) સ્ત્રીઓના અધિકારના હિમાયતી નિબંધસંગ્રહ છે. તેમણે યુનાઇટેડ નૅશન્સ ફોર્થ વર્લ્ડ કૉન્ફરન્સ ઑન વિમેનમાં ઑબ્ઝર્વર તરીકે ભાગ લીધો હતો.
તેમના મહિલાઓને લગતા સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1987માં તેલુગુ યુનિવર્સિટી ઍવૉર્ડ અને 1990માં બેસ્ટ નૉવેલ ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા.
બળદેવભાઈ કનીજિયા