વૉર્હોલ, ઍન્ડી (જ. 6 ઑગસ્ટ 1927, પિટ્સબર્ગ, યુ.એસ.) : અમેરિકન પૉપ આર્ટ ચળવળના પ્રણેતાઓમાંનો એક તથા ફિલ્મ દિગ્દર્શક. મૂળ નામ એન્ડ્રુ વૉર્હોલા. કલાકારની અભિવ્યક્તિ વ્યક્તિગત નહિ પણ ઔદ્યોગિક તંત્રની જાહેરાત રૂપે છે તેવી ઘટના સૌપ્રથમ વૉર્હોલે ઊભી કરી. એ રીતે તેણે પશ્ચિમી જગતની અદ્યતન ધંધાદારી સામાજિક માનસિકતાને છતી કરી. 1950થી 1954 સુધી તે જર્મન નાટ્યકાર બર્ટોલ્ટ બ્રૅખ્ટ્માંથી પ્રેરણાપીયૂષનું પાન કરીને નાટકોની ભજવણીમાં પાત્ર ભજવતો. એ પછી તેણે ક્રિસ્મસનાં અભિનંદન કાર્ડ તથા સંગીતની રેકર્ડના જૅકેટો ડિઝાઇન કર્યાં. બજારમાં વેચવામાં આવતા કોઈ એક બ્રાન્ડના તૈયાર સૂપના કૅન તેણે કૅન્વાસ ઉપર ચીતર્યાં તથા 1962માં તેમને ન્યૂયૉર્ક નગરમાં પ્રદર્શિત કર્યાં. એ પછી તેણે કોઈક બ્રાન્ડના સાબુનાં ખોખાંને શિલ્પમાં કંડારી પ્રદર્શિત કર્યાં. હવે તે નામચીન (notorious) બની ચૂક્યો. ખ્યાતનામ વ્યક્તિઓનાં વ્યક્તિચિત્રો તેણે ખૂબ જ ભડક રંગો વડે ચીતર્યાં. વળી તેણે બજારુ ઉત્પાદનોમાંથી કોઈ એક પસંદ કરી તેની એકસરખી, કંટાળાજનક એકવિધ આકૃતિઓ પુનરાવર્તિત કરી એક જ કૅન્વાસ ઉપર ચીતરી. આમ ચીતરવા પાછળ તેનો હેતુ આધુનિક યંત્રસંસ્કૃતિના ઉત્પાદનની કંટાળાજનક એકવિધતા તથા આધુનિક જીવનની યાંત્રિક એકવિધતા દર્શાવવાનો રહ્યો છે.
1962 પછી વૉર્હોલે ચલચિત્રો સર્જવાનું શરૂ કર્યું. જાહેર જનતાને આ ફિલ્મો સિનેમાગૃહોમાં જોવા કદી મળી નહિ હોવાથી તે બધી જ ‘અન્ડરગ્રાઉન્ડ ફિલ્મ’ તરીકે ઓળખાઈ. તેમાં ‘ઈટ’ (1963), ‘માય હસ્લર’ (1965), ‘ધ ચેલ્સી ગર્લ્સ’ (1966) તથા ‘બ્લૂ મૂવી’(1969)નો સમાવેશ થાય છે. રતિશૃંગાર રસથી છલકાતી આ પ્રત્યેક ફિલ્મની લંબાઈ આશરે આઠ કલાકની છે.
વૉર્હોલના શિષ્ય પૉલ મોરિસેએ પણ પછી આ પ્રકારની ફિલ્મો સર્જી. વૉર્હોલે ત્રણ પુસ્તકો લખ્યાં છે : ‘ધ ફિલૉસોફી ઑવ્ ઍન્ડી વૉર્હોલ’ (1975), ‘પૉર્ટ્રેઇટ્સ ઑવ્ ધ સેવન્ટીઝ’ (1979) તથા ‘ઍન્ડી વૉર્હોલ્સ એક્સ્પોઝર્સ’ (1980).
અમિતાભ મડિયા