વૉર્સો : પોલૅન્ડનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 52° 15´ ઉ. અ. અને 21° 00´ પૂ. રે.. તેનું પોલિશ નામ વૉર્સઝાવા (Warszawa) છે. તે પૂર્વ પોલૅન્ડમાં વિસ્તુલા નદીકાંઠે વસેલું છે અને સાંસ્કૃતિક, ઔદ્યોગિક તેમજ વૈજ્ઞાનિક મથક છે.
વૉર્સો તેના સમગ્ર ઇતિહાસકાળ દરમિયાન લગભગ બધો જ વખત એક સ્વતંત્ર દેશના પાટનગર તરીકે રહ્યું છે; પરંતુ રશિયા, પ્રશિયા અને જર્મનીએ જુદા જુદા સમયે આ શહેર પર પોતાનો અંકુશ રાખેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જર્મન દળોએ વૉર્સોનો કબજો મેળવેલો, પણ શહેર ખંડિયેરમાં ફેરવાઈ ગયેલું, તેમાં તેની વસ્તી 85 % જેટલી ઘટી ગયેલી. આજે વૉર્સો તેનાં ખંડિયેરોમાંથી પુનર્નિર્માણ પામી બેઠું થયું છે.
શહેર : આ શહેરનો વિસ્તાર 450 ચોકિમી. જેટલો છે. વિસ્તુલા નદી તેના બે વિભાગ પાડે છે. ડાબા કાંઠાનો વિભાગ નદીથી પશ્ચિમ તરફ છે, જ્યારે જમણા કાંઠાનો વિભાગ નદીથી પૂર્વ તરફ છે. વૉર્સો શહેરનો મધ્યભાગ અને તેના મોટાભાગના આવાસો ડાબે કાંઠે આવેલા છે. પોલૅન્ડવાસીઓએ વિશ્વયુદ્ધમાં નુકસાન પામેલી શહેરની ઘણી ઐતિહાસિક ઇમારતોનું પુનર્નિર્માણ કર્યું છે. વૉર્સોમાં વિશાળ ઉદ્યાનો, પુસ્તકાલયો, સંગ્રહસ્થાનો અને થિયેટરો આવેલાં છે. કેટલાક ખ્યાતનામ પોલૅન્ડવાસીઓનાં બાવલાં આખા શહેરમાં જુદાં જુદાં સ્થાનો પર મૂકેલાં છે. આંતરિક યુદ્ધો બાદ પુનર્નિર્માણ પામેલાં શહેરનાં જાણીતાં ભૂમિચિહ્નોમાં સેન્ટ જ્હૉનનું કથીડ્રલ અને શહેરને ફરતી પ્રાચીન દીવાલ (કોટ) બંને મૂળ ચૌદમી સદીનાં છે. વૉર્સોનું ઑપેરા-હાઉસ પણ યુદ્ધ પછી બંધાયેલું છે. તે દુનિયાભરનાં મોટાં ઓપેરા હાઉસ પૈકીનું છે. વૉર્સોમાં અર્વાચીન ઢબનાં કાર્યાલયો અને આવાસો પણ છે. આ ઉપરાંત, શહેરના હાર્દસમા મુખ્ય ખરીદી બજારના માર્સઝાલ્કોવ્સ્કી માર્ગની ધારે નવી દુકાનો છે. વૉર્સોના નવા વિભાગમાં જોવા મળતો વૈજ્ઞાનિક-સાંસ્કૃતિક હૉલ 1954માં સોવિયેત સંઘે બાંધી આપેલો. શહેરની ઘણી શૈક્ષણિક અને સંશોધન-સંસ્થાઓમાં વૉર્સો યુનિવર્સિટી અને પોલિશ એકૅડેમી ઑવ્ સાયન્સના મુખ્ય મથકનો સમાવેશ થાય છે. વૉર્સો એક પાટનગર હોઈને અવારનવાર વિવિધ સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન થતું રહે છે. દર વર્ષે શરદઋતુમાં સમકાલીન સંગીતનો ઉત્સવ વૉર્સો ખાતે યોજાય છે, જેમાં યુરોપમાંથી સંગીતકારો હાજરી આપે છે. દર પાંચ વર્ષે દુનિયાભરમાંથી ઘણા પિયાનોવાદકો વૉર્સોના ફ્રેડરિક શોપિન ઇન્ટરનૅશનલ પિયાનો સ્પર્ધામાં ભાગ લે છે.
અર્થતંત્ર : વૉર્સો એક મહત્વનું ઔદ્યોગિક મથક બની રહેલું છે. શહેરના મુખ્ય ઉદ્યોગોમાં ખાદ્યપ્રક્રમણ, મુદ્રણ-છાપકામ તેમજ મોટરવાહનો, વીજાણુ-યંત્રસામગ્રી, યંત્રો, ધાતુઓ, કાપડ (વસ્ત્રો), ઔષધિઓ અને ઇજનેરી માલસામાનનાં ઉત્પાદનોનો સમાવેશ થાય છે. વૉર્સો ઘણા વખતથી વેપારી મથક પણ રહ્યું છે; એટલું જ નહિ, તે પૂર્વ યુરોપનું મુખ્ય રેલસેવામથક પણ છે. હજારો વૉર્સોનિવાસીઓ પોલિશ સરકારની એજન્સીઓમાં કામ કરે છે. 1980 અને 1990ના દાયકાઓ દરમિયાન પોલૅન્ડના અન્ય ભાગોની જેમ વૉર્સોનું અર્થતંત્ર મંદીને કારણે ભાંગી પડેલું. તેને કારણે ઘણા લોકોને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડેલો.
વસ્તી-લોકો : વૉર્સોની વસ્તી 2000 મુજબ 16,65,000 જેટલી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ખુવારી થવાથી વૉર્સોની વસ્તીને ઘણી માઠી અસર પહોંચેલી, પરંતુ વિશ્વયુદ્ધ બાદ વસ્તીમાં એવો ઝડપી વધારો થતો ગયો કે આવાસોની તંગી છેવટે ઊભી થઈ ગઈ. અહીંના લોકો ‘પોલ્સ’ (પોલિસ) નામથી ઓળખાય છે. તેઓ બધા હળીમળીને, તેમના સાંસ્કૃતિક, રાષ્ટ્રીય અને સામાજિક તહેવારો અને ઉત્સવો યોજે છે અને માણે છે. મોટાભાગના લોકો રોમન કૅથલિક છે. મે અને જૂન મહિનાઓમાં કૉર્પસ ખ્રિસ્તી વરઘોડો તેમના ઘણા ધાર્મિક ઉત્સવો પૈકી આગળ પડતો ગણાય છે.
ઇતિહાસ : આજે જ્યાં વૉર્સો આવેલું છે ત્યાં ઈ. સ. દસમી સદીમાં સ્લાવિકોની નાની વસાહત આવીને વસેલી. તેરમીથી સોળમી સદી દરમિયાન મોઝાવિયાના ડ્યૂકોએ આ સ્થળને પોતાનું વતન બનાવી દીધેલું. સોળમી સદીમાં મોઝાવિયા પોલિશ સામ્રાજ્યમાં પ્રવેશ્યું. રાજા સિગિસમુંડ ત્રીજાએ 1596માં ક્રાકોવ પાટનગરને ખેસવી વૉર્સોમાં સ્થાપ્યું. સત્તરમી સદીના મધ્યકાળમાં સ્વીડનનાં દળોએ પોલૅન્ડ પર આક્રમણ કર્યું અને 1656માં વૉર્સોના ઘણાખરા ભાગને તારાજ કરી નાખ્યો; તેમ છતાં 1795 સુધી વૉર્સો પોલૅન્ડનું પાટનગર રહેલું. એ જ વર્ષે ઑસ્ટ્રિયા, પ્રશિયા અને રશિયાએ પોલૅન્ડને વહેંચી લીધું, તેમાં વૉર્સો પ્રશિયાને ભાગે આવેલું.
1807થી 1813 સુધી ફ્રેન્ચ શહેનશાહ નૅપોલિયને ઊભા કરેલા રાજ્યવિસ્તાર વૉર્સોની જાગીરનું રાજધાનીનું સ્થળ તે રહેલું. પૂર્વ યુરોપમાં નૅપોલિયનની હાર થતાં, રશિયાએ વૉર્સોનો કબજો લઈ લીધેલો. 1830 અને 1863માં પોલૅન્ડવાસીઓએ રશિયા સામે નિષ્ફળ વિદ્રોહ કરેલો. ઓગણીસમી સદીના અંતિમ ચરણમાં રશિયાએ વૉર્સો પરના અંકુશને વધુ મજબૂત બનાવ્યો; પરંતુ તે પછી પ્રથમ વિશ્વયુદ્ધમાં રશિયાઈ શાસનનો અંત આવ્યો. 1915થી 1918 (વિશ્વયુદ્ધ) દરમિયાન તેના પર જર્મનીનો કબજો રહેલો. 1918માં પોલૅન્ડ સ્વતંત્ર બન્યું.
બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન લગભગ આખુંય વૉર્સો તારાજ થઈ ગયેલું. વૉર્સો જર્મનોના ત્રણ અઠવાડિયાંના ઘેરા પછી શરણે થયું. તેમાંથી ભૂગર્ભીય પ્રતિકાર માટે ચળવળો શરૂ થઈ. જર્મનદળોએ વૉર્સોના લોકો પર અમાનુષી ત્રાસ વર્તાવ્યો. નાઝીઓએ સામૂહિક ધરપકડો કરી, ઘણા પર જાહેરમાં કામ ચલાવ્યું અને વૉર્સોનિવાસીઓને શહેર છોડી જવા ફરજ પાડી. તેમણે 5 લાખ જેટલા યહૂદીઓને શહેરના એક ભાગમાં ગોંધી રાખ્યા, તે પૈકીના ઘણા ભૂખ અને રોગચાળાથી મૃત્યુ પામ્યા, બીજા ઘણાને મારી નાખ્યા. 1943ના એપ્રિલમાં 60,000 જેટલા યહૂદીઓએ બળવો કર્યો. જર્મનોએ તેમને બધાને મારી નાખ્યા.
1944ના ઉનાળા સુધીમાં રશિયાના લશ્કરે રશિયામાંથી જર્મનોને કાઢી મૂક્યા અને વૉર્સો સુધી લશ્કર લઈ ગયા. 1944ના ઑગસ્ટની પહેલી તારીખે વૉર્સોનિવાસીઓ જર્મનોની સામે થયા, પોલૅન્ડના લોકોએ શહેરના મોટાભાગને ઘેરી લીધું, રશિયાનાં દળો નજીકમાં હોવા છતાં તેમની મદદે આવ્યાં નહિ તેથી તેઓ ફાવી શક્યા નહિ. જર્મનોના હુમલાઓ સામે તેમણે વિસ્તુલા નદીના ડાબા કાંઠા પરના કેટલાક ભાગો પર પોતાની પકડ જમાવી રાખી, છેવટે ઑક્ટોબરની 3 તારીખે શરણે જવું પડ્યું. જર્મનોએ ડાબા કાંઠા પરની બધી વસ્તીને તેમનાં સ્થળો ખાલી કરવાની ફરજ પાડી તથા ઇમારતો તેમજ જે કાંઈ બચ્યું હતું તે બધું સ્ફોટક દ્રવ્યોની મદદથી બાળી મૂક્યું. 1945ના જાન્યુઆરીની 17મી તારીખે સોવિયેત દળો વૉર્સોમાં પ્રવેશ્યાં. તેમણે ફેબ્રુઆરીમાં પોલિશ સામ્યવાદી સરકાર રચી. આ રીતે વૉર્સો પોલિશ પ્રજાસત્તાકનું પાટનગર બન્યું. 1956માં રશિયા વિરુદ્ધ દેખાવો યોજાયા. સાંસ્કૃતિક સ્વાતંત્ર્ય માટે વિદ્યાર્થીઓનાં હુલ્લડ થયાં. 1980ના દશકામાં સ્વાતંત્ર્યનો લોકજુવાળ લોકશાહી સરકાર માટે આગળ આવ્યો. 1991ના ઑક્ટોબરમાં મુક્ત સંસદીય ચૂંટણી કરવામાં આવી.
ગિરીશભાઈ પંડ્યા