વૉર્લોક પીટર (જ. 30 ઑક્ટોબર 1894, લંડન, બ્રિટન; અ. 17 ડિસેમ્બર 1930, લંડન, બ્રિટન) : આધુનિક બ્રિટિશ સંગીતકાર, સંગીતવિવેચક તથા રાણી એલિઝાબેથના જમાનાના સંગીતના સંપાદક.
સંગીતક્ષેત્રે સ્વશિક્ષિત વૉર્લોકને બે સંગીતનિયોજકો ફ્રેડેરિક ડેલિયસ તથા બર્નાર્ડ ફાન ડીરેન પાસેથી માર્ગદર્શન મળ્યું. 1920માં વૉર્લોકે ‘ધ સેકબર’ નામે સંગીતનું એક સામયિક શરૂ કર્યું અને પોતે જ તેના સંપાદક બન્યા.
વૉર્લોકનાં ગીતો તેમની સર્જનાત્મકતાનો ઉત્તમ ઉન્મેષ ગણાય છે. તેમાંની સૂરાવલિઓ ભાવકને ભાવાવેશથી અભિભૂત કરવાની ક્ષમતા માટે વખણાઈ છે. તેમનાં આ ગીતો ‘લીલીગે’ (1923), ‘ધ કર્લ્યુ’ (1924) તથા ‘કૅન્ડલલાઇટ’ (1924) એવાં ત્રણ જૂથોમાં પ્રકાશિત થયાં. આ સંગીતમાં એલિઝાબેથના જમાનાના બ્રિટિશ સંગીત ઉપરાંત સંગીતકારો ડેલિયસ તથા ડીરેનનો પ્રભાવ જોવા મળે છે. તેમનાં ગીતોમાં શબ્દ અને સ્વરની ઊંચી કક્ષાની એકતા સિદ્ધ થયેલી છે. વળી તેમણે ગાયકવૃંદો માટે અને ઑર્કેસ્ટ્રા માટે પણ કૃતિઓ આપી છે. તેમાંથી તંતુવાદ્યો માટેની ‘કેપ્રિયોલ સ્વીટ ફૉર સ્ટ્રિન્ગ્ઝ’ (1927) ઘણી લોકપ્રિય થઈ છે. મધ્યયુગીન સંગીતનિયોજક ટી. આર્બ્યુની કૃતિ ‘ઑર્કેસોગ્રાફી’માંની સૂરાવલિઓનો આધાર તેમણે આ કૃતિના સર્જન માટે લીધેલો. બ્રિટિશ લોકસંગીતની સૂરાવલિઓ ઉપર આધારિત તેમની કૃતિ ‘ફોકસૉન્ગ પ્રિલ્યૂડ્ઝ ફૉર પિયાનો’ (1918) પણ ખાસ્સી લોકચાહના મેળવી શકી છે.
એક સંગીત-સંપાદક તથા સંગીત-વિવેચક તરીકે પણ વૉર્લોકે ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એલિઝાબેથના જમાનાના સંગીતકારો ડાઉલૅન્ડ, રેવેન્સ્ક્રોફ, પર્સેલ આદિના સંગીતનું તેમણે સંપાદન કર્યું છે. મહાન ઇટાલિયન સંગીતકાર જેસ્વાલ્દોનું તેમણે સીગ્રે સાથે રહી જીવનચરિત્ર લખ્યું છે. ‘કાર્લો જેસ્વાલ્દો’, ‘પ્રિન્સ ઑવ્ વેનોસા, મ્યૂઝિશિયન ઍન્ડ મર્ડરર’ (1926). આ ઉપરાંત ‘ફ્રેડેરિક ડેલિયસ’ (1923) તથા ‘થૉમસ વ્હીથૉર્ન’નાં જીવનચરિત્રો પણ તેમણે લખ્યાં છે. તેમણે આપઘાત દ્વારા જીવનનો અંત આણ્યો હતો.
અમિતાભ મડિયા